________________
૧૦૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
ઘણા કહે છે કે-‘આ મહારાજનું કામ ભારે, ત્યાં બેસવું ભારે, આઘા રહેવું સારું.' હું પણ કહું છું કે-સો ગાઉ છેટા રહેજો. એવું ટોળું ભેગું કરવાની જરૂર પણ નથી. અહીં આવવામાં આત્માનું કલ્યાણ લાગે તો જ આવવું. પૈસા અને પાઘડીના મોહમાં જ રહેવા ઇચ્છનારાઓનું અહીં કામ નથી. દેખાવ કરવા આવનારનું અહીં કામ પણ શું ? એક લાખ ગુણી આપત્તિ આવે, તો પણ શાસ્ત્રથી વિપરીત વાત,-તે પછી મોટા ચમરબંધીની હોય, તો પણ માનવાની અમારી તૈયારી ન હોવી જોઈએ. બાકી શાસ્ત્રને અનુસરતી વાત કોઈ સામાન્ય વ્યક્તિ તરફથી કહેવામાં આવે, તો પણ તેને માનવાની અમારી તૈયારી હોવી ઘટે. વળી અહીં શ્રીમંતાઈની અસર પહોંચાડવાની આશા રાખવી કરવી નહિ. અહીં આત્મકલ્યાણ છે એમ લાગે તો જ આવવું જરૂરનું છે, બાકી જેમાં અકલ્યાણ લાગે ત્યાં જવાની શ્રી જિનેશ્વરદેવની
આજ્ઞા નથી.
106
અહીં આવનારે નિર્ણય કરીને જ આવવું જોઈએ કે-લક્ષ્મી, ઘરબાર, કુટુંબ અને જાતને પણ ભૂલવાની ! એ ખતમ થાય તો પણ પરવા નહિ !! ભલે કરજો શક્તિ હોય તેટલું, પણ આવો ત્યારે આ બધું છોડવાની તૈયારીનો નિર્ણય રાખજો ! ન છોડાય તો પામરતા માનજો !! ‘આ ઉપાધિ શી ?’ એમ કહ્યું ન ચાલે. વ્યવહારમાં ઉપાધિ નથી ? કયો વેપાર ઉપાધિ વિનાનો છે ? પેઢી માંડો એટલે પહેલાં તો માલમાં જ લાખ રોકવા પડે, પછી બજારભાવ હોય તો નાણાં ઠીક ઊપજે, પણ પહેલાં તો લાખ ઘરમાંથી કાઢવા પડે.,કાપડિયો હજારો રોકી કાપડ ભરે, લોઢાવાળો લોઢું ભરે, પણ કમાણી તો થાય ત્યારે ખરી. પહેલાં કાઢવા પડે એ વાત નક્કી; પેઢી માટે, વેપાર માટે મિલકત અપાય અને અહીં નહિ ? આપત્તિ તો આવે અને એ આવે ત્યારે જ ધર્મ માટે ખર્ચવાની જરૂર છે. આપત્તિ વિના ધર્મીની કસોટી પણ કેમ થાય ? આપત્તિ વખતે અડગ રહેવું, એનું જ નામ શાસનની ટેક અને એ ટેક હોય તો જ શાસનની સેવા થાય. શ્રીસંઘનું કામ તે જ છે.
આવા વાતાવરણમાં વૈરાગ્ય આવે એ જ આશ્ચર્ય :
આ તો કહે છે કે-જન્મે ત્યારથી એક પણ દોષ વિનાના હોય, તેવા સંયમી જોઈએ, એવા મળશે ? એવો કાયદો કરવો છે ? ભગવાન પોતે પણ સર્વ સાવઘયોગનું પચ્ચક્ખાણ કરે છે. શ્રી તીર્થંકરદેવની પણ પોતાની પ્રવૃત્તિ પાપવાળી ખરીને ? ગૃહાવસ્થાવાસમાં એમની પ્રવૃત્તિ જો સાવઘ હોય, તો આજનાની સાવઘ ન હોય ! આજ તો અનીતિ વધારે, જૂઠું વધારે, પ્રપંચ