________________
૨૩૨
શ્રાવક કવિ ઋષભદાસકૃત
ચૂંટીને ખાધાં પણ એનાથી અલ્લા મળ્યા નહીં. જગતમાં જૂઠાની ફજેતી થાય છે ને સાચો બધું મેળવે છે. શેખ ફરીદની વાત સાંભળો. જનમ ફોગટ શાને ગુમાવો છો ?
તું કોઈનું તણખલા જેટલું તાણતો નહીં, નહિ તો ભાલા જેવું નીકળશે. જે ખોટે રસ્તે ચાલશે એને અહીં જ તેની શિક્ષા મળશે. પરસ્ત્રી સામે દષ્ટિ શા માટે કરે છે ? ખુદાએ એવું ફરમાવ્યું નથી. એનાથી આ દુનિયામાં ફજેતી થાય અને ત્યાં (પરભવમાં) એની શિક્ષા મળે. ખૂન કરીને પૈસા મેળવો નહીં. કોઈ તમારી સાથે આવવાનું નથી. પણ તમારા હાથે એક બદામ પણ આપવામાં આવી હશે તે ગણતરીમાં લેવાશે. ભાંગ, અફીણ, તાડી, મહુજલ, દારૂ વગેરેનો નશો કરનાર એની આવી કરણીને લઈને સાહેબને મળે નહીં. ખુદાએ માંસભક્ષણની મનાઈ કરી છે. જ્યાં આવાં હાડ-ચામનું ભક્ષણ છે
ત્યાં ખુદા ક્યાંથી હોય. આ તો ભારે અપવિત્રતા છે. છૂરી, કટારી, યંત્ર, ઘાણી, નાળ વગેરે કરવું નહીં. એનું પાપ બેસે ને પોતે નરકમાં જાય. હાસ્ય, કુતૂહલ, ઠઠ્ઠામશ્કરી વગેરે કરે નહીં. ફકીર થાય તે કૂતરાની સામે પથ્થર કદી ન ફેંકે. ફકીર પથ્થર કે હાથ પર માથું મૂકી સૂએ, રોટી માંગતો ફરે, દેહ પર કીમતી વસ્ત્રો પહેરે નહીં, માત્ર એક લંગોટી રાખે, કોઈને ગાળ આપે નહીં, વગર આયે કોઈનું લે નહીં, મિલકત, સ્ત્રી રાખે નહીં, કોઈ લડતું હોય ત્યાં નજર નાખે નહીં. મુસલમાન પોતાને સમજાવે, હકનું ખાય, સાચું બોલે, તોડીને ફૂલ ન લે, કોઈની આબરૂ ખોલે નહીં, સ્ત્રીના રૂપને આંખથી નીરખે નહીં, વિનોદ-મશ્કરીની વાત સાંભળે નહીં. જો આમ કરે તો ખુદા ખુદ દર્શન આપે, એને તું ક્યાં શોધવાનો હતો ? (તારે શોધવાની જરૂર જ નથી). આંખો નીચી રાખીને જુઓ, પગ સીધા માંડો. સીધો ચાલ્યો તે પામ્યો. નહિ તો ગાંઠનું ખાવા જેવું થાય. ઘમંડ છોડો ને સીધા ચાલો. કયાં કશું સ્થિર રહેવાનું છે ? સિકંદર, મહમ્મદનાં નામ રહ્યાં પણ સ્થાન રહ્યાં નથી. સૌનું દિલ હાથમાં લેવું (જીતી લેવું) પણ કોઈને બૂરું કહેવું નહીં. પોતે પોતાનામાં મંડ્યા રહો અને સ્વર્ગમાં સાહેબને મેળવો.”
આ વચનથી સુલતાન હરખ્યો. હીર સાધુનું જ્ઞાન શ્રેષ્ઠ છે. “તમે કાંઈક માગો જે અમે તમને આપીએ.” ગુરુ કહે “જીવરક્ષા કરો.” ત્યારે અમારિ-પડો વગડાવ્યો. સાથે બે મેવડાને મોકલ્યા. કહ્યું, “હીરસૂરિનું રક્ષણ કરજો.” પછી પાદશાહે વિદાય આપી.
હીરસૂરિ રાજનગર (અમદાવાદ)થી વિહાર કરી વિમલાચલ તરફ ચાલ્યા. ધોળકા આવ્યા. ત્યારે સંઘવી ઉદયકરણે એમને રોકી રાખ્યા. તે દરમ્યાન બાઈ સાંગદે, તેજપાલ સોની ખંભાતથી તત્કાલ નીકળ્યા. પાછળ છત્રીસ સેજવાળાને લઈને ધોળકા આવ્યા, જે એમનો પ્રબળ અભિલાષ હતો. તેઓ હીરને વંદન કરી નિર્મળ થયા. ગુરુની સાથે જ શત્રુંજયે ચાલ્યા, જે સોરઠ દેશનો મુગટ છે ને જેને દીઠે દેહ પવિત્ર થાય છે. સોરઠ દેશનો સ્વામી હીરગુરુની સામો આવ્યો. અકબર શાહનાં ફરમાન એને બતાવ્યાં. સોરઠપતિએ ખૂબ માન આપ્યું. સંઘ સાથે ગુરુ શત્રુંજય-પ્રવેશ કરે છે. માનવોનાં તો લાખે લેખાં છે. જમીન પર પટોળાં પથરાય છે, જેના પર હીરગુરુ પાય માંડે છે. ભાટજનો બિરદાવલી બોલે છે. પહોળા રસ્તા પણ સાંકડા થઈ ગયા. વાજિંત્રો વાગે