________________
વૈરાગ્યભેદાધિકાર
૧૭૭ ભાવાર્થ -
મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવો ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કોઈક અતત્ત્વ પ્રત્યે આગ્રહવાળા હોય છે. જો તેઓનો આગ્રહ અનિવર્તનીય હોય તો તે આગ્રહને કારણે જ ભાવિમાં કષાયોનો ઉદ્ભવ થવાનો છે. તેથી આવા જીવો જે તપ-સંયમાદિની ક્રિયા કરે છે અને તેના કારણે તેઓના કષાયો કાંઈક શાંત દેખાય છે, તે પણ કેવલ દોષ પોષવા માટે જ છે.
જેમ કોઈને પ્રગટ થયેલો જ્વરનો રોગ ઔષધિવિશેષથી દબાવી દેવામાં આવે તો થોડા કાળ માટે જ્વર દેખાય નહિ, પરંતુ જ્યારે તે ઔષધિની અસર દૂર થાય છે, ત્યારે અંદરમાં દબાયેલો જ્વરનો રોગ પોતાના વિકારોને દેખાડે છે. તેથી જેમ રોગનો નાશ કર્યા વગર દબાવેલો રોગ ફરી ઉદ્ભવ પામે છે, તેમ અસત્ પદાર્થોનો આગ્રહ નાશ કર્યા વગર બાહ્યક્રિયાથી કરાયેલો પ્રશમ ફરી કષાયોના ઉદયવાળો થાય છે, અને તેઓમાં રહેલો આવો ઉપશમ બીજા જીવોને આકર્ષીને પોતાના વિપરીત માર્ગ પ્રત્યે રુચિ કરાવીને સન્માર્ગના નાશરૂપ દોષ પોષવાનું કારણ બને છે. તેથી તેઓનો પ્રશમનો પરિણામ સન્માર્ગના નાશનું કારણ બને છે, અને તેઓને પણ તે પ્રશમના ફળરૂપે સંસારના ઉચ્છેદની પ્રાપ્તિ થતી નથી. કેમ કે પ્રશમને સાનુબંધ બનાવવાનું કારણ તત્ત્વની રુચિ છે, અને આવા જીવોને ભગવાનની આજ્ઞારૂપ તત્ત્વની રુચિ થઈ નહીં હોવાથી, તત્ત્વરુચિ વગરના જીવોની બાહ્ય આચરણારૂપ સુંદર ક્રિયાઓ, અને કષાયના શમનરૂપ અંતરંગ પરિણામો પણ તત્ત્વથી અફળ છે, અર્થાત્ નિષ્ફળ છે. I૬-૧૫ અવતરણિકા -
હવે મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવને કેવા પ્રકારના ભાવો વર્તતા હોય છે, તે બતાવે છે -
कुशास्त्रार्थेषु दक्षत्वं, शास्त्रार्थेषु विपर्ययः । स्वच्छन्दता कुतर्कश्च, गुणवत्संस्तवोज्झनम् ।।१२।। आत्मोत्कर्षः परद्रोहः, कलहो दम्भजीवनम् । आश्रवाच्छादनं शक्त्युल्लङ्घनेन क्रियादरः ।।१३।।