________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪)
જૈન રામાયણ આજે તેને પોતાનો જીવનસાથી મિત્ર પોતાથી દૂર દૂર ચાલ્યો જતો લાગ્યો, આશાઓના અને સ્વપ્નાઓના ભાંગીને ભુક્કા થઈ ગયેલા ટુકડાઓનું પોટલું માથે મૂકીને, એ કોઈ ગાઢ અંધકારમાં વિલીન થઈ જતો લાગ્યો. તેણે પવનંજયને અટકાવવા પ્રયત્ન કર્યો, પણ એ પ્રયત્નમાં ય પ્રાણ નહોતો રહ્યો. મિત્રને આવી વિકટ પરિસ્થિતિમાં એકલો જવા દઈ, પોતે નગરમાં પાછા વળવું એને ન ગમ્યું. એના હૃદયે તેમ કરવા સાફ ઇન્કાર કરી દીધો,
‘મિત્ર, તું ગમે તે કહે, હું તને છોડીને નથી જવાનો. જે માર્ગ તું લઈશ તે જ માર્ગ મારા માટે.”
પ્રહસિતે રડતાં છતાં મક્કમપણે પોતાનો નિર્ધાર કહી દીધો. પવનંજય વિમાસણમાં પડી ગયો. એ સમજતો હતો કે પ્રહસિત કોઈ પણ રીતે પોતાને અગ્નિમાં પ્રવેશ નહિ કરવા દે, એટલું જ નહિ, કદાચ એ પણ પોતાની સાથે અગ્નિમાં ઝંપલાવી દે, કોઈ પણ રીતે પ્રહસિત આદિત્યપુર મોકલી જ દેવો જોઈએ.
પ્રહસિત, તું વિચાર કર : જો તું આદિત્યપુર જાય અને માતાપિતાને વાત કરે તો તેઓને પણ અંજનાની શોધ કરવાનું સૂઝે અને ક્યાંક અંજનાનો પત્તો લાગી જાય. પવનંજયે પ્રહસિતની સામે જોયું. પ્રહસિત વિચારમાં પડી ગયો. ‘તો તું પણ મારી સાથે આદિત્યપુર ચાલ.' પ્રહસિતે કહ્યું.
એ હવે મારા માટે અશક્ય છે. હું તો હજુ વનોમાં, જંગલોમાં ફરીશ અને અંજનાને શોધવા પ્રયત્ન કરીશ. વળી હું નહિ આવું તો માતાપિતા વગેરે ખૂબ ઝડપથી અને ચોકસાઈથી તપાસ કરશે...”
રાત્રિ ઘણી વિતી ગઈ હતી. પ્રહસિતની આંખો થાકથી અને ઉજાગરાઓથી ઘેરાવા લાગી. પવનંજય પણ થાકીને લોથપોથ બની ગયો જ હતો, પરંતુ તેની ઊંઘ તો ક્યારનીય ભાગી ગઈ હતી. વિરહની વેદનામાં તે વ્યાકુળ ને વ્યાકુળ રહ્યા કરતો હતો. પ્રહસિત શિલા પર જ આડી પડ્યો. એ ઊંઘી ગયો. પવનંજય એની પાસે બેસી રહ્યો. કલાકો વીતવા લાગ્યા. પવનંજયના ચિત્તમાં એક વિચાર ર્યો અને એણે પ્રહસિતની સામે જોયું. તે ઊભો થયો અને પ્રહસિતને ત્યાં ઊંઘતો જ મૂકી ચાલ્યા જવા માટે તેણે પગ ઉપાડ્યા, પરંતુ તે થંભી ગયો. તેનું હૃદય આનાકાની કરવા માંડયું.
‘તું જો આમ મિત્રને દગો દઈને ચાલ્યો જઈશ તો એનું શું થશે? તારા વિના એની શી દશા થશે?” પવનંજયના અંતઃકરણમાં વિચાર જાગ્યો. તે અટકી ગયો. વિચારમાં ને વિચારમાં તે બેસી ગયો. ત્યાં પ્રસિત જાગી ગયો. ‘કુમાર...' પ્રહસિતે બૂમ પાડી, પવનંજય વિચારનિદ્રામાંથી જાગ્યો.
For Private And Personal Use Only