________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર વાલી ગગનચન્દ્ર મહર્ષિ પાસે વાલી રાજાએ પ્રવ્રજ્યા સ્વીકારી. દિનપ્રતિદિન વાલી મહામુનિ અધ્યાત્મની ઉન્નત ભૂમિકાએ પહોંચવા લાગ્યા. ઇન્દ્રિયનિરોધ અને વૃત્તિનિરોધની સિદ્ધિ માટે રોજ વાલીમુનિ નવી નવી ઉગ્ર પ્રતિજ્ઞા કરવા લાગ્યા, મહાન તપશ્ચર્યામાં તપવા લાગ્યા અને સ્મશાન વગેરે ભયંકર સ્થળોએ જઈને કાયોત્સર્ગ-ધ્યાને રાત્રિ પસાર કરવા લાગ્યા.
નિર્મમતા અને નિરહંકારિતાની કોકિલાઓએ આ મુનિવૃક્ષની સાધનાપલ્લવિત ડાળીઓ પર બેસી બેનમૂન ગીત ગાવા માંડ્યાં. મહર્ષિની પવિત્રતમ સાધનાએ વિશ્વની અતીન્દ્રિય શક્તિઓને આકર્ષી. છતાં મુનિવર એ લબ્ધિ, શક્તિઓ પ્રત્યે જરાય ન આકર્ષાયા! વિચરતા વિચરતા મહર્ષિ અષ્ટાપદની તળેટીમાં આવી પહોંચ્યા. તેમના ચિત્તમાંથી એક સાધનાશુરો વિચાર વિદ્યુતની ગતિથી પસાર થઈ ગયો.
આ તો ચારણમુનિ! આંખના પલકારામાં તો તે અષ્ટાપદ જેવા વિરાટકાય પર્વતની ટોચે આવી ઊભા. ભગવાન ઋષભદેવના નિર્વાણથી ગૌરવપૂર્ણ બનેલો
આ પહાડ ચોવીસ તીર્થકરોની સ્મૃતિ કરાવતો હતો. ભરત ચક્રવર્તીએ પિતાના નિર્વાણનો કારમો ઘા અહીં મંદિરોનાં સર્જન દ્વારા રૂઝવ્યો હતો. શોકની આગ રત્નમય જિનપ્રતિમાઓ કંડારીને બુઝાવી હતી.
મહામુનિ વાલીએ એ જિનશ્વરદેવોની ભાવનાપૂર્ણ ભાવપૂજા કરી.
બસ.. એક શિખરના એકાંત ભાગમાં પહોંચી જઈ ધ્યાનારૂઢ થયા. ખાવાનું તો હવે એક મહિનાને અંતે હતું! મા ખમણના પારણે મા ખમણ કરવાનો સંકલ્પ કરીને જ તેઓ શિખર ઉપર આવ્યા હતા! સાધનાને માર્ગે ગતિ જોઈએ... તીવ્રગતિ જોઈએ છે.
જે સાધના લીધી, તપની કે ત્યાગની, જ્ઞાનની કે ધ્યાનની, વિનયની કે ભક્તિની.. બસ.. એમાં આગળ ધપવું. ગાડાની ગતિએ નહિ, પરંતુ રોકેટની ગતિએ ગતિ એટલે ગતિ. માત્ર વિસામો લેવા અટકવાનું. વિસામો લેતાં યાદ રાખવું જોઈએ કે “હું વિસામો લઈ રહ્યો છું.'વિસામો ગતિને વેગવંતી બનાવનાર હોય છે. ગતિને વેગવંત બનાવે તે જ વિસામો કહેવાય.
બીજી બાજુ કિષ્કિન્ધામાં સુગ્રીવે રાવણને પોતાની બહેન શ્રીપ્રભા આપી... લગ્નોત્સવ કર્યો. આમ કરવાથી વાનરદ્વીપ અને રાક્ષસદીપનો તૂટતાં સંબંધ અતૂટ રહ્યો. સુગ્રીવે દશમુખની આજ્ઞાને સ્વીકારી. વાલીના પુત્ર ચન્દ્રરશ્મિને સુગ્રીવે યુવરાજ બનાવ્યાં.
For Private And Personal Use Only