________________
૧૦૫
ભવસ્વરૂપચિંતાઅધિકાર ભાવાર્થ :
સંસારી જીવને જેમ પ્રિયા, પુત્ર, પુત્રી, પિતા, માતા આદિના સંબંધોવાળું બાહ્ય કુટુંબ છે, તેમ અહીં જીવનું અંતરંગ કુટુંબ બતાવ્યું છે; પરંતુ જીવને તે અંદરથી સ્કુરાયમાન થતું હોવા છતાં દૃષ્ટિથી દેખાતું ન હોવાથી બાહ્ય સંયોગોમાં જ સુખબુદ્ધિવાળો બનેલો હોય છે.
- તત્ત્વથી પ્રેક્ષા એ પ્રિયાસ્થાનીય છે. તત્ત્વાતત્ત્વનું અવલોકન એ પ્રેક્ષા છે. જેમ પ્રિયા સંસારમાં સુખનું કારણ બને છે, તેમ પ્રેક્ષા પણ આત્માના ગુણોનો વિકાસ કરાવી સુખનું કારણ બને છે, તેથી તેને જીવની પ્રિયા કહી છે.
વળી જીવનો પ્રેક્ષા સાથે સંબંધ થવાથી ગુણો પ્રત્યે બહુમાનભાવ પ્રગટે છે, જે બહુમાનભાવ વિનયસ્વરૂપ છે. આથી વિનયને જીવનો પુત્ર કહ્યો છે અને પ્રેક્ષાને કારણે જીવમાં ગુણો પ્રત્યે રતિ થાય છે, માટે જ ગુણરતિને પુત્રી કહી છે.
વળી, જેમ પિતાથી પુત્ર પેદા થાય છે તેમ વિવેકથી પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે, તેથી વિવેક પિતા છે. વિવેક એ સ્વપરનું ભેદજ્ઞાન છે. વિવેકથી આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આ કારણથી વિવેકને પિતા કહ્યો છે.
વળી, પિતામાત્રથી પુત્રની નિષ્પત્તિ થતી નથી, પરંતુ માતા-પિતાના સંયોગથી પુત્રની પ્રાપ્તિ થાય છે. તેમ અહીં વિશુદ્ધ આત્માની પ્રાપ્તિમાં માતાસ્થાનીય જીવની અનિંદ્ય પરિણતિ છે. જીવની નિંદ્ય પરિણતિથી સંસારના ભાવ પ્રગટે તથા અનિંદ્ય પરિણતિથી સર્વત્ર ઉચિત પ્રવૃત્તિઓ કરવાની વૃત્તિ થાય છે. તેથી જ્યારે જીવમાં ભેદજ્ઞાન પ્રગટે છે ત્યારે ભેદજ્ઞાન રૂપ વિવેક અને અનિંદ્ય પરિણતિ એ બેના સંયોગથી વિશુદ્ધ એવા આત્માનો જન્મ થાય છે. આ વિશુદ્ધ આત્માનું ઉપર બતાવેલ સર્વ કુટુંબ છે.
સંસાર અવસ્થામાં પણ નિશ્ચયનયની દૃષ્ટિથી જીવની અંદરમાં આ કુટુંબ હોવા છતાં જીવ તેને જોતો નથી. આથી જ બાહ્ય સંયોગોમાં સુખની બુદ્ધિ કરીને બાહ્ય કુટુંબને જ પોતાનું કુટુંબ માને છે.
અહીં વિશેષ એ છે કે વિનય અને ગુણરતિ ભાવો કઈ રીતે પેદા થાય છે, તથા વિવેક અને અનિદ્ય પ્રવૃત્તિથી પોતાનું ખરું સ્વરૂપ કેવું પ્રાદુર્ભાવ થાય છે, તે ફક્ત શબ્દની મર્યાદાથી જાણી શકાય તેમ નથી, પરંતુ તે શબ્દનું આલંબન લઈને ધીરે ધીરે તે પ્રમાણેના અંતરંગ ભાવોને જોવાનો પ્રયત્ન કરવામાં આવે, તો જ બાહ્ય પદાર્થોના