________________
૫૩૨
-
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
-
532
આત્મગુણ જરૂરી કે શરીરગુણ જરૂરી ?
વળી મતિમાં બેસે તેટલું જ માનો તો વ્યવહારમાં એક પણ પેઢી ન ચાલે. મતિ ન ચાલે ત્યાં તો તમે લાખોનો વેપાર ખેડો છે. જો કલાક પછીની મતિને ખબર પડતી હોત, તો કોઈ દેવાળું કાઢત ? કોઈ નાદાર બનત ? ખરીદેલા માલ ઘણાને ઘેર પડ્યા હોય અને પાઘડી ફેરવવાનો વખત આવે છે. ઊંચા ભાવે માલ ખરીદે અને પછી ભાવ ગગડી જાય. કરે શું ? મતિ કહો ક્યાં ચાલી?મતિ મુજબ ચાલવાનો નિર્ણય કરો તો એક વેપાર પણ ન થાય. દુનિયાની ધમાચકડી, જેમાં નાશ રહેલો છે, ત્યાં મતિની વાતો નહિ, ત્યાં શંકા નહિ અને આ પ્રભુમાર્ગમાં બધી શંકા ?
કહે છે કે, “સામાયિકમાં લાભ શો ?” ભલા આદમી ! કર તો ખરો ! કર્યા વિના લાભની ખબર કેમ પડે ? ચા-છ દિવસ અનુભવ તો લે ! અહીં ‘તરત દાન અને મહા પુણ્ય જોઈએ એમ ? સામાયિકનો અભ્યાસ કરતાં કરતાં, એ બે ઘડીમાં જોઈતી શાંતિ આવે ત્યારે એનો અનુભવ થાય. પેઢી ખોલી અને તરત લાખ આવ્યા એ જોયું ? બે-ચાર મહિના બેસે, વિશ્વાસ જમાવે, ઘરાકી બાંધે ત્યારે ધીમે ધીમે વેપાર ખીલે અને પેઢી જામે કે પહેલાંથી જ ! શરીરના ધર્મમાં શંકા નથી તો આત્માના ધર્મમાં શંકા કેમ ?
શ્રી જિનેશ્વરદેવનું શાસન આત્મસ્વભાવ ખીલવવા માટે છે. આત્મસ્વભાવ ખીલવવા શરીરના સ્વભાવની આધીનતા મૂકવી પડશે. એમાં શંકા થાય છે એ જ સૂચવે છે કે, આત્મા ઊંધી દિશાએ છે, નહિ તો વૈરાગ્ય અને શાંતિ જેવો ગુણ કેળવાય એમાં શંકા શા માટે ? અગિયાર વાગે ભોજન મળે તો અકળામણ થાય, એને ચોવીસ કલાક ભોજન ન મળવા છતાં અકળામણ ન થાય, ત્યાં શંકા શા માટે ? શું આ સ્વતંત્રતા છે?
અમુક ચીજ વિના ન ચાલે એ શું પરતંત્રતા નથી ? સહજ માથું દુઃખે કે, પુસ્તક આધું મૂકવું પડે, એ શું સ્વતંત્રતા છે ? ગમે તેમ થાય તોય વિષયો તરફથી આંખ ન ફરે, એ શું સ્વતંત્રતા છે? સ્વતંત્રતા નથી પણ એ મેળવવી તો છે ને ! સમજો કે, શરીરની આધીનતામાં આત્મગુણ ચાલ્યો જાય છે. શ્રી તીર્થંકરદેવે કેવળજ્ઞાન ક્યારે મેળવ્યું ? શરીરના બધા સ્વભાવની આધીનતાને તજી, ત્યારે ને ? શરીર પંપાળીને તો કેવળજ્ઞાન નથી મેળવ્યું ને ? આત્મા બહારના આવરણથી દબાયો છે, એ જણાય છે ? ખરી વાત એ છે કે, આત્માને જ માનતા નથી.