________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
જૈન રામાયણ
કરે છે. ગુરુજનોના ચરણે નમવાની વાત નહિ! ટટ્ટાર ને ટટ્ટાર થઈને ચાલે છે! ટટ્ટાર ને ટટ્ટાર બેસે છે! હાથમાં કટારી લઈ પગ પછાડતી રાજમહાલમાં ચાલે છે. શત્રુઓનાં મસ્તકોને પગ નીચે ચગદી નાંખવા તલપાપડ બને છે. શત્રુઓનાં લોહીની નદીમાં સ્નાન કરવાના કોડ કરે છે.
મહિનાઓ વીત્યા.
કાળ પરિપક્વ થયો.
કૈકસીએ પુત્રને જન્મ આપ્યો.
જન્મતાં જ પુત્રે પરાક્રમ બતાવ્યું. તેની બાજુમાં એક કરંડિયો પડ્યો હતો, તેમાં નવ માણેકનો એક મૂલ્યવંતો હાર પડ્યો હતો.
કૈકસીના બાલુડાએ તો સીધો જ તે હાર ઉપાડ્યો. હાથમાં રમાડવા માંડ્યો અને પોતાના ગળામાં પહેરી લીધો. કૈકસી તો પુત્રનું આ પરાક્રમ જોઈને તાજુબ બની ગઈ. રત્નશ્રવાને પુત્રજન્મની વધામણી તો મળી જ ગઈ હતી. તરત જ તે પુત્રના મુખને જોવા માટે કૈકસીના શયનગૃહની બહાર આવીને ઊભો હતો. કૈકસીએ રત્નશ્રવાને અંદર બોલાવ્યો અને પુત્રના પરાક્રમની વાત કરી :
‘પ્રાણનાથ! આપના પૂર્વજ મેઘવાહન રાજાને રાક્ષસેન્દ્ર જે હાર આપેલો અને દેવોથી અધિષ્ઠિત જે હાર આજદિન સુધી પૂર્વજો દ્વારા પૂજાતો રહ્યો છે, નવમાણેકનો આ હાર કોઈનાથી ઉપાડી શકાય એવો નથી, એ મહાપ્રભાવિક હારને તમારા આ પુત્ર ઉઠાવીને સીધો ગળામાં નાંખ્યો!
રત્નશ્રવાએ સૂર્યના તેજને પણ ઝાંખું પાડી દેતા પુત્રના મુખને જોયું! તેના ગળામાં ઓપતા નવમાણેકના હારમાં પ્રતિબિંબિત થયેલાં તેનાં બીજાં નવ મુખ જોયાં. ક્ષણભર વિચાર કરી લઈ કૈકસીને કહ્યું :
‘દેવી! પુત્રનાં દસ મુખડાંનું દર્શન કરી મને વિચાર આવ્યો કે આપણે પુત્રનું નામ ‘દશમુખ’ પાડીએ. કૈકસીએ અનુમતિ આપી અને પુત્રનું નામ ‘દશમુખ’ પાડવામાં આવ્યું.
હકીકત કેટલી બધી સુસંગત છે! ગળામાં રહેલ નવમાણેકમાં બાળકના મુખનાં નવ પ્રતિબિંબ પડે તે સહજ છે. અને તેથી રાવણ ‘દશમુખ’ કહેવાયો; પરંતુ અજ્ઞાનતાના જગતે રાવણનાં દશમુખ... વીસ હાથ ચીતર્યા! કેટલી બધી વિકૃતિ? રાવણ પણ મનુષ્ય હતો.
For Private And Personal Use Only