________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
જૈન રામાયણ ‘તારી વાત સાચી છે પ્રિયે, પરંતુ હું શીઘ્રતાથી આવીશ અને મારા આવ્યા પછી તો એવા તુચ્છ અને શુદ્ર માણસોની તાકાત છે કે જે તારી સામે આંગળી પણ ચીંધી શકે?'
પવનંજયે આશ્વાસન આપવા છતાં જોયું કે અંજનાના ચિત્તને સમાધાન નથી થયું. તેથી તેણે પોતાની અંગુલી પરથી પોતાના નામથી અંકિત વીંટી કાઢીને, અંજનાને આપી; અને કહ્યું : “નથી ને કદાચ કોઈ એવી પરિસ્થિતિ સર્જાય તો આ મારા આગમનનું સૂચન કરતી મુદ્રિકા તું પ્રગટ કરજે; કે જેથી તારા પર કોઈ પણ જાતનું કલંક ન આવે.”
અંજનાના ચિત્તનું કાંઈક સમાધાન થયું. એના હૃદયમાં તો ભાવિ ભયના ભણકારા વાગી જ રહ્યા હતા, પણ શું કરે? પવનંજયને ગયા વિના ચાલે એમ જ ન હતું. વીંટી આપીને પવનંજય ઉદ્યાનમાં આવ્યો. વિમાનમાં બેસીને પાછા માનસરોવરના કિનારે પોતાની છાવણીમાં આવી પહોંચ્યા.
પતિના મધુર મિલનની રાત અંજના માટે જાણે એક સ્વપ્ન બની ગયું. અંજનાએ ગર્ભ ધારણ કર્યો. જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ અંજનાનું સૌન્દર્ય ખીલતું જાય છે. જોતજોતામાં તો ગર્ભવતી સ્ત્રીનાં ચિહુનો તેના શરીર પર દેખાવા લાગ્યાં.
નગરમાં કે મહેલમાં કોણ જાણે છે કે પવનંજયનું અને અંજનાનું મિલન થયું છે? વર્ષોથી અંજના પવનંજય દ્વારા ત્યજાયેલી છે, એ વાત જ લોકો જાણે છે અને રાજમહેલ જાણે છે.
વાતને વહેતાં શી વાર! દાસીઓ દ્વારા પવનંજયની માતા કેતુમતીના કાને વાત પહોંચી કે અંજના ગર્ભવતી છે. તે ચોંકી ઊઠી. તેના ચિત્તમાંથી અનેક ભયંકર વિચારણાઓ પસાર થઈ ગઈ. વાત સાંભળતાંની સાથે જ તે દોડીને અંજનાના મહેલે આવી, સખી વસંતતિલકાની સાથે અંજના નિર્દોષ ભાવે આનંદવિનોદ કરતી હતી ત્યાં તો કેતુમતીનો કઠોર સ્વર એના કાને અથડાયો, કેતુમતી મહેલની પરિચારિકાને પૂછી રહી હતી.
ક્યાં છે એ સતી અંજના?’ સાસુનો અવાજ સાંભળતાં જ અંજના ધીમેથી બહાર આવી અને કેતુમતીને પ્રણામ કર્યા. કહુમતી તો ફાટેલા ડોળે અંજનાના શરીરને જોઈ જ રહી. તેનો રોષ ભભૂકી ઊઠ્યો.
“અરે, તેં આ કેવું કાળું કામ કર્યું? તેં તારા બાપના અને મારા, બંનેના કુળને કલંક લગાડવું.” રાડ પાડીને કેતુમતી બોલી.
For Private And Personal Use Only