________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૈવની વિટંબણા
૧૮૩
સાચેસાચ પવનંજયને આવેલો જાણી લજ્જાથી તરત જ તે પલંગની ઇસ પકડીને ઊભી થઈ ગઈ અને નત મસ્તકે તેણે પવનંજયને પ્રણામ કર્યા.
પવનંજયે અંજનાને પલંગ પર બેસાડી, પોતે બાજુમાં બેઠો.
‘દેવી, મારો અપરાધ ક્ષમા કર. મારી બુદ્ધિ ઘણી ક્ષુદ્ર છે. તું નિરપરાધી હોવા છતાં મેં તને દુ:ખી દુ:ખી કરી દીધી છે.' પવનંજય અંજનાનાં નિર્દોષ નયનોમાં પોતાની આંખો મિલાવી, પોતાના અપરાધની ક્ષમાયાચના કરી.
અંજનાએ પવનંજયના મુખ આગળ પોતાનો હાથ ધરી દીધો અને કહ્યું : ‘સ્વામીનાથ! આવું ન બોલો. આવું બોલીને મને દુઃખી ન કરો. હું તો આપની સદૈવ દાસી છું. એક ચરણની રજ સમાન દાસીની આગળ ક્ષમાયાચના ન હોય, નાથ...’
આવાસમાં મૌન પથરાયું.
પ્રસિત અને વસંતતિલકા આવાસની બહાર નીકળી ગયાં.
દુઃખની કાજળશ્યામ રાતડી વીતી ગઈ, સુખનું ખુશનુમા પ્રભાત પ્રગટ થયું. બાવીસ બાવીસ વર્ષ સુધી સિતમ પર સિતમ સહન કરીને ભગ્ન ખંડિયેર બની ગયેલી તેની કાયાને પુનઃ નવસર્જનની પળ લાધી ગઈ.
પણ આ વીજળીનાં ઝબકારો હતા, એ વીજળીના ઝબકારામાં અંજનાએ દાંપત્યસુખને ભોગવી લીધું.
રાત્રીના છેલ્લા પ્રહરે પવનંજયે અંજનાની અનુજ્ઞા માગી
‘યુદ્ધ માટે જવું પડશે, દેવી, નહિતર પિતાજી...’
‘પરંતુ...’
‘તું ચિંતા ન કર. સખીઓની સાથે તું સુખપૂર્વક રહેજે. હું લંકાપતિનું કાર્ય પતાવીને વિના વિલંબે આવી જઈશ.'
‘સ્વામીનાથ! આપ પરાક્રમી છો, વીર છો. એ કાર્ય આપને સિદ્ધ જ છે. આપ જો મને જીવતી જોવા ઇચ્છતા હો તો શીઘ્ર પાછા આવજો.'
એવી તારે શંકા ન કરવી.'
‘હું પ્રયોજનપૂર્વક જ કહું છું કારણ કે આજે જ હું ઋતુસ્નાતા છું. મને ગર્ભ રહ્યાનો ભાસ થાય છે. હવે જો સમયસર આપ ન આવો તો આ જગતમાં મારી દશા શું થાય?’
For Private And Personal Use Only