________________
અધ્યાત્મસાર
ભાવાર્થ :
૧૪૪
સામાન્ય રીતે વિષયોમાં પ્રવૃત્તિ એ કર્મબંધનું કારણ છે અને તેથી વિષયોથી નિવૃત્તિ એ જ હિતનો ઉપાય છે, એમ કહેવામાં આવે છે. પરંતુ વિશિષ્ટ સંજોગોમાં યોગના અનુભવવાળા જીવો ભોગમાં પણ પ્રવૃત્તિ કરે છે, તો પણ તે દુષ્ટ બનતી નથી.
અહીં યોગઅનુભવશાળી કોને કહી શકાય તે વિચારીએ તો, મોક્ષની સાથે આત્માને જોડનાર એવો યોગ જેમને અંતરંગમાં સ્ફુરણ થયો છે તેઓ યોગઅનુભવશાળી છે. આમ જુઓ તો, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયધારી જીવો જ યોગઅનુભવશાળી ગણાય; પરંતુ અપેક્ષાએ છઠ્ઠી દૃષ્ટિવાળા જીવો અવિરતિના ઉદયવાળા હોવા છતાં તેમનું ઉદાસીન બનેલું ચિત્ત પણ મોક્ષની સાથે જોડના૨ એવો યોગ જ છે, તેથી તેમને અહીં ‘યોગઅનુભવશાળી’ તરીકે ગ્રહણ કરવાના છે.
છઠ્ઠી દૃષ્ટિવાળા તીર્થંકરના જીવોનું અવિરતિનું કર્મ ભોગવીને જ નાશ પામે તેવું હોવાથી, તેની ઉપેક્ષા કરીને સંયમ ગ્રહણ ક૨વામાં આવે તો પણ તેના બળથી તે કર્મ નાશ પામે તેમ હોતું નથી, કારણ કે તે કર્મ ભોગએકનાશ્ય હોય છે. અને તેથી આ કર્મો નાશ ન પામે ત્યાં સુધી સંયમના પાલનથી પણ ક્ષપકશ્રેણી પ્રાદુર્ભાવ થઈ શકતી નથી. આમ, ક્ષપકશ્રેણીના પ્રાદુર્ભાવમાં અવરોધ કરનાર અવિરતિસ્વરૂપ કર્મરૂપ બહુદોષના નિરોધ માટે અનિવૃત્તિ પણ નિવૃત્તિની જેમ તેમને દુષ્ટ નથી.
વળી, પૃથ્વીચંદ્રે માતાપિતાના અનર્થના નિવારણરૂપ બહુ દોષના નિરોધ માટે રાજ્ય ગ્રહણ કર્યું, તથા શ્રી મહાવીર પ્રભુએ માતાપિતાના અનર્થના નિવારણ માટે જન્મ પહેલાંથી જ ગર્ભમાં માતાપિતાની હાજરીમાં દીક્ષા નહીં લેવાનો અભિગ્રહ ગ્રહણ કર્યો, અને માતાપિતાના મૃત્યુ પછી પણ બે વર્ષ સુધી ગૃહસ્થપણામાં રહ્યા; આ તેમની સર્વપ્રવૃત્તિ નિર્લેપ ભાવે જ થતી હતી. આવા વિશેષ સંજોગોને કારણે અથવા વિશેષ લાભને જોઈને આવા જીવો જ્યારે નિર્લેપ ચિત્તથી પ્રવૃત્તિ કરે છે, ત્યારે જ આવી અનિવૃત્તિ પણ ભોગમાંથી નિવૃત્તિની જેમ જ દુષ્ટ હોતી નથી. II૫-૨૨