________________
૧૫ : માત્ર પ્રત્યક્ષવાદ ન
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૦, માગસર વદ-૧૪, રવિવાર, તા. ૨૯-૧૨-૧૯૨૯
• ખોટી મૂંઝવણમાં ન પડો ! • દુનિયા શામાં આગળ વધી રહી છે?
એદી કોણ અને ઉદ્યમી કોણ ? આ કાળમાં ધર્મક્રિયાને ઢીલી ન પાડવી જોઈએ : કેવળ પ્રત્યક્ષવાદી કેવા કહેવાય ?
ધર્મક્રિયાને ગૌણપણે માને છે તેનું કારણ : • ઇચ્છા મુજબ વર્તવાની છૂટ ન અપાય : • આગમનો સાર શું? - સાધુઓની ફરજ : • બહુમતીએ ચાલવું, પણ કોની ? • શ્રાવકનાં મન વચન કાયા કેવો હોય ? • દીક્ષા કે ધર્મક્રિયાની વાત કોને જણાવાય ?
ખોટી મૂંઝવણમાં ન પડો !
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજ્ય કોટિનો માની, અનેક રૂપકોથી શ્રીસંઘની સ્તવના કરે છે. શ્રીસંઘને આપેલાં રૂપકોમાંથી નગર, ચક્ર, રથ તથા કમળનું રૂપક આપણે વિચારી ગયા અને ચંદ્રના રૂપકની વિચારણા ચાલે છે. ચંદ્રના રૂપકની વિચારણામાં જ્યાં રાહુની વાત આવી, ત્યાં શ્રી સંઘરૂપ ચંદ્ર માટે નાસ્તિકોને રાહુ સમાન કહે છે.
નાસ્તિક કોને કહેવા ?” એ સમજાવતાં ટીકાકાર મહર્ષિએ કહ્યું કે જેઓ પરલોકને સુધારવાની ક્રિયાઓને હૃદયથી સ્વીકારતા નથી, અને એ પ્રકારના અસ્વીકારના કારણે આચરતા નથી તેઓ નાસ્તિક છે !” એ નાસ્તિકરૂપ રાહુ શ્રીસંઘરૂપ ચંદ્રને ગ્રસિત કરવાનો પ્રયત્ન કરે છે પણ ગળી શકતો નથી, કેમકેઆ શ્રીસંઘરૂપ ચંદ્ર લોકોત્તર છે, લૌકિક નથી. ટીકાકાર મહર્ષિના આ સ્પષ્ટીકરણથી ઘણાને એવી મૂંઝવણ થઈ છે કે – “નાસ્તિકની જ આ વ્યાખ્યા હોય, તો આસ્તિક કોણ ?