________________
૧૬૨
શ્રાવક કવિ ઋષભદાસકૃત
થયાં. મારે લાયક કાંઈ કામ જણાવો.” ત્યારે હીરે કહ્યું, “જે જજિયાવેરો અને તીર્થસ્થાનમાં મુંડકાવેરો લેવાય છે તે બંધ કરો.” બાદશાહે કહ્યું કે “એ બધા વેરા છોડ્યા. હવે બીજું કાંઈ માગો.” હીરગુરુ કહે છે, “તમે ઘણું આપ્યું. જે તમે કર્યું એવું તો કોઈ કરે નહીં.” ત્યારે બાદશાહ કહે છે “મારે શનિની પનોતી છે તે દૂર કરો. હુમાયુ મર્યો ત્યારે દુકાળ પડ્યો હતો. એવું કરો કે તે (પનોતી) નાશ પામે – દૂર થાય.” ત્યારે વિમલહર્ષ બોલ્યા, “હે બાદશાહ, તમે તો ધર્મી છો. અને હીરગુરુની તમને દુઆ મળી છે તો સમજો કે શનિની પનોતી ગઈ.” પછી હીરગુરુનો હાથ પકડીને બાદશાહ તેમને આઘે લઈ ગયા અને કંઈક વાત કરવા લાગ્યા. તે વખતે ગપી મીઠો ત્યાં જઈ ચડ્યો. મુખથી “નમો નારાયણ' ઊચરે છે ને ચેષ્ટા કરતો જાય છે. પાદશાહે તેને પામરી આપી દૂર કર્યો. પછી હીરગુરુ આશીર્વાદ આપીને ત્યાંથી ચાલ્યા. અકબરશાહ ધર્મમાર્ગે વળ્યા. નવરોજના દિવસો આવ્યા ત્યારે સ્ત્રીઓ પણ બજારમાં જોડાઈ. એક સ્ત્રી વસ્ત્ર વેચતી હતી. બાદશાહે તેને પૂછ્યું, “તારે કોઈ સંતાન નથી ?” ત્યારે સ્ત્રી કહે, “તમે જાણો છો ?” ત્યારે અકબરે તને પાણી મંત્રીને આપ્યું અને કહ્યું કે આ પીને ધર્મનું કામ કરજે. જીવહિંસા કરીશ નહીં, માંસ ખાઈશ નહીં. તો તારે ઘણાં સંતાન થશે.” આમ ધર્મી બાદશાહ પાપનિવારણ કરે છે. પુણ્યોદયે પેલી સ્ત્રીને ચાર પુત્ર થયા. બાદશાહની કીર્તિ ચોમેર ફેલાઈ.
કોઈ આગ્રાનો સોદાગર વેપાર અર્થે પરદેશ ગયો. રસ્તામાં લેણદારો મળ્યા. ત્યારે તેણે માનતા રાખી કે જો માલ બચી જશે તો ચોથો હિસ્સો અકબરશાહને આપીશ. આવો મનમાં વિચાર કર્યો ને તેના એક હજાર રૂપિયા બચી ગયા. બીજી વાર એણે એવો વિચાર કર્યો કે વેપાર સારો થશે તો તેમાંથી ચોથો ભાગ આપીશ. પછી ત્રીજી વાર વેપાર કર્યો ને તેમાંથી બાર હજાર રૂપિયા કમાયો. વેપારીએ દિલ ચોર્યું ને “ચોથ આપી નહીં. ત્યારે અકબરે ગુસ્સે થઈ તેને તેડાવ્યો ને પૂછ્યું કે તે “ચોથ' કેમ આપતો નથી ? ત્યારે તેણે કહ્યું કે “તું જાગતો પીર છે. મને થયું કે મારી મનની વાત કોઈ જાણતું નથી. પણ તમારાથી છાનું કાંઈ જ નથી.” ચોથ આપીને તે ઘેર ગયો.
એક સ્ત્રીએ માનતા રાખી કે જો મને પુત્ર થશે તો હું બે શ્રીફળ ચડાવીશ. તે બાઈને પુત્ર થયો ને તેણે હરખાતાં હરખાતાં એક શ્રીફળ અકબરને ધર્યું. ત્યારે અકબરે કહ્યું કે “બે શ્રીફળ માનેલાં ને એક કેમ આપ્યું ?” આમ બીજું શ્રીફળ માગીને લીધું.
એક શેખ અકબરને મળ્યો ને કહ્યું કે હું માટીમાંથી સાકર બનાવી દઉં. બાદશાહે ઘણી માટી મંગાવી. પેલાએ એની સાકર બનાવી. પણ બાદશાહ છેતરાય એમ ન હતો. એણે સાકર પાણીમાં બોળી ત્યારે માટીનાં દડબાં જ થયાં. એણે શેખનું ધન લૂંટી લીધું.
એક વાણિયાને ઘેર ઘણી લક્ષ્મી. તે લોકોને વ્યાજે આપતો. એક ખત્રીને નાણાં આપેલાં તે ઉઘરાણી કરી. એક દિવસ ખત્રાણી મોટેથી બૂમો પાડવા લાગી કે આ વાણિયો મને વળગ્યો. કલહની વાત અકબર પાસે ગઈ. બાદશાહે પૂછતાં ખત્રી કહે, “વાણિયો ખરાબ છે. એણે એવું ખોટું કામ કર્યું છે જે મારાથી કહ્યું જતું નથી.” ખિજાયેલા બાદશાહે વાણિયાને બોલાવ્યો ને સાચી વાત જણાવવા કહ્યું. વાણિયાએ કહ્યું કે “પેલો જૂઠો છે. નાણાંની ઉઘરાણી કરતાં એની સ્ત્રી મને વળગી. મારી ફજેતી કરી મને કલંકિત કર્યો.