________________
૪૨૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ કદાચ ઊઠત, પરંતુ જ્યાં જેવું હતું ત્યાં તેવું કહ્યું તેમાં પ્રશ્ન જ શો ? હિંસા અને જૂઠમાં પાપ હતું માટે કહ્યું; કંઈ એ તારકના કહેવાથી એમાં પાપ છે એમ નથી. હિંસા વગેરેમાં પાપ અને અહિંસામાં ધર્મ છે, તેનો તેવો સ્વભાવ છે માટે જ એ તારકે એમ કહ્યું, એમ કહેવાની કોઈએ બનાવટ નથી કરી; હવે શંકા શી રીતે થાય ? સ્વભાવસિદ્ધ વસ્તુમાં શંકા સંભવતી જ નથી.
અગ્નિ ગરમ લાગે, પાણી ઠંડું લાગે, એ સ્વભાવ છે; ત્યાં “એમ કેમ ?” એ પ્રશ્ન જ ન હોય. શ્રી જિનેશ્વરદેવનું વચન સમજવા માટે એ તારકના : સ્વભાવને ઓળખવાની ખાસ મહેનત કરો. સમજવા માટે જિજ્ઞાસા કરો, પણ “આ આમ કેમ જ હોય ?” એ પૂછવાનો અધિકાર નથી. જો એ તારકને સર્વજ્ઞ માનતા હો તો !
શ્રી જિનેશ્વરદેવધર્મતીર્થની સ્થાપના કરે છે, તે કરવી છે માટે એમ નહિં; કરવી જોઈએ માટે એમેય નહિ, પણ સ્વભાવ છે, કેવળજ્ઞાન થયા પછી ઇંદ્રો સમવસરણ બનાવી પ્રભુને પ્રાર્થના કરે કે, “પ્રભો ! પધારો” ત્યારે જાય છે. દિક્ષા લેતાં પહેલાં પણ ભગવાન પાસે લોકાંતિક દેવો આવીને તીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરી જાય છે. શ્રી તીર્થંકરદેવોની બધી જ ક્રિયાઓ નિયત છે. સ્વભાવથી જ એ ક્રિયાઓ નિયત છે કે, અમુક કાળે શ્રી તીર્થંકરદેવ સંસાર છોડે અને દીક્ષા લે : અમુક કાળે તે તારકને કેવળજ્ઞાન થાય અને તીર્થ સ્થાપે; કેવળજ્ઞાન થાય કે ગણધરના આત્મા આવે જ; સામગ્રી તૈયાર ગોઠવાયેલી જ હોય; ગણધરના આત્મા આવે અને ત્રિપદી સાંભળી તરત આખી દ્વાદશાંગી બનાવે; અને અમુક કાળે પ્રભુ નિર્વાણ પામે.
ત્રિપદી પરથી આખી દ્વાદશાંગી તૈયાર થાય શી રીતે ? એનો ઉત્તર જ એ કે પૂર્વે પામેલાનો આવિર્ભાવ છે. વિભક્તિ, પ્રત્યય, વિશેષણ અને વિશેષ્યનો વિચાર કરવાપણું ત્યાં રહેતું જ નથી. આત્માની સંઘરેલી સામગ્રીને ત્રિપદી. પ્રકાશમાં આણે છે. દ્વાદશાંગી એ આત્મામાં ભરેલી હતી તે ત્રિપદીથી ખુલ્લી થઈ. આમાં શંકા કેમ જ હોય ? કલ્પિત વિચાર કરીને બનાવે એમાં બનાવટ હોય. આત્મગુણ ખીલે ત્યારે:
તમે જુઓ તો સમજાશે કે, આગળના મહાપુરુષોના ગ્રંથોમાં સ્વાભાવિક રીતે જ જ્ઞાનનાં પૂર વહે છે, ત્યારે આજના કેટલાક વિદ્વાન ગણાતાના ગ્રંથોમાં કૃત્રિમતા ખુલ્લી માલૂમ પડે છે. એમને અહીંથી તહીંથી લાવીને સંગ્રહ કરવો પડે છે. કૈક વાક્યો ભૂંસવાં પડે છે, પેલા મહાપુરુષોને વાક્ય ભૂંસવાની જરૂરત નહિ, કેમ કે, આગમનું જ્ઞાન તો હૃદયમાં વસેલું જ હોય છે. આજે પુસ્તકો જે દૃષ્ટિએ વંચાવાં જોઈએ તે દૃષ્ટિએ વંચાતાં નથી, એટલે જ આ સમજાતું નથી.