________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
જૈન રામાયણ ભલે, બાવીસ વર્ષ સુધી સતત રહેલા નિરાશાના ઘોર અંધારા વચ્ચે એ વીજળી ચમકી ગઈ હતી અને એટલા જ વેગથી એ વિલીન પણ થઈ ગઈ હતી, પરંતુ એ ચમકમાં અંજનાએ ભાવિનાં સુખદ એંધાણ જોયાં હતાં.
રથ ગામો અને જંગલો વટાવતો વેગથી દો જતો હતો. રથનો સારથિ અને સેનાપતિ દુઃખદ મૌન ધારણ કરી રહ્યા હતા. અંજના અને વસંતતિલકા શ્રી પંચપરમેષ્ઠી ભગવંતના સ્મરણમાં લીન બન્યાં હતાં. જંગલી પશુઓ અને આકાશનાં પંખીઓના અવાજ સિવાય કાંઈ સંભળાતું ન હતું. વચ્ચે વચ્ચે અશ્વો હેપારવ કરતા હતા અને ક્યારેક સારથિનો વેદનાભરપૂર નિઃશ્વાસ સંભળાઈ જતો હતો.
સૂર્ય અસ્તાચલ પર પહોંચ્યો અને રથ મહેન્દ્રપુરના સીમાડે આવીને ઊભો રહ્યો. સેનાપતિ રથની નીચે ઊતરી ગયો. મસ્તક નમાવી, ધ્રૂજતા હાથે તેણે અંજનાને પ્રણામ કર્યા. આંખો ઊનાં આંસુથી ઊભરાઈ ગઈ, નિ:શ્વાસની ભઠ્ઠીમાં શેકાઈ બે આંસુ ભૂમિ પર પડી ગયાં...
અંજના વસંતતિલકાના ખભે હાથ ટેકવીને રથ પરથી નીચે ઊતરી. માતા.. અમારો અપરાધ ક્ષમા..' સેનાપતિના ગળે ડૂમો ભરાયો. ‘તમારો અપરાધ નથી સેનાપતિ, મારા દુષ્ટ પ્રારબ્ધનો જ અપરાધ છે.”
બે ઘડી મૌન પથરાયું. સેનાપતિએ રથ વાળ્યો. સીમાડામાં આ બે નિરાધાર સ્ત્રીઓને મૂકીને ચાલ્યા જવા માટે, કઠોરતાના પાષાણને હૃદય પર મૂકી, સેનાપતિ રથ પર આરૂઢ બન્યો.
સૂરજ ડૂબી ગયો. એનાથી અંજના જેવી મહાસતીનું દુ:ખ જોઈ ન શકાયું. સજ્જન પુરુષો પર જ્યારે સિતમ પર સિતમ ગુજરે છે ત્યારે સજ્જનો તે જોઈ શકવા સમર્થ નથી હોતા,
રાત આપણે અહીં જ રોકાઈએ, સવારે નગરમાં જઈશું.' અંજનાએ વસંતતિલકાને કહ્યું.
પણ અહીં નિર્જન...' વસંતતિલકાને કંઈક ભય લાગ્યો.
ડરવાનું કોઈ કારણ નથી. શ્રી નમસ્કાર મહામંત્ર આપણી પાસે છે. પછી ડરવાનું શા માટે?' અંજનાનું નિર્ભીક હૃદય જોઈ વસંતતિલકા નિશ્ચિત બની.
થોડીક વાર થઈ ત્યાં અંજનાને એક વાત યાદ આવી. ‘વસંતા! ચાલ ઊભી થા તો.’
For Private And Personal Use Only