________________
535 – ૪૦ : દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40 – ૫૩૫
, આથી દરેક વસ્તુ મેળવતાં અને ભોગવતાં પહેલાં આગળ-પાછળનો વિચાર કરો તો શાસ્ત્ર કહે છે કે, “જરૂર વૈરાગ્ય આવે. આત્મા ગમાર નથી, ચેતનવંતો છે, પણ ચેતનાને બહાર આવવા દ્યો તો ને? પણ આ તો મીઠી ચીજ દેખાય કે મોંમાં પાણી છૂટે, ખાતાં પહેલાં જ મૂંઝારો થાય, ત્યાં ચેતના બહાર આવે કઈ રીતે ? બંગલો એમ ને એમ થયો ? બંગલા માટે તો કેટલીય બગવિદ્યાઓ કરવી પડી ત્યારે થયો અને બંગલામાં પણ કેટલાય બંગ છે. એ બંગલાએ તો કેટલાયને ડુબાવ્યા ! બાપ રે ! સંસારમાં કેમ રહેવાય ?'
આ બધું સમજાય તો, “આને વૈરાગ્ય કેમ થયો ?' એ પુછાય જ કેમ ? ન જ પુછાય, ઊલટું “અક્કલ વગરના આ બધા રાગાંધ કેમ બન્યા છે ?” એમ તો અવશ્ય પુછાય ! દુનિયામાં રાગનાં સાધન ઘણાં કે વિરાગનાં ? આ દુઃખમય એવા સંસારમાં તો બધાં વિરાગનાં કારણ છે. રાગ ક્યાં થાય ? સુખનાં સાધનમાં ! આજનાં સાધનો શું સુખનાં સાધનો છે ? અહીં રાગ કેમ થાય એ આશ્ચર્ય ? હું તો કહી રહ્યો છું કે, કાં તો તમે સમજો, કાં તો સમજાવો, પણ ઊંહું' ન ચાલે.
દુનિયાનાં સાધનને સુખનાં સાધન માનવાં એ જ મિથ્યાત્વ છે. એને કાઢવા માટે તો નેપાળાના રેચ આપવા પડશે. રગરગમાં એ વાસના ભરાઈ ગઈ છે માટે જ આ દશા છે. - પોતાને સારામાં સારો શ્રાવક મનાવતો આજે બાલમુનિની દયા ખાય છે કે, “અરે રે ! આ બિચારાને ક્યાંથી પકડી લાવ્યા ?ન ખાધું, ન પીધું, ન પહેર્યું, ન ઓઢ્યું ! પણ એ પોતાની આગળ-પાછળની હોળીને નહિ વિચારે ! શું નશોબશો આવ્યો છે કે, ઘેન ચડવાનું ડૉક્ટર પાસેથી ઇજેક્શન લીધું છે ? દુઃખને સુખ માનીને, પાછા એમ મનાવવા પરમ સુખી મુનિની દયા ખાવાની કે ઠેકડી કરવાની હદે પહોંચે એ કેવા ? શું એ મિથ્યાત્વ નથી ? દુનિયાની કોઈ પણ વસ્તુને સુખનું સાધન માનવું, એ મિથ્યાત્વ નહિ તો બીજું શું છે ?
સભાઃ મુનિપણામાં ભીખ માંગવી પડે છે
ભીખ માંગવાની છે ક્યાં ? ધર્મલાભ દેવાનો છે. યાચના પરિષહ છે એ વાત ખરી, પણ ધર્મલાભ દેવાનો છે. મળે તો સંયમપુષ્ટિ અને ન મળે તો પણ તપોવૃદ્ધિ, એ સ્થિતિ મુનિપણામાં છે.
સભાઃ એ ભાવના ન રહે તો ?