________________
શ્રી હીરવિજયસૂરિરાસ
બાદશાહ કહે છે, “તમે જશો, પછી અમને ધર્મ કોણ સંભળાવશે ? કોઈક સાધુને અહીં મૂકતા જાવ જે અમને શાસ્ત્ર-મર્મ સમજાવે.” ત્યારે હીરસૂરિએ શાંતિચંદ્રને ત્યાં મૂક્યા ને અકબરની રજા લઈ તેમણે વિહાર કર્યો.
૧૬૭
ત્યારે ત્યાં રહેતો જેતો શાહ નામનો ગૃહસ્થ બોધ પામ્યો. તે હીરને કહેવા લાગ્યો, “જો તમે બેચાર માસ રહો તો હું દીક્ષા લઉં” ત્યારે થાનસંગે કહ્યું કે, “જેતા સાંભળ, જ્યાં સુધી બાદશાહનો હુકમ થાય નહીં ત્યાં સુધી તારાથી દીક્ષા લેવાય નહીં.” થાનસિંગ અને માનૂ કલ્યાણે અકબરશાહને જાણ કરીકે જો તમારી આજ્ઞા થાય તો જેતો નાગોરી સાધુ થવા ઇચ્છે છે. અકબરે જેતાને તેડાવ્યો. જેતો નમન કરીને ઊભો ત્યારે પાદશાહે કહ્યું, “શા કારણે તું સાધુ બને છે ? હીરનો માર્ગ દોહ્યલો છે. તારે પત્ની છે કે નહીં ? તને એક ગામ આપું, તું અહીં રહે.” ત્યારે જેતો કહે છે, “મારે પત્ની નથી. મારે પાંચ સગા ભાઈઓ છે તે પોતાનાં સાંસારિક કામો કરે છે. હું તો સંસાર છોડીશ. ગૃહસ્થધર્મમાં અપાર પાપ છે. મરીને દુર્ગતિએ કોણ જાય ? એ કા૨ણે હું સાધુ થઈશ. આ માર્ગ વિકટ છે તો પણ મારે તે સ્વીકારવો રહ્યો. મારે આ દુનિયામાં ધન, ગામનું કામ નથી. સાધુ વિના સતિ નથી. તમારો જો હુકમ થાય તો હું હીરગુરુનો શિષ્ય બનું. પાદશાહે એને મક્કમ જોઈને કહ્યું “તારી ખુશી હો તો તું સાધુ થા.” ત્યારે થાનસંગ વગેરેએ કહ્યું, “હીરસૂરિ આ ગામમાં રહેશે નહીં. તો જેતાને દીક્ષા કોણ આપશે ? તો તમે ગુરુને અહીં રાખો.” અકબર કહે “તમે હીરગુરુની પાસે જઈને કહો કે જ્યાં લાભ હોય ત્યાં તમારે રહેવું જોઈએ. તમારે જેટલા શિષ્યો થશે એટલો તમને ફાયદો છે.”
હીરગુરુને ત્તેપુરમાં રાખ્યા ને અકબરે જેતાને દીક્ષા અપાવી. મહોત્સવ થયો. ત્યાં અનેક ઉમરાવો મળ્યા. જેતકુમાર વનમાં આવ્યા. કોઈ ઊંટ પર, તો કોઈ વૃક્ષ પર ચડી સ્ત્રીપુરુષો આ જોવા આતુર છે. ખીરવૃક્ષ નીચે સહુ મળ્યા. ધ્વજ, ચામર વીંઝાયાં. જેતાએ ઘોડા પરથી ઊતરી કુંડળ, બાજુબંધ આદિ અલંકારો અળગા કર્યા. ત્યારે અકબરશાહ દિલગીર થયો. વાળંદે કેશ ઉતાર્યાં. મોગલો મોંમાં આંગળી નાખી ગયા. જેતાએ સાધુનો વેશ પહેર્યો. હીરગુરુએ દીક્ષા આપી, જીતવિજય એવું દીક્ષાનામ આપ્યું. ત્યારે પાદશાહે કહ્યું, “હે ગચ્છપતિ હીરવિજયસૂરિ, સાંભળો. એક પાદશાહી સાધુ વિજયરાજ ઉપાધ્યાય હતા. આ બીજા પાદશાહી સાધુ થયા.”
વિજયરાજનો પ્રબંધ આ પ્રમાણે :
અમદાવાદનો વાસી, ઓશવંશનો જેઠો શાહ. પત્નીની સાથે જ એ પણ વૈરાગ્ય પામ્યો. ઋદ્ધિ-રમણીનો ત્યાગ કર્યો. તેની સાથે ભાઈ હરખો અને પુત્ર વિજયરાજ પણ સંયમ લેવા તૈયાર થયા. તેઓ વડોદરા આવ્યા. ત્યાંના ખાનખાનાએ જાણ્યું ત્યારે બોલાવીને પૂછ્યું કે “આ સંસાર કેમ છોડો છો ?” ત્યારે જેઠા શાહે કહ્યું, “અમે પતિ-પત્ની બંને વૈરાગી થયાં છીએ. અમારું શાસ્ત્ર એમ કહે છે કે છોડ્યા વિના ભવપાર પમાય નહીં.” ત્યારે ખાન કહે છે, “તમે સંયમ લો, પણ તમારા પુત્રને ન આપો. જ્યારે પાદશાહનો હુકમ થાય ત્યારે એને દીક્ષા આપજો.” ખાને અકબર પાસે જઈને જેઠા શાહની વાત કરી. અકબરશાહે એને તેડાવીને પૂછ્યું, “તમે સાધુ શા માટે થાવ છો ?” જેઠા શાહે કહ્યું, “અમને સંસાર કડવો લાગે છે. ઈશ્વરની વાત મીઠી લાગે