________________
૧૫૧
વૈરાગ્યસંભવાધિકાર ઈન્દ્રિયો તૃપ્ત છે, અને તેથી જ તે ઈન્દ્રિયો સ્વયં જ વિષયોથી નિવર્તન પામનારી છે. છઠી દષ્ટિવાળા જીવોને આવી જ ઈન્દ્રિયો વડે કરીને વિષયોમાં પ્રવૃત્તિ કરવા છતાં વૈરાગ્ય હોય છે. વૈરાગ્યની પ્રાપ્તિનો આ ઉત્પથ છે, જે અત્યંત વિષમ છે; કેમ કે વિષયોના સંસર્ગમાં રહીને વૈરાગ્યની પ્રાપ્તિ દુષ્કર છે, અને વિષમ એવા આ ઉત્પથ પર ચાલવાથી લૂંટાવાનો પણ પૂરો સંભવ રહે છે.
અહીં વિશેષ એ છે કે વૈરાગ્યને પ્રાપ્ત કરવા માટે બે માર્ગ બતાવેલ છે, જેમાંનો પ્રથમ માર્ગ સામાન્ય રીતે વિષયોના ત્યાગથી વૈરાગ્યને પ્રાપ્ત કરવાનો છે, અને તે રાજમાર્ગ છે. જ્યારે બીજો માર્ગ કમળની જેમ કાદવમાં રહીને કોરા રહેવા જેવી વાત છે, અને તે ઉત્પથ છે. આ બે વચ્ચે ભેદ માત્ર એ છે કે રાજપથ પર ચાલનારાને શાસ્ત્રના ભાવન દ્વારા ઈન્દ્રિયોને વિષયોથી વિમુખ કરવી પડે છે, જ્યારે છઠી દૃષ્ટિવાળા જ્ઞાની મહાત્માઓને જન્મ-જન્માંતરના અભ્યાસને કારણે તત્ત્વનું ભાવન કર્યા વિના જ તેઓની ઈન્દ્રિયો સ્વાભાવિક જ વિષયોથી નિવર્તન પામેલી હોય છે.
જે જીવોને તત્ત્વનું જ્ઞાન છે તેઓને વિષયોથી દૂર રહીને સામાન્યથી વૈરાગ્ય પ્રાપ્ત થઈ શકે છે, જ્યારે જ્ઞાનવાળા ઉત્તમ પુરુષોને જન્મજન્માંતરનો અભ્યાસ હોવાથી વિષયો તેમના ચિત્તને સ્પર્શી શકતા નથી; તેથી વિષયોથી દૂર રહેવાનો તેઓને યત્ન પણ કરવો પડતો નથી, ઈન્દ્રિયો સ્વયં તૃપ્ત હોવાથી નિવર્તન પામેલી હોય છે. આમ છતાં, કોઈ સંયોગવિશેષથી અથવા તો અન્યના લાભને માટે વિષયોમાં પ્રવૃત્તિ કરવી પડે ત્યારે પણ, જ્ઞાનવાળા જીવને કોઈ વ્યાઘાત થતો નથી. કારણ કે તે સમયે વિષયો પ્રત્યે તેઓનું ચિત્ત ઉદાસીન વર્તતું હોય છે, તેથી તેઓ ઉત્પથથી પણ જઈ શકે છે.
જોકે મોક્ષને સાધવાની ઈચ્છાવાળો દરેક જીવ આ રીતે વૈરાગ્યને પ્રાપ્ત કરવા સમર્થ નથી. સમકિતને પામેલો પાંચમી દૃષ્ટિવાળો જીવ જો આ રીતે પ્રયત્ન કરવા જાય તો તેને પ્રાપ્ત થયેલો વૈરાગ્ય જતો પણ રહેવા સંભવ છે.
આમ, ઉત્પથથી જેમ શીધ્ર અપેક્ષિત સ્થાને પહોંચી શકાય છે, તેમ વિષમ એવા આ ઉત્પથ પર ચાલવા અસમર્થ જીવ જો યત્ન કરે, તો અપેક્ષિત સ્થાને પહોંચવાને બદલે ત્યાંથી પડી જવાની પણ સંભાવના છે. તેથી જ વિવેકી પુરુષોએ રાજપથને છોડીને અન્યત્ર જવું હિતાવહ નથી. પ-૨૭/૨૮