________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મથુરામાં મધુનું મિલન
૧૨૭ સુમિત્ર લગામ ખચે તેમ તેમ અશ્વની ગતિ વધે! અશ્વનો વેગ અતિશય વધી જતાં, સુમિત્રના હાથમાંથી લગામ છૂટી ગઈ, તેની આંખે અંધારાં આવી ગયાં.
પણ જ્યાં લગામ છુટી ત્યાં જ અશ્વ થંભી ગયો! રાજા ઊતરી પડ્યો. રાજા એક પલ્લીમાં આવી ચડ્યો. સુધા અને તૃષાથી વ્યાકુળ બન્યો. બાજુમાં જ તેણે પલ્લીવાસીઓનાં માટીમંદિરો જોયાં. રાજા એક મોટા સ્વચ્છ માટીગૃહની નજીક આવ્યો. ઘરના આંગણામાં એક નવયૌવના આ પરદેશીને તાકી તાકીને જોઈ રહી હતી અને જ્યારે રાજાને એના જ ઘર તરફ આવતો જોયો ત્યારે તે ભય, લજ્જા અને આંતર હર્ષ વગેરે અનેક મિશ્ર લાગણીઓ અનુભવી રહી.
“પાણી મળશે?” નજીક આવી, રાજાએ એ જ યૌવનાની પાસે પાણીની માગણી કરી. તરત જ એ ઉતાવળે પગલે ઘરમાં ગઈ અને એક ઊજળા લોટામાં ઠંડું હિમ જેવું પાણી ભરી લાવી, રાજાના હાથમાં આપ્યું. પાણી તો આપ્યું પણ સાથે પોતાનું દિલ પણ આપ્યું, પ્રેમવારિના પ્યાલા ભરીને પાયા. સુમિત્રમાં જેમ રૂપ અને યૌવન ધબકી રહ્યું હતું તેમ એ કન્યામાં પણ રૂપ અને યૌવન ઝબકારા લઈ રહ્યું હતું. બંને માન હતાં, પણ તેમનાં મનડાં વાચાળ બની ગયાં હતાં. બંને મૌન હતાં પણ બંનેનાં લોચનિયાં પાર વિનાની વાતો કરી રહ્યાં હતાં. કન્યા પાણી પાઈને આંગણામાં આસપાલવના વૃક્ષની છાયામાં ઢોલિયો ઢાળી, રાજાને બેસવાનો ઇશારો કરી, ઘરમાં ચાલી ગઈ.
અનુરાગના બંધનમાં બદ્ધ થયેલો સુમિત્ર. ઢાળેલા ઢોલિયા પર બેસી ગયો. ત્યાં એ ઘરના માલિક કે જે આ પલ્લીનો અધિપતિ હતો, તે આવી ગયો. તેણે પોતાના આંગણામાં એક બાજુ શણગારેલા અશ્વને હણહણતો જોયો અને બીજી બાજુ રાજપોશાકમાં સજ્જ સુમિત્રરાજને જોયો. પલ્લીપતિ સુમિત્રના રાજ્યાભિષેક વખતે તે નગરમાં હતો. તેણે સુમિત્રને ઓળખ્યો. પોતાના માલિક તરીકે ઓળખ્યો. તેના હર્ષનો કોઈ પાર ન રહ્યો. દોડતા આવીને તેણે સુમિત્રનાં ચરણોમાં વંદન કર્યા અને પોતાને આંગણે પધારવા માટેનો હર્ષ વ્યક્ત કર્યો. સુમિત્રે પણ પોતે કેવી રીતે અહીં આવી ચડ્યો, તેની વાત કહી.
ત્યાં તો પેલી યૌવના કે જે પલિપતિની પુત્રી “વનમાલા” હતી તે આવી પહોંચી. એક ધોયેલા કેળપત્રમાં વનનાં મધુર ફળો કાપીને તે લાવી હતી, એક પ્રેમી પરદેશીના સત્કાર માટે, એક અજાણ્યા અતિથિના સત્કાર માટે, તેનો આત્મા ડોલી ઊઠ્યો હતો. પરદેશીની પાસે પોતાના પિતાને બેઠેલો જોઈ વનમાલા ખમચાઈ, લજ્જાથી તે બે ડગલાં પાછી પડી ગઈ. પલ્લીપતિએ પુત્રીને જોઈ.
For Private And Personal Use Only