________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂલનું પરિણામ
૨૧૩
‘શ્રમણોપાસક રાજન! એમાં અમે શું ઉપકાર કર્યો છે? અમે તો અમારું કર્તવ્ય બજાવ્યું છે. દરેક આત્મા પોતાની યોગ્યતા અનુસાર આગળ વધતાં હોય છે અને પાપથી અટકતો હોય છે.'
ના જી, અવિનય ક્ષમા કરશો. પરંતુ જીવની યોગ્યતા ગમે તેટલી હોય, છતાં જો તે યોગ્યતાને વિકસાવનાર મહાન આલંબન ન મળે તો તે યોગ્યતા સુષુપ્ત રહે છે.’ કનકરથ નિમિત્તની પ્રધાનતા બતાવતાં કહ્યું.
‘રાજન્! તમારા હૃદયમાં રહેલો દેવગુરુ પ્રત્યેનો અવિહડ રાગ તમને આ સમજ આપે છે, અને તે યથાર્થ છે.'
મૌન પથરાયું.
‘પૂજ્ય, કૃપા કરીને મારા પાપનું પ્રાયશ્ચિત્ત આપો.' કનકોદરીએ મસ્તકે અંજલિ જોડીને પ્રાર્થના કરી.
‘મહાનુભાવ! અયોગ્ય માર્ગથી તમે પાછાં વળી ગયાં ત્યારથી જ તમે તમારા આત્માની વિશુદ્ધિ કરી રહ્યાં છો. છતાં ગીતાર્થ આચાર્ય ભગવંત પાસેથી તમારે પ્રાયશ્ચિત્ત લઈ લેવું, કારણ કે પ્રાયશ્ચિત્ત આપવાનો અધિકાર તેઓશ્રીને હોય છે.
‘મોટું પ્રાયશ્ચિત્ત તો એ છે કે હવે તમારે પરમાત્મા શ્રી જિનેશ્વરદેવના અપૂર્વ મોક્ષમાર્ગની આરાધનામાં જોડાઈ જવું અને આ નશ્વર દેહમાંથી શાશ્વત ધર્મની આરાધના કરી લેવી.’
‘પ્રભુ! પછી શું થયું?’ ‘અમિતગતિ’ વિદ્યાધર મુનિના મુખેથી નીકળતી વાણી એકરસ બનીને સાંભળી રહેલી, અંજના અને વસંતતિલકાએ પૂછ્યું.
‘પછી એ કનકોદરી અને સુલેખાએ ઉત્તમ શ્રાવિકાજીવન જીવવું શરૂ કર્યું... અંતે મૃત્યુ થયું અને તે સૌધર્મ દેવલોકમાં ગઈ.'
‘પછી?’
‘ત્યાંથી કનકોદરીનાં જીવ રાજા મહેન્દ્રની પુત્રી અંજના તરીકે અનેં સુલેખાનો જીવ વસંતતિલકા તરીકે...'
‘હું?’ બંને સખીઓ બોલી ઊઠી.
For Private And Personal Use Only