________________
ભવસ્વરૂપચિંતાઅધિકાર
૯૩
ચારે બાજુ અપયશરૂપી રાખના ઢગલા છે એવો સંસાર વિસ્તારવાળું સ્મશાન છે. તે કારણથી સંસારમાં મનોહરપણું શું છે ? અર્થાત્ કાંઈ નથી. II૪-૯૫
ભાવાર્થ :
સ્મશાનમાં ગીધડાંઓ ચકરાવા લેતાં દેખાય છે, ચપળ એવી શિયાળણીઓ જીભ લપ લપ કરતી આમ તેમ દોડતી નજરે પડે છે અને ઘુવડના ભયાનક ઘુકા૨વ સંભળાય છે. વળી, સ્મશાનમાં મડદાં બાળવા માટે ઠેર ઠેર અગ્નિ સળગાવેલો હોય છે અને તેને કારણે મડદાં બળ્યા પછીની રાખ ચારે બાજુ પડેલી હોય છે. સ્મશાનના આવા સ્વરૂપને કારણે તેમાં કાંઈ સુંદરતા નથી.
સંસારરૂપી સ્મશાનમાં પણ આવાં જ ભય પમાડે તેવાં દૃશ્યો જોવા મળે છે. ક્રોધરૂપી ગીધડાંઓ જીવોની આજુબાજુ જ ચકરાવા લેતાં હોય છે. વળી, સ્મશાનમાં જેમ ચપળ શિયાળણીઓ આમ તેમ ફરતી હોય છે, તેમ જીવમાં ઈચ્છાની અનુપતિ સતત વર્તતી હોય છે. ઈચ્છાઓના એકધારા પ્રવાહને પૂર્ણ કરવા માટેની જ પ્રવૃત્તિમાં તે જીવ આકુળવ્યાકુળ બનેલો રહે છે. મનમાં ઉદ્ભવતી ઈચ્છાઓ જ ચિત્તને ચપળ બનાવે છે. તેથી જ ઈચ્છાને ચપળ શિયાળણી કહેલ છે. વળી, સ્મશાનમાં સંભળાતો ઘુવડનો ઘુકા૨વ જેમ કડવો લાગે છે, તેમ તત્ત્વના ચિંતકને કામની ચેષ્ટાઓ કડવી લાગે છે, તેથી કામની વૃત્તિને ઘુવડની ઉપમા આપી છે.
વળી, સંસારમાં ધનાદિનો નાશ થવાથી, કોઈનો વિયોગ થવાથી, કોઈનું મૃત્યુ થવાથી કે કોઈ કાર્યની નિષ્ફળતા થવાથી વગેરે કારણોથી જે શોક ઉત્પન્ન થાય છે, તે જીવને બાળનાર છે. સ્મશાનમાં મડદાં બાળવા માટે ચારે બાજુ અગ્નિ દેખાય છે, તેમ સંસારમાં આવો શોકાગ્નિ સર્વત્ર પ્રદીપ્ત દેખાય છે. વળી, સંસારમાં થોડા જ જીવોને છોડીને મોટા ભાગના જીવોને કોઈક ને કોઈક પ્રકારે અપયશ જ મળતો હોય છે. આવો અપયશ સ્મશાનમાં ચારેબાજુ પડેલા રાખના ઢગલા જેવો નિઃસાર છે.
આમ, સ્મશાન જેવા આ સંસારમાં કાંઈ જ ૨મણીયતા નથી. સૂક્ષ્મદ્રષ્ટિથી અવલોકન કરવાથી વિચારકના ચિત્તમાં સંસારને અનુકૂળ એવી અનાદિની વૃત્તિ ઉપશાંત થાય છે, અને અધ્યાત્મની વૃદ્ધિ થાય છે. II૪-૯૫