________________
૭૮
શ્રાવક કવિ ઋષભદાસકૃત
હતા, પણ ત્યાં તો ફરમાન હાથમાં આવતાં જ બધાના જીવ હેઠા બેઠા ને શાંતિ થઈ. જગમાલ પણ ફરમાન લઈને આવતો હતો પણ તે પાછળ રહી ગયો.
હવે આ બાજુ બાદશાહનું બીજું પણ એક ફરમાન હીરગુરુને દિલ્હી તેડાવવાનું મળે છે. તેની હકીકત આ પ્રમાણે છે.
એક વાર બાદશાહ ઝરૂખામાં બેઠા છે. ત્યારે છ મહિનાના ઉપવાસ કરનાર ચંપા શ્રાવિકાનો વરઘોડો નીકળે છે. બાદશાહે સેવકને પૂછ્યું, “આ ધામધૂમ શાની છે ?' સેવકે કહ્યું કે “ચંપા નામની શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા છે. જેમાં ખાવાનું કાંઈ નહીં. પીવાની ઈચ્છા થાય તો ઉકાળેલું પાણી પીવાનું.) તેની ખુશાલીમાં આ વાજિંત્ર વાગે છે અને વરઘોડો કાઢવામાં આવ્યો છે.'
બાદશાહે વિચાર્યું કે આ તો ગજબ કહેવાય ! છ મહિનાના ઉપવાસ તો થાય જ કઈ રીતે ? તેઓ મંગલ ચૌધરી અને કામરૂખાનને ત્યાં તપાસ માટે મોકલે છે. તેઓ પૂછે છે “તમે ભૂખ્યા કેમ રહી શકો છો ? બપોરે ખાધું ન હોય તો શરીર ધ્રૂજવા માંડે છે.” ચંપા શ્રાવિકા કહે છે, “શ્રી દેવગુરુનો મહિમા છે. તેનાથી હું આ કરી શકું છું. દેવ છે ભગવાન આદીશ્વર, અને ગુરુ છે શ્રી હીરવિજયસૂરિ.”
તે સાંભળીને બન્નેને થયું, “હીરગુરનો કંઈક મહિમા લાગે છે. ઉપવાસ તો આ સાચા કરે છે. તેને પગે લાગીને બન્ને બાદશાહ પાસે આવ્યા. કહ્યું કે એના ઉપવાસ તો સાચા જ છે. આદીશ્વર ભગવાન અને હીરસૂરિ મહારાજનો પ્રભાવ છે એમ કહે છે. તે વખતે પાસે અતિમિતખાન ઊભો હતો તેને બાદશાહે પૂછ્યું કે “તમે ગુજરાતમાં રહો છો. હીરસૂરિ નામના સાધુને જાણો છો ?' ત્યારે અતિમિતખાને કહ્યું કે, 'એ તો સાચા ફકીર છે. પગે ચાલીને બધે ફરે. એક જગાએ સ્થિર રહે નહીં. પાસે પૈસો રાખે નહીં, સ્ત્રીને કદી સ્પર્શે નહીં, પ્રભુની બંદગી હંમેશાં કર્યા કરે.” આ સાંભળી બાદશાહ ખુશ થયો. તે મનમાં વિચારે છે કે “હીરગુરુ એવા મહાન હોય તો હું એમને બોલાવીને તત્ત્વજ્ઞાન પૂછું.” ત્યાં તો ચંપા શ્રાવિકાને પાલખીમાં આવતી જોઈ તે વખતે ત્યાં રહેલા ટોડરમલ્લને જોરથી બાદશાહે પૂછ્યું, “આ કોણ બાઈ છે ? અને શું ગાય છે ?' તેણે કહ્યું કે, “છ મહિનાના એમણે કરેલા રોજા આજે પૂરા થાય છે. ગુરુ પાસે જઈ એ પવિત્ર થાય છે. તેનાં વાજિંત્ર વાગે છે.”
બાદશાહ બોલ્યો કે એને આપણે ત્યાં તેડી લાવો. હાથમાં સોનાની લાકડીઓવાળા દોડ્યા ને ચંપા શ્રાવિકાને બાદશાહ પાસે લઈ આવ્યા. બાદશાહ કહે છે, તું મારી માતા છે. જરાયે બીતી નહીં. તું સાચું કહે કે ઉપવાસ કેટલા કર્યા ને કઈ રીતે કર્યા.' ચંપા કહે છે, “સુલતાન ! સાંભળો, મેં છ માસથી અન્ન લીધું નથી. રાતદિવસ આવા રોજા કર્યા છે.'
આ સાંભળી બાદશાહ કહે છે, “કોઈ ભૂખ્યો રહે તો બહુબહુ તો વીસ-ત્રીસ દિવસ તો બહુ થયા. આમ છ મહિના ભૂખ્યું કેમ રહેવાય ? તું જે હોય તે સાચું કહે.” તે સાંભળી ચંપા શ્રાવિકા કહે છે, “બાદશાહ દેવ તો છે મારે ઋષભદેવ વગેરે ભગવંતો અને ગુરુ છે શ્રી હીરવિજયસૂરિ. એમના પ્રભાવથી – નામથી હું ઉપવાસ કરી શકી છું.”