________________
૪૨૦
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - સભા: કહે છે કે, આંગી જોઈને ભગવાન રાગી દેખાય છે.
વારુ ! ભગવાનની આંગી જોઈને કોઈએ એમ કહ્યું કે, “આ રાગી છે ?” વર્ષોથી તમે આંગી જુઓ છો, તમને કદી પણ રાગી લાગ્યા ? ના, તો સમજો કે, આવી વાતો કરનારા આત્માઓની ભાવના જ જુદી છે. એ આત્માઓ તો યોગ્ય આત્માઓની યોગ્ય ભાવનાને જ લોપવા માંગે છે.
પ્રભુની અંગરચના જોઈને જૈનેતર પણ કહે છે કે, “કેવા ભક્તો છે ! કેવી એમની ભક્તિ છે ! શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ તો આવી જ જોઈએ; ન થાય એટલી થોડી !” પ્રભુ શાસનમાં વિચરતા સાધુની આગળ બૅન્ડ વાગે, સામૈયું થાય, તેથી ‘આ રાજા મહારાજા છે એમ કોઈ પણ કહે છે ? ઊલટું એમ કહે છે કે, “આ ગુરુના કેવા ભક્તો છે? ત્યાગી ગુરુની પાછળ કલ્યાણના અર્થી લોક કેવો પૈસો ખર્ચ છે !” વારુ ! તમે એ પ્રશ્ન પૂછ્યો, તમે જ પોતે કહો કે, “તમને પણ કદી આવો વિચાર આવ્યો છે?' નહિ જ, માટે હવે એ વાતનો નિશ્ચય કરો કે, એ લોકોનું આ કામ જ્ઞાની પુરુષોએ સમર્પેલા અમૃતમાં ઝેર ભેળવવાનું જ છે.
સભા: એ તો સમવસરણ પણ નથી માનતા
ઇરાદાપૂર્વક જે ન જ માને તેને માટે ઉપાય પણ શો છે ? બાકી ન માને તો ચાલે તેવું તો નથી જ. શાસ્ત્રને માનનારથી તો તેનો ઇન્કાર થઈ શકે તેમ નથી જ.
સભાઃ એ લોકો દેશકાળ જોવાનું કહે છે.
તેની ના પણ કોણ કહે છે ? અને એ માનનારાઓના કહેવાથી જ એ અર્થ નીકળે છે કે, આ દેશકાળમાં ચોર, લૂંટારા, બદમાશ, વ્યભિચારી, જુગારી વધ્યા, તો એ તો બધે વધ્યા. તો શું દુનિયાનાં સાધનોમાં એ નથી નડતા ? નડે છે છતાંય તે સાધનો તો વધારવાની ધમધોકાર ધમાલ ચાલે છે, તો પછી તેવા વખતે અહીં આકર્ષણશક્તિ મંદ કરવાનું કારણ શું ? આવા આકર્ષણથી તો હજારો આત્માઓ ધર્મ પામી જાય; પડી ગયેલા પણ ઠેકાણે આવે; ઢીલા હોય તે પણ સ્થિર થાય. માટે જ કહું છું કે, તમે નિદાન પારખો. આ બધું એમના વિચાર ફેલાવવામાં પ્રતિબંધક થાય છે માટે એમને નડે છે અને નથી ગમતું.
શ્રી જિનેશ્વરદેવોનાં મંદિર તથા ઉપાશ્રય હયાત છે ત્યાં સુધી જિનમંદિરમાં જવાની તથા સાધુ પાસે જવાની ભાવના જીવતી ને જાગતી જ બેઠી છે; આંગી-ઓચ્છવ છે ત્યાં સુધી એ ભાવના જ્વલંત છે; જિનમંદિરથી વિપરીત બોલે તથા સાધુને કોઈ ગાળ દે, તો સામાન્ય જૈનને પણ ગુસ્સો આવે એ ભાવના મક્કમ છે; વિરોધીઓ આ ભાવનાને જ લોપવા માંગે છે.