________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૨૨. આવો છે સંસાર
પોતાના ધબકતા હૃદય સાથે જીવનની આશાઓ અને આકાંક્ષાઓ નિરાશાના કાળા પાલવમાં સમેટી લઈને મહાસતીએ રથમાં પગ મુક્યા. બે આંસુ સાર્યાં. થોડીક આહ નીકળી અને એ ભવ્ય જીવનપ્રભાતનું સોનેરી આકાશ છિન્ન-ભિન્ન થઈ ગયું.
સંસાર માટે જાણે માનવજીવન એક ખેલ છે. સંસાર મનુષ્યના જીવનને જાણે કે એક મનોરંજન માટેનું રમકડું સમજે છે. એ રીતે એ મનુષ્યના જીવન સાથે તે ખેલ ૨મે છે! કેતુમતીએ અંજનાના જીવન સાથે ક્રૂર ખેલ ખેલવા માંડયો.
સેનાપતિએ ૨થને ગતિ આપી. વસંતતિલકાને આજે પોતાની સ્વામિનીનું સર્વસ્વ લૂંટાઈ જતું લાગ્યું. તેણે હાથથી પોતાના મુખને ઢાંકી દીધું. આંસુ સારતી સખી સ્વામિનીનાં ચરણો આગળ ઢળી પડી.
પતિનું મિલન થયે પુરા નવ મહિના ય નહોતા થયા ત્યાં તો અંજનાની સમસ્ત આશાઓ પર, સઘળાય ઉમંગ અને ઉત્સાહ પર જાણે હિમ પડી ગયું. શું શું ઉમંગો હશે? કેવાં અરમાન હશે? જ્યારે સમય આવ્યો, એ ઉમંગો અને અરમાનાં પૂરાં થવાની જ્યારે આશા પ્રગટ થઈ ત્યારે જ પતિના ઘરને છોડી જવાનું બન્યું.
જ્ઞાની પુરુષો કહે છે કે આ સંસાર છે. માનવજીવન પાણીના પરપોટા જેવું વિનશ્વર છે. તેઓ આગળ વધીને એમ પણ કહે છે કે સંસારમાં શું સંયોગ અને શું વિયોગ! સમુદ્રનાં મોજાં ઊંચે ઊછળે. એ મોજાંનાં માછલાં આકાશમાં એકબીજાને મળે અને પલવારમાં વિખૂટાં પડી જાય તેવું આ જીવન છે. પણ આ વાત ઓછી કોઇ રાગસંતપ્ત હૃદયને શાન્તિ આપી શકે છે? એ ભાવનાઓ ચિરકાળથી રાગ-અગ્નિમાં પ્રજ્વલતા હૃદયને તત્કાળ સાંત્વન આપી શકે ખરી? એ તો કંઈક સ્થિર બનીને, કોઈ મહાપ્રભાવિક યોગીપરુષના શરણે જાય, શરણ મળી જાય, તો જ હૃદયને શાંતિ મળે અને જંપ વળે.
અંજનાનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું, છતાંય પેલી સ્તબ્ધ રાત્રિએ પતિની પ્રિય મિલનવેળાએ આપેલું વચન એ ભૂલી ન હતી. એનું અંતઃકરણ સાક્ષી પૂરતું હતું કે પવનંજય જરૂર એક દિવસ મળશે, અને કરમાઈ ગયેલા હૃદયપુષ્પ ૫૨ પ્રેમવારિનું સિંચન કરશે.
For Private And Personal Use Only