________________
૧૪૯ - - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
140. દૂર કરો, પણ જે અંગમાં શીલ પાળવાની માન્યતા રૂઢ છે, પતિની ગેરહાજરીમાં શીલ પાળવાની માન્યતા અતિશય રૂઢ છે, ત્યાં ડખલગીરી શા માટે? કેટલોક ભાગ પ્રેમથી પાળે, કેટલોક ભાગ મર્યાદાથી પાળે, કેટલોક ભાગ શરમથી પાળે અને કેટલોક ભાગ લજ્જાથી પણ પાળે. મર્યાદાથી કે શરમ વિગેરેથી પળાય, એમાં કાંઈ પાપ ઓછું જ છે ? મર્યાદાથી ચોરી કરતો અટકે, એ જેલ જતાં બચે કે નહિ ? ભયથી ચોરી કે ખૂન કરતાં અટકે, એ ગુન્હેગાર થતો અટકે કે નહિ ? ભયથી, મર્યાદાથી, શરમથી કે લજ્જાથી - ગમે તે પ્રકારે - પાપ કરતાં અટકવામાં કાંઈ હાનિ છે ? નહિ જ !
મુનિ પણ સમુદાયમાં રહે, જેથી પતિત પરિણામી થયો હોય તો પણ બચી જાય. મહાવ્રતધર માટે પણ આ મર્યાદા, તો વ્રત વગરના માટે કેટલી ? પહેલાં મર્યાદા હતી કે-સ્ત્રીની સામે ન જોવાય. સામે આવી જાય તો આંખ નીચી રાખવી, એ ફરજિયાત હતું. આજે આંખ ફરતી થઈ ગઈ, એ દૂષણે શાથી આવ્યું? એ વિચારો અને બેય અંગને સુધારી. પુરુષ છૂટ લે તેટલી સ્ત્રી લે અને સ્ત્રી લે તેટલી પુરુષ લે, - એ કંઈ સુધારો છે ? નહિ જ, કારણ કે-રૂઢ મર્યાદાને અંગે ઘણાં પાપોથી ઘણા આત્માઓ બચી ગયા છે. રાજાઓ પોતાના ઘોડાને બળવાન રાખવા બ્રહ્મચર્ય પળાવે છે. ચક્રવર્તીનો ઘોડો ફરજિયાત બ્રહ્મચર્યના યોગે પણ દેવલોકમાં જાય છે. પછી જ્યાં સારા સંસ્કાર છે, ત્યાં વિષ કેમ રેડી રહ્યા છો ? – એમ એમને કોઈ કહેનાર જોઈએ કે નહિ ? સમાજમાં કોઈએ સાચા સુધારક થવું છે કે નહિ ? ' આપણા સુધારાઓ જૈન સિદ્ધાંતને અનુસરતા હોવા જોઈએ?
આપણે સુધારાનો ઇન્કાર નથી કરતા. એ લોકો કહે છે કે પુરુષને બધી છૂટ અને સ્ત્રીને નહિ ?” હું કહું છું કે – પુરુષની છૂટ બંધ કરો એની ક્યાં ના છે ? પહેલાં પચીસ વર્ષ બ્રહ્મચર્ય પાળવાનો નિયમ કરો. તે દરમ્યાન વૈરાગ્ય થાય તો પરણવું નહિ એવો ઠરાવ કરો. વૈરાગ્ય થાય તો દીક્ષા લેવી. તે પછીથી પણ અમુક વર્ષે વૈરાગ્ય થાય તેવી યોજનાઓ કરવી; ખાનપાન ઉપર અંકુશ રાખવો; આ બધા નિયમો કરોને ! પણ એ તો નહિ કરે ! આ તો શિયાળામાં સત્તર જાતના પાક જોઈએ, પચાસ ચીજ જોઈએ. આડંબર ઘણો, પછી વિકાર વધે અને સામગ્રી ખૂટે એટલે અનીતિનું મન થાય; પાપ થાય. એમાં વળી સુગુરુને બદલે કુગુરુ મળી જાય, તેજીમંદી તથા આંકફરક કાઢી આપે, એટલે એ ગુરુ-ચેલા બને અને ઠરાવી લે કે-પંચમકાળના આપ સાધુ અને અમે શ્રાવક !