________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક ૧૧. રેવાના તટે : વૈતાઢયના પર્વતો તરફ લક્ષ કેન્દ્રિત કરી રાવણે વેગથી પ્રયાણ આરંભ્ય. વચ્ચે જે કોઈ નહિ જિતાયેલા દેશ-પ્રદેશ આવે તેને જીતતા-જીતતા આગળ વધવાનું હતું. પરંતુ એ વચગાળાનું કામ તો ઇન્દ્રજિત અને મેઘવાહનની કીડાકેલી માટેનું હતું. તેમાં રાવણ કે કુંભકર્ણ-બિભીષણે કશું જોવાનું ન હતું.
પ્રયાણ આગળ આગળ વધતું જ જતું હતું. રાવણની દૃષ્ટિ સૃષ્ટિના સૌન્દર્યનું અમીપાન કરી રહી હતી. ત્યાં તેણે વિધ્યાચલ પર્વત પરથી ઊતરતી “રેવા નદીને જોઈ. વિશાળ પટ, ઊંડાં ઊંડાં કાળાં પાણી, ધસમસતા પ્રવાહ, ઊછળતા તોફાની છતાંય નયનરમ્ય તરંગો, ઊંચા ઊંચા તટ પર મનોહર મોરલાઓની કતારો અને પક્ષીઓની મધુર સૂરાવલી.
રાવણ આકર્ષાયો. તેણે અહીં પ્રથમ પડાવ નાંખવાનો નિશ્ચય કર્યો. સુગ્રીવ વગેરેને રેવાના વિશાળ તટ પર પડાવ નાંખવાની આજ્ઞા ફરમાવી, જોતજોતામાં રેવાના તટ પર કરોડોનું સૈન્ય પથરાઈ ગયું. લાખો અશ્વો, હાથીઓ, રથોના મહાન કોલાહલથી રેવાનો તટ ધમધમી ઊઠ્યો.
કિનારા પર એક સોહામણા સ્થાને રાવણની છાવણી નાંખવામાં આવી હતી. બાજુમાં જ કુંભકર્ણ-બિભીષણ, ઇન્દ્રજિત-મેઘવાહન તથા સુગ્રીવ-ખર વગેરે મહાન પરાક્રમીઓની છાવણીઓ હતી.
રાવણની જિનપૂજા હજુ બાકી હતી. રાવણ હમેશાં જિનેશ્વરદેવનું પૂજન કરતો હતો! નગરમાં ય પૂજન કરતો અને જંગલમાં પણ કરતો! તીર્થયાત્રામાં ય કરતો અને યુદ્ધયાત્રામાં ય કરતો! એક દિવસ પૂજા વિના જાય નહિ. આ વિશ્વવિજયની યાત્રામાં પણ તેણે જિનેશ્વરદેવની રત્નમય પ્રતિમા સાથે રાખી હતી. રાવણે સ્નાન કર્યું, સુંદર શ્વેત વસ્ત્રો પહેર્યા. એક રમણીય વૃક્ષની નીચે, ભૂમિને સુગંધીજલથી પવિત્ર કરી, મણિમઢેલાં નાનકડાં સિંહાસન પર નાજુક રત્નમય પ્રતિમા પધરાવી અને પૂજન શરૂ કર્યું.
રેવાના નિર્મળ નીરથી પ્રતિમા પર અભિષેક કર્યો. રેવાના તટ પરનાં ખીલેલાં પંકજ-પુષ્પોથી પરમાત્માનાં અંગ સજ્યાં. રાવણનાં તન અને મન પરમાત્મામાં પરોવાઈ ગયાં. પરંતુ અચાનક રેવાનાં પાણી ઊછળ્યાં, ખૂબ ઊંચાં ઊછળવા માંડ્યાં, ગાંડાંતૂર બનીને ઊછળવા માંડ્યાં, કિનારાની તોતિંગ ભેખડો ધસવા માંડી, વિરાટકાય વૃક્ષો તૂટી તૂટીને રેવાના પ્રલયકારી પૂરમાં તણાવા લાગ્યાં. ઊંચા ઊંચા કિનારાઓ પર પણ પાણી રેલાવા માંડ્યાં. મોટા મોટા મગરમચ્છો પાણીનાં મોજાંઓની સાથે ઊછળવા માંડ્યા..
For Private And Personal Use Only