________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ મહાકાળ અસુર કોણ
૧૦૯ પર્વતના પક્ષમાં ન્યાય તોલાશે...” ઝડપભેર તે આશ્રમમાં આવી. અમે બંને, હું અને પર્વત, વસુરાજાની રાજસભામાં આવ્યા. હું નિર્ભય હતો, કારણ કે મારું અંત:કરણ વિશુદ્ધ હતું. પર્વતના મુખ પર ભયની સૂચક અનેક રેખાઓ તરવરતી હતી, કારણ કે તેનું અંતઃકરણ મલિન હતું. રાજસભા અનેક પ્રસિદ્ધ પંડિતો, કવિઓ અને પ્રજ્ઞાવતોથી ભરાઈ ગયેલી હતી, વાદસભાને યોગ્ય પુરુષોની હાજરી સારી હતી.
વાદસભામાં તો જોઈએ મધ્યસ્થ દષ્ટિ! વાદસભામાં જોઈએ હંસલાઓ ક્ષીર અને નીરનો વિભાગ કરનારા. ક્ષીર એટલે સત્ય અને નીર એટલે અસત્ય. સત્યાસત્યનું યથાર્થ વિભાગીકરણ કરનારા સભાસદોથી વાદસભા શોભે.
વસ સ્ફટિકના સિંહાસન પર આરૂઢ થયો. જાણે આકાશમાં ચન્દ્રમાં ખીલી ઊડ્યો! વાદસભાનું કામ શરૂ થયું. પર્વતે પોતાના પક્ષનું સ્થાપન કર્યું. મેં મારું મન્તવ્ય રજૂ કર્યું. અમે બંનેએ વસુરાજાને સત્ય કહેવા માટે પ્રાર્થના કરી.
વસુના માટે એ છેલ્લો દિવસ હતો, ન્યાય તોલવાની એ છેલ્લી તક હતી. સત્યવાદી તરીકેની એ ચરમ ક્ષણ હતી. ગુરુપત્નીના અનુરોધથી અસત્ય ભાષણ માટે વસુ તૈયાર જ હતો. અમારા બંનેનાં મંતવ્યો સાંભળી, તેના પર કૃત્રિમ પરામર્શ કરવા લાગ્યો અને થોડીક વારમાં તેણે કહ્યું : ‘ગુરુદેવે “અજ'ની વ્યાખ્યા “મેષ' કરી હતી.'
હું તો સાંભળતા જ ડઘાઈ ગયો... પરંતુ હજુ હું વિચાર કરું છું ત્યાં તો એક ભયાનક હોનારત સર્જાઈ ગઈ.. ધડડડ... ધડડડ... ધડડડડ સ્ફટિક સિંહાસન પર અદશ્ય ઘણના પ્રહારો થવા લાગ્યા. સિંહાસન ભાંગીને ચૂરેચૂરા થઈ ગયું. વસુ ભૂમિ પર પછડાયો. તેના મુખમાંથી લોહીની ધારા વહેવા લાગી. અસત્ય ન્યાય તોલવાથી ક્ષેત્રદેવતાઓ ક્રોધાયમાન થયા હતા અને એ દેવોએ જ આ કરાલ વિનાશ તાંડવ સર્યું હતું. ઊંચા સિંહાસન પરથી પછડાયેલો વસુ તત્કાળ મૃત્યુને શરણે થયો, મરીને તે ઘોર નરકમાં પટકાઈ ગયો.
હું તો આ દૃશ્ય જોતાં જ સ્તબ્ધ થઈ ગયો. તત્કાળ હું કંઈ જ સમજી ન શક્યો, પરંતુ વસુનો વિનિપાત જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. વસુના મૃત્યુ પછી વસુના સિંહાસને તેનો મોટો પુત્ર “પૃથવસુ’ બેઠો. પરંતુ કોપાયમાન થયેલા દેવોએ એને પણ ખતમ કરી નાખ્યો. ત્યાર પછી ક્રમશઃ એના પુત્રો સિંહાસન પર બેસતા ગયા અને દેવો તેમને મારતા ગયા. આઠ પુત્રો માર્યા ગયા, સુવસુ નામનો નવમો પુત્ર ભાગ્યો. તે નાગપુર પહોંચી ગયો, જ્યારે દશમો પુત્ર બૃહદ્રધ્વજ મથુરામાં ચાલ્યો ગયો.
For Private And Personal Use Only