________________
૨૨૭
વૈરાગ્યભેદાધિકાર ખીલવવામાં જ ઉત્સાહ હોય છે. જ્યારે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સિવાયના જીવોને ભવથી વૈરાગ્ય હોય તો પણ, સ્વદર્શનના પક્ષપાતથી કે સ્વમાન્યતા પ્રત્યેના કદાગ્રહથી, ગુણોને ખીલવવાની ઉપેક્ષા કરીને પણ પોતાની માન્યતાને જ સ્થાપન કરવા માટે ઉત્સાહ હોય છે.
(૮) મદનના ઉન્માદનું વમન - વળી, તત્ત્વના પર્યાલોચનથી સંસાર પ્રત્યે વૈરાગ્ય થયેલો હોવાને કારણે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા એવા ગીતાર્થને વેદનો ઉદય મંદ મંદતર થતો હોય છે. તેથી તેના વિશેષ નિમિત્તોમાં પણ પ્રાયઃ કરીને કામના વિકારો થવાની સંભાવના તેમને ઓછી રહે છે. જ્યારે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા ના હોય તેવા દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્યવાળાને ક્વચિત્ ત્યાગને કારણે કામનો ઉન્માદ ન દેખાતો હોય તો પણ, જન્માંતરમાં સામગ્રીને પામીને ફરી તે પ્રગટ થાય તેવો હોય છે. અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, પદાર્થના વાસ્તવિક સ્વરૂપના અવલોકનથી પ્રગટેલો હોવાને કારણે કામ-વિકારના ઉચ્છેદનું જ બીજ છે.
(૯) મદના સમ્મદનું મર્દન :- અહંકારના આવેશોનું મર્દન:- જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા જીવોને કષાયો જ જીવની વિકૃતિરૂપે દેખાય છે, તેથી માનના વિકારો પણ ધીરે-ધીરે અલ્પ-અલ્પતર થતા જાય છે. અને તેથી જ પોતે જ્ઞાનના અતિશયવાળા હોય છે તો પણ, પૂર્વના મહર્ષિઓ આગળ પોતાની ઘણી અલ્પતા છે તે પણ તેઓ જોઈ શકે છે, અને તેથી યત્કિંચિત્ વિદ્વતામાત્રમાં મદના વિકારો તેઓને થતા નથી.
(૧૦) અસૂયાના તાંતણાઓનો વિચ્છેદ - જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા જીવોને ગુણનો પક્ષપાત હોય છે, તેથી પોતાનાથી અધિક વિદ્વાન આદિને જોઈને પણ ઇર્ષ્યા થતી નથી.
(૧૧) સમતારૂપી અમૃતમાં મજ્જન :- જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા જીવો સમ્યક્ પ્રકારના જ્ઞાનથી આત્માને સતત ભાવિત કરતા હોય છે, તેથી સમતારૂપી અમૃતનો તેઓ સદા અનુભવ કરતા હોય છે. કેમ કે સમ્યફ જ્ઞાન સમતાની વૃદ્ધિનું જ કારણ છે.
(૧૨) ચિદાનંદ સ્વભાવથી સદા ચલન નથી :- વળી, જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા જીવો આત્માનું સ્વરૂપ ચિત્ આનંદમય છે એવું જાણતા હોય છે, તેથી તેમનો સર્વ યત્ન જ્ઞાનના જ આનંદની વૃદ્ધિ માટે હોય છે. અને તે જ્ઞાનનો આનંદ એ આત્માનો સ્વભાવ છે, તેથી જે અંશમાં જ્ઞાનનો આનંદ તેઓને પ્રગટેલો છે,