________________
૧૧૮
અધ્યાત્મસાર શ્લોકાર્ધ :
ભવમાં પરાધીન, ક્ષય પામનારું, વિષયકક્ષાના સમુદાયથી મલિન, ભયનું સ્થાન એવું સુખ છે; તો પણ કુમતિ જીવો ત્યાં આનંદ પામે છે. પરંતુ બુદ્ધિમાન પુરુષો સ્વાધીન, અક્ષયી, ઈન્દ્રિયના સુજ્યથી રહિત, ભયરહિત એવા આધ્યાત્મિક સુખમાં અત્યંત લીન રહે છે. l૪-૨વા ભાવાર્થ -
સંસારનું સુખ બાહ્ય વિષયોને આધીન હોવાથી તથા પુણ્યના બળથી તેની પ્રાપ્તિ થતી હોવાથી પરાધીન છે. વળી પ્રાપ્ત થયા પછી સદા ટકી શકે તેવો સંયોગજન્ય સુખનો સ્વભાવ જ નથી, તેથી ક્ષય પામનારું છે.
વળી, સાંસારિક સુખોના ઉપાયભૂત પદાર્થોને ભોગવવાની ઈચ્છા થાય છે ત્યારે જે, જીવની ભોગો ભોગવવારૂપ પ્રવૃત્તિ થાય છે; અને તે ભોગવવાની ઈચ્છા સુખરૂપ નથી, પરંતુ દુઃખરૂપ છે. કેમ કે ભોગવવાની ઈચ્છા સુખરૂપ હોય તો ભોગવવાની ક્રિયાથી તેને શમાવવાનો પ્રયત્ન કરવાનો રહે જ નહીં. તેથી ભોગવવાની ક્રિયાની પૂર્વે જે ભોગવવાની ઈચ્છા છે તે જ જીવના વિહ્વળ પરિણામ સ્વરૂપ છે, અને વળી ભોગકાળમાં પણ જે ઈચ્છા વર્તી રહી છે, તે પણ વિહ્વળ પરિણામ છે, જે બંને જીવને પ્રતિકૂળ વેદન છે. આમ, સંસારનું સુખ આવા પ્રતિકૂળ વેદનના ભાવોથી મલિન છે.
વળી, આ સુખ ભોગવવાથી ભવમાં મહાપરિભ્રમણ કરીને અનેક કદર્થનાઓ જીવને પ્રાપ્ત થાય છે, તેથી ભવભ્રમણની ભીતિનું સ્થાન છે. તથા આ સુખ પુણ્યની સમાપ્તિની સાથે જ નાશ થવાની સંભાવના હોવાથી તેના નાશનો પણ ભય પ્રવર્તે છે. આમ છતાં, જેમને કુમતિ પેદા થઈ છે તેવા જીવો, નિર્વિચારક અવસ્થા ધરાવતા હોવાથી આવા જ સુખોમાં આનંદ માણે છે, જ્યારે બુદ્ધિમાન પુરુષો તત્ત્વનો સભ્ય બોધ મેળવી સંસારના સુખોમાંથી ચિત્તનું નિવર્તન કરી, તેનાથી સર્વ રીતે વિરુદ્ધ એવા આધ્યાત્મિક સુખમાં લીન બને છે.
હવે આ આધ્યાત્મિક સુખ કેવું છે, તે કહે છે – આધ્યાત્મિક સુખ જીવના સ્વના પરિણામરૂપ હોવાથી સ્વાધીન છે. વળી તે સુખ એક વખત આંશિક પણ પ્રગટી જાય પછી તે ક્ષય પામનારું નથી, અને પૂર્ણ પ્રગટે તો સિદ્ધ અવસ્થામાં શાશ્વત રહેનારું છે. વળી તે ઈન્દ્રિયોની ઉત્સુકતાથી રહિત છે, તેથી જીવના વિષયોની ઈચ્છારૂપ ભાવોથી મલિન નથી. વળી આ સુખ ભોગવવાથી સંસારના પરિભ્રમણનો ભય પણ નથી, તથા આત્માના પરિણામરૂપ હોવાથી નાશ પણ