________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૩૧
ભિક્ષાવૃત્તિ કરે છે. પગે ચાલે છે. ધનસંપત્તિ કે સ્ત્રી રાખતા નથી. એક વાર ભોજન કરે છે. અને પાણી પણ સૂર્ય ઊગ્યે પીએ છે. પૃથ્વી જ એમની પથારી, આકાશ ઓઢવાનું, ને ચંદ્ર દીવો. એમના શત્રુ કોઈ નહીં. સર્વ જીવો એમના બંધુ.” ત્યારે પાદશાહ ખુશ થયો. તે હીરગુરુને પૂછે છે કે “તમારાં મોટાં તીર્થો ક્યાં છે તે અમને
કહો.”
“સોરઠમાં શત્રુંજય મોટું છે. જ્યાં ઋષભદેવ ચઢ્યા હતા તથા કોટી – અનંતા સાધુઓ મોક્ષે ગયા. બીજું તીર્થ ગિરનાર છે જેની સાત ટૂક છે. ત્યાં નેમિનાથ ચડ્યા ને મોક્ષે ગયા. ત્યાં ગજપદકુંડ અને ઘણાં મંદિરો છે. આબુ-અચલગઢ તીર્થ પણ સુંદર છે. વિમલ નામે એક વણિક હતો. તેણે હથિયાર ધરી બધા દેશ કબજે કર્યા. બાર રૂમ લીધા. એણે કેટલાય કોડ સોનું ખર્ચ્યુ જેનો કોઈ પાર જ નથી. વસ્તુપાળ અને ભીમદેવ (કે બળિયો વસ્તુપાળ ?) થયા જેમણે સારાં મંદિરો કરાવ્યાં. સમેતશિખર તીર્થમાં વીસ થંભ છે. કાશીમાં પાર્શ્વનાથ છે. અષ્ટાપદ તીર્થના પ્રાસાદમાં પરમાત્માનો વાસ છે.”
ત્યારે પાદશાહ ખુશી થયો. પછી તે કહે છે, “આપ નજીક પધારો.” હીર કહે છે, “આ ગાલીચા ઉપર અમારાથી પગ મુકાય નહીં. જેના પર ગૃહસ્થો બેઠા હોય ત્યાં સાધુ બેસે નહીં. વળી આ (ગાલીચા)ની નીચે કોઈ જીવ પણ હોઈ શકે. આચારને રત્નની પેરે રાખવો જોઈએ. તે દુર્લભ છે.”
પછી અકબર કહે, “એને ઊંચો કરો.” પછી પોતે જ માન મૂકીને ગાલીચો ઊંચો કરે છે. તો તેણે જાતે કીડીઓ જોઈ. પછી કહે છે, “ભાગ્યવંત જ્યાં જ્યાં જાય ત્યાં સવળું થાય. અને પુણ્યહીન નર જાય ત્યાં અવળું થાય.” કીડી જોઈ અકબર ખુશ થયો અને સાધુમાર્ગની પ્રશંસા કરી. હીરગુરુનો હાથ પકડી નજીક આણે છે. અને “આ સાચા હીરા છે” એમ પ્રશંસા કરે છે. “આ સમયમાં સાચા માર્ગ સાધુ રાખે છે – જાળવે છે.”
બાદશાહ હીર સાથે વૃષભગતિએ ચાલે છે, જાણે ઈદ્ર અને બૃહસ્પતિ વાતે વળગ્યા હોય; અથવા તો કેશી ગુરુ અને પ્રદેશી રાજાની જોડી મળી હોય. જાણે સૂર્ય અને ચંદ્ર ભેગા મળ્યા હોય.
તારાઓથી જેમ ચંદ્ર તેમ મુનિઓથી હીર શોભે છે. હાથણીઓથી જેમ ગજરાજ અને દેવોથી જેમ ઈદ્ર તેમ હીર એમના શિષ્યોથી શોભે છે. અકબર હીરનો હાથ હૃદયે મૂકે છે અને મહેલમાં તેડી જઈ કહે છે. “અહીં બેસો.”
પુંજી-પ્રમાર્જીને હીર બેઠા. ત્યારે તે બન્ને સંપ્રતિરાય અને સુહસ્તિની જેમ લાગે છે. ધર્મકથા કરતાં લોચન વિકસિત થાય છે. અકબર પ્રેમથી ઈશ્વરની, ગુરુની અને ધર્મની વાતો પૂછે છે. | મેઘ વરસતો ન દીઠો હોય પણ નદીમાં પૂર જોવાથી ક્યાંક ખૂબ વરસાદ થયાનું નિશ્ચિત થાય છે. તેમ દુનિયામાં સંપન્ન માણસને જોઈને એણે ખૂબ ધર્મ કર્યો છે એવું મનમાં નિશ્ચિત થાય છે. જેમ વંધ્ય વૃક્ષ ફળતું નથી તેમ ધર્મ વિના સુખ નથી એમ હે દિલ્હીપતિ, નિશે જાણો. જે ધર્મ કરતા નથી તે અમૃત તજી વિષ વાપરે છે. પાપ કરી, કર્મ બાંધી માઠાં ફળ ભોગવે છે. જીવ જન્મ, જરા, મૃત્યુને પામે છે ને યમરાજ