________________
૩૫ : જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી
85
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, પોષ વદ-૪ શનિવાર, તા. ૧૮-૧-૧૯૩૦
• અંતરના અવાજની ઘેલી વાતો : • બહારના સંયોગો એ જ દુઃખનું મૂળ : • નરક નથી' એમ કહેવાથી શું વળે ?
શ્રી જિનવચનમાં શંકા થવાનાં કારણો અને તેને દૂર કરવાના ઉપાયો • આપણું કર્તવ્ય !
સારું નિમિત્ત પણ યોગ્યને અસર કરે ? • ખામી નિમિત્તની નહિ પણ તમારી પાત્રતાની છે :
અંતરના અવાજની ઘેલી વાતો :
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રીસંઘની સ્તવના કરતાં નગર આદિ સાતની ઉપમાથી શ્રીસંઘને સ્તવ્યા બાદ શ્રીમેરૂની ઉપમાથી સ્તવે છે; તે આપણે જોઈ રહ્યા છીએ. મેરૂની ઉપમાથી સ્તવતાં સૂત્રકાર મહર્ષિએ છ ગાથા લખી છે. તેમાંની પ્રથમ ગાથાના પૂર્વાર્ધ ઉપરથી આપણે સમજી શક્યા છીએ કે, શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપી વિજયી પીઠ, દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી જોઈએ. એ પીઠમાં શંકાદિ દોષો રૂપ પોલાણ ન હોય તો જ એમાં પરતીર્થિકોની વાસનારૂપ જલનો પ્રવેશ ન થાય અને તેમ બને તો જ એ પીઠ દઢ બને. એ પીઠમાં પ્રથમ દઢતા જ ન હોય તો પછી તેમાં રૂઢતા, ગાઢતા અને અવગાઢતાની આશા રાખવી એ ખોટી જ છે.
એ પીઠમાં પોલાણ કરનારા સમ્યકત્વના પાંચ દોષોમાં પહેલો દોષ શંકા છે; એટલે જે સંઘને શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા થાય, તે સંઘની એ પીઠ પોલી જ છે, એ વાત શંકા વિનાની છે અને એ પીઠ જ પોલી હોય તો પછી તેના ઉપરનું બધુંય પોલું જ છે, એમાં વળી શંકા જ શી ? કારણ કે, “મુક્તિ છે' એવું આપણે શાથી જાણ્યું ? તેને આપણે જોઈ પણ નથી કે અનુભવી પણ નથી ! કહેવું જ પડશે કે, શ્રી જિનેશ્વરદેવના વચનના આધારે જ આપણે મુક્તિને જાણીએ છીએ અને એ વિશ્વાસના યોગે પ્રયત્ન કરતાં પ્રાપ્ત થયેલ ગુણની થોડીક ઝાંખી ઉપરથી કલ્પના થાય છે કે, જ્ઞાની કહે છે તે બરાબર જ.