________________
૮૭
ભવસ્વરૂપચિંતાઅધિકાર સંસારી જીવો સામાન્ય રીતે સંસારમાં આવતી પ્રતિકૂળતાઓ અને અનુકૂળતાઓની જ તુલના કરે છે અને ત્યારે પ્રતિકૂળતા દુઃખરૂપ ભાસે છે અને અનુકૂળતા સુખરૂપ ભાસે છે. આમ છતાં, તે અનુકૂળતાઓ મેળવવા માટે જે ક્લેશ કરે છે, તેના ફળરૂપે જ તેઓ દુર્ગતિનાં દુઃખોને પામે છે; તથા ભોગના અનુભવકાળમાં રાગાદિની જે આકુળતા છે તે સર્વ તેમને દેખાતી નથી, ફક્ત અનુકૂળ ભાવોમાં થતા સુખમાત્રને જોઈને સંતોષ અનુભવે છે. જ્યારે તત્ત્વથી વિચારીએ તો આત્મિક સુખ આગળ સંસારનું દુઃખ જેમ પીડારૂપ છે, તેમ સંસારનું સુખ પણ તે દુઃખ કરતાં અતિ જુદું નથી; કેમ કે આત્મિક ભાવમાં સ્થિર થયેલા જીવને કોઈ ક્લેશ કે આકુળતાની પ્રાપ્તિ થતી નથી અને સદ્ગતિની પરંપરા દ્વારા અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવું પારમાર્થિક જ્ઞાન સંસારી જીવોને નથી તે જ તેમની અજ્ઞાનતા હોવાથી તે જીવો અજ્ઞાનતારૂપી રાત્રિમાં ભટકે છે. તેથી ભવરૂપી પિશાચને અવિદ્યારૂપી રાત્રિમાં ભટકે છે તેમ કહેલ છે.
જેમ લોકોને ડરાવવા માટે પિશાચ પોતાના મસ્તક ઉપર સર્પો રાખે છે, પોતાનું આવું ડરામણું સ્વરૂપ જ પિશાચને પ્રિય હોય છે; તેમ સંસારી જીવોને પણ કષાયો પ્રિય હોય છે. જેમ સર્પ હંમેશાં ડંખ મારવા જ તત્પર હોય છે, તેમ કષાયો ચિત્તને હંમેશાં ડંખ મારવારૂપ પીડા જ કર્યા કરે છે. વળી પિશાચે લોકોને ભય પેદા કરાવવા માટે ગળે હાડકાંની માળા નાખે છે, તેમ તત્ત્વચિંતકને સંસારવર્તી બાહ્ય વિષયો ગળે હાડકાંની માળા જેવા વિકરાળ જ લાગે છે. લોકોને ડરાવવા પિશાચ પોતાનું મુખ વદ બનાવે છે, તથા તેના બે વિકરાળ દાંતો આવા વક્ર મુખમાંથી બહાર પ્રગટ થતા હોય છે, તેમ સંસારી જીવોને કામરૂપી વક્ર મુખ છે, અને તે કામની તૃપ્તિ માટે મહાપાપના સેવનરૂપી દાંતો બહાર પ્રગટે છે. માટે તત્ત્વથી જોનારાને સંસારી જીવોનો ભવ પિશાચ જેવો દેખાય છે. આથી જ આ ભવરૂપી પિશાચ વિચારકને વિશ્વાસયોગ્ય લાગતો નથી. આ રીતે ભવનું ચિંતવન કરવાથી, સંસારી જીવો જેવી કામ-ભોગની પ્રવૃત્તિ કરવાની મનોવૃત્તિ શાંત થાય છે, જેથી યોગમાર્ગની પ્રવૃત્તિ દઢ થઈ શકે છે. I૪-પા