________________
૨૧ : સંઘ અને સાગર વચ્ચે સમાનતા - 21
૨૪૯
આનું નામ ભવભીરુતા અને આગમના વચન ઉપર શ્રદ્ધા. આજનાઓ તો કહે છે કે, ‘આગમ ગમે તે કહે, પણ અમે કેમ માનીએ ?' આવા બુદ્ધિનિધાનોને (?) પહોંચે કોણ ? એ કહે છે કે, ‘અમારી બુદ્ધિમાં બેસે તે આગમ; જે આગમ બુદ્ધિમાં ન બેસે તેને ફેંકી દઈએ !' અલ્યા ભાઈ ! પણ તારી બુદ્ધિ કેટલી ? બજારમાં જઈ તારી બુદ્ધિ મુજબના ભાવ કરને ! એ રીતે એક સોદો તો કર ! પણ એમ કરે તો તો ધોલ પડે ! પોતાની બુદ્ધિના આધારે ભાવ માનીને ખોટ ન આપે, તો લેણદારો જીવ લે અને નાદારીમાં જઈને જ છૂટી શકે. બજારના ભાવમાં પોતાની બુદ્ધિ ન ચાલે, રોટલી કરવામાં પોતાની બુદ્ધિ ન ચાલે અને અહીં (શાસ્ત્રની વાતમાં) પોતાની જ બુદ્ધિ ?
249
કેવળ પોતાની જ બુદ્ધિ ઉપર આધાર રાખી વસ્તુતત્ત્વને નહિ માનનારા કદાગ્રહી આત્માઓ ધર્મ ન જ પામે. ઘોર મિથ્યાત્વના ઉદયે જ આવા પ્રકારનો કદાગ્રહ જન્મે છે. એવા કદાગ્રહના યોગે, ‘બુદ્ધિમાં બેસે તે આગમ ખરું’ - આ પ્રમાણે કહેનારાને કહેવું જોઈએ કે, પણ તારામાં બુદ્ધિ આવી ક્યાંથી ? નાનો હતો ત્યારે તો વિષ્ટામાં હાથ ઘાલતો હતો. મા હાથ ધોવરાવતી ત્યારેય રોવા બેસતો. માંડ-માંડ મા તને શુદ્ધ કરતી ત્યારે તું શુદ્ધ બનતો અને તે જેમ ઊઠાડે તેમ ઊઠતો અને સુવાર્ડ તેમ સૂતો, ભાન તો કશું જ ન હતું; બે-ચાર ચોપડી ભણ્યો ત્યારે આટલીયે બુદ્ધિ આવી; એ બુદ્ધિ અભ્યાસ અને અનુભવ આદિથી આવી, તો ધર્મવિષયમાં બુદ્ધિને એ રીતે કેળવોને ! પછી બોલવાની છૂટ છે. પણ એમ કરવાનો તો એમને મોખ નથી. રોટલા માટે વર્ષો સુધી હાઈસ્કૂલમાં અને કૉલેજોમાં ટિચાય, પણ આત્મા માટે કશું જ ભણે નહિ ! આજના કેટલાક ઉદ્ધત યુવાનો આત્મા માટેનું જ્ઞાન, ધર્મનું જ્ઞાન ભણતા જ નથી. એમને તો માત્ર ડીગ્રીંઓ ગમે છે, ખુરશી-ટેબલ ગમે છે, ફર્નિચર ગમે છે, સિનેમા વગેરે રંગરાગ અને મોજશોખ ગમે છે. વર્તમાનમાં એમાંના કેટલાક આ શાસ્ત્રને પણ જે ભણ્યા, તે પણ રોટલા વગેરે માટે જ અને એથી જ આ અનુપમ વિદ્યા પણ એમને ફળી નહિ પણ ફૂટી નીકળી.
એ ડહાપણ સમયસરનું નથી :
એવાઓને પૂછો કે, ઇતરો તો અમુક અમુક રીતના પણ ત્યાગ કરે છે, જ્યારે તમે ધર્મ માટે શું આપ્યું ? જિંદગીનો તથા લક્ષ્મીનો કેટલો હિસ્સો ધર્મમાં આપ્યો ? મોટું મીઠું ! આ તો કહે છે કે, ‘ખરચી ખરચીને થાકી ગયા.' પણ કહો તો ખરા કે, ખર્યું શું ? મન, વચન, કાયા તથા ધન વગેરે ધર્મ માટે ખર્ચીને થાકી ગયા, એવું કહેવાનો આજે મોટે ભાગે એકને પણ અધિકાર નથી.