________________
૪૦૮
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ –
408 શરીરમાં જ રહી શકે એ યુક્તિ છે પણ કોઈ કહે કે, આ શરીરમાં અનંતા જીવો છે જ, એમાં યુક્તિ આપો, તો એમાં શું યુક્તિ આપી શકાય ? એમાં ખાસ યુક્તિ શી ? ત્યાં તો મુખ્યતયા આગમ જ પ્રમાણ. કારણ કે, બતાવાય શી રીતે ? .
નાનાં કાંકરાના કણિયામાં અનંતા અણુઓ જ નહિ, પણ અનંતા સ્કંધો છે; એને ભાંગો તો ભૂકો થાય, એનો છેલ્લો કણ લો ! તેમાંએ અનંતા સ્કંધો છે; એને બારીક વાટો, એના છેલ્લા કણોમાં અનંતા સ્કંધો છે. એવા ઝીણા અણુઓ દૃષ્ટિમાં લાવવા માંગે તો આવે ? “નજરે ન આવે તો તો ન માનીએ” એમ કહે, તો આ દેખીતો કાંકરો બન્યો ક્યાંથી ? દૃષ્ટિમાં ન આવે છતાં માન્યા વિના રસ્તો નથી. એ અણુઓને અને સ્કંધોને માન્યા વિના ઉપાય નથી; માટે આપણા જ પ્રત્યક્ષ પ્રમાણથી પરીક્ષા કરીએ, તો એ પરીક્ષા પૂરી ન જ થાય. .
આગમ સિવાયનાં પણ પ્રમાણો છે; પણ જે પદાર્થો દૃષ્ટિ જ ન આવે, જેનો જગતમાં જોટો ન હોય, એવા પદાર્થો માટે આગમ વિના બીજો કશો આધાર નથી. અમુક દુઃખ આવ્યું તો એમાં અમુક કર્મનો ઉદય છે, એમ બધા કહે છે; પણ કર્મનાં રૂપ-રંગ પૂછો તો કોણ કહેશે ? એના પ્રકાર, રસ વગેરે જાણવા આગમ સિવાય રસ્તો નથી. કોઈ પૂછે છે કે, “બુદ્ધિ ન ચાલે તો માનવું કેમ ? ઉત્તર એક જ કે, “સર્વશે કહ્યું માટે માનવું !” જોયેલું અને જાણેલું બધું જ કહી શકાતું નથીઃ
સર્વજ્ઞ ગમે તેવા ઉપકારી હોય, છતાં જે પદાર્થો તમને સર્વજ્ઞ થયા પછી જ જણાય, તે સર્વજ્ઞ થયા પહેલાં તમને શી રીતે બતાવે ? શક્તિસંપન્ન પણ વાણીના વિષયમાં ન આવે તેને કહે શી રીતે ? તમારી ચિંતાના સ્વરૂપને તમે પણ ન સમજી શકો, એ બને છે ને ? “કાંઈક થાય છે' - એ કહો, પણ “શું થાય છે તે સમજાવી નથી શકતા. મોટા મોટા સર્જનો પણ અનેક રોગથી પીડાય, પણ સમજાવી ન શકે એમ બને છે. એક આદમી કહે છે કે, “એક ચિત્ર મેં એવું જોયું કે ત્યાંથી ખસવાનું મન ન થયું.” કોઈ પૂછે કે, “એવું તે શું જોયું ?” કહેવું પડે કે, “એ તો જે જુએ તે જાણે. એ આકર્ષણશક્તિ ગોઠવવાની શક્તિ અને એનું વર્ણન કરવાની શક્તિ મારામાં નથી, માટે જાતે અનુભવ કર.'
ત્રણ લોકમાં રહેલા સઘળા પદાર્થો, એના અનંતા ગુણો અને અનંતા પર્યાયો, અનંત ભૂતકાળ, અનંત ભવિષ્યકાળ તથા વર્તમાનકાળના સમયે સમયે પરિવર્તન પામતા ગુણપર્યાયને વિષય કરીને એકી સમયે કેવળજ્ઞાની મહર્ષિઓ જોઈ શકે છે, જાણી શકે છે. એ બધું જ તમારી આગળ કહે શી રીતે ? જ્ઞાન અનંત અને આયુષ્ય સંખ્યાતું; બહુ તો દેશોનકોડ પૂર્વનું; એ કહે શી રીતે ?