________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૯૯
વિજયચંદ્ર જે જગચંદ્રસૂરિની પોષાળમાં હંમેશને માટે રહ્યા તે વળતા હસીને સામે કહે છે : “તમે ઉપદેશમાલા ભણ્યા છો કે નહીં ? તેમાં લખ્યું છે કે તીર્થંકર તો ક્યારેક થાય છે. જિનદેવ તો માર્ગ બતાવી મોક્ષમાં પધારે છે પછી આચાર્ય જ શાસન ચલાવે છે. માટે સૌએ ગુરુની ભક્તિ કરવી જોઈએ. અને આચાર્ય જગતમાં સારરૂપ છે.” આ રીતે જ્યારે તે દેવેન્દ્રસૂરિજીની સામે થાય છે ત્યારે તેઓ ત્યાંથી પાછા વળે છે. પછી એક શ્રાવકે ઊતરવા માટે વસતિ આપી ત્યાં તેઓ ઊતર્યા.
શીલવંત પંડિતમાં અગ્રેસર અને ચાર વેદનો નિર્ણય કરનારા છે એમ જાણીને લોકો તેમને વંદન કરવા જાય છે. તે સ્થાનની લોકોમાં લોઢી (લહુડી) પોસાલ' તરીકે પ્રસિદ્ધિ થઈ. તેમની વાણી, જ્ઞાન અને શુદ્ધ આચાર જોઈને હજારો માણસો ત્યાં ભેગા થાય છે. વસ્તુપાલ જેવા મંત્રીશ્વર અઢારસો માણસો સાથે એમને વંદન કરવા જતા. દિનેદિને લોઢી પોસાલનો મહિમા જગતમાં વધતો ગયો, શોભા પણ વધી. અને એ મોટી થઈ. પછી ગુરુમહારાજે ત્યાંથી વિહાર કર્યો, અને પાલણપુર આવ્યા. ત્યાં તેઓ એક સ્થળે ધ્યાનમાં બેઠા. તેમણે વીરધવલને આચાર્યપદ અર્પણ કરી, તેમનું વિદ્યાનંદસૂરિ નામ આપી પાટ ઉપર સ્થાપન કર્યા. કુમકુમવૃષ્ટિ થઈ. સંઘે ત્યાં ઉલ્લાસભેર ઘણો ખર્ચ કર્યો. વિ.સં. ૧૩ર૩ની આ વાત છે. દિવસેદિવસે એમના ગુણ વધવા લાગ્યા.
એમના ભાઈ ભીમસંઘ હતા. તેમને ધમકીર્તિ ઉપાધ્યાય તરીકે સ્થાપિત કર્યા. આમ વિદ્યાનંદસૂરિને પોતાની પાટે સ્થાપીને દેવેન્દ્રસૂરિ માળવા ગયા. ત્યાં તેમનું આયુષ્ય પૂર્ણ થતાં કાળધર્મ પામ્યા. આ બાજુ વિદ્યાનંદસૂરિ પણ વિજાપુરમાં કાળધર્મ પામ્યા. ગુરુ-શિષ્ય બંને તેર દિવસના અંતરે સ્વર્ગે ગયા. પછી છ મહિના સુધી કોઈને આચાર્યપદ આપવામાં આવ્યું નહીં એટલે ગુરુ વિના જ ચાલ્યું.
પછી વિદ્યાનંદસૂરિના સગોત્રી ભાઈ ધર્મકીર્તિ ઉપાધ્યાયને ધર્મઘોષસૂરિ નામ રાખી પાટે સ્થાપ્યા. આમ, દેવેન્દ્રસૂરિ(૪૫), ધર્મઘોષસૂરિ(૪૬), સોમપ્રભ(૪૭), સોમતિલકસૂરિ(૪૮), દેવસૂરિ(૪૯), સોમસુંદરસૂરિ૫૦), મુનિસુંદરસૂરિ(૫૧), રત્નશેખરસૂરિ(પર), લક્ષ્મીસાગરસૂરિ(૫૩), સુમતિસાધુસૂરિ(૫૪) થયા.
સુમતિસાધુએ પોતાની પાટે ઈન્દ્રદિન્નસૂરિ અને કુલમંડણસૂરિ એમ બે આચાર્યોને સ્થાપન કરી વિહાર કર્યો. તે પછી કોઈક કારણે તેમનું દિલ દુભાયું અને તેમણે પોતાની પાટે હેમવિમલસૂરિ(૫૫)ને સ્થાપ્યા ! એમને ગુરુએ સૂરમંત્ર આપ્યો ને કહ્યું કે તે બેને પણ તમે મંત્ર આપજો. પછી સુમતિસાધુએ કહ્યું કે “ગચ્છની ચિંતા હેમવિમલસૂરિ કરશે.' એમ કહીને તેઓ દિવંગત થયા. હેમવિમલસૂરિ ઈડર ગયા. સકલ સંઘને એમણે પોતાની વાત જણાવી. ઈડરના રાજાએ પણ એ વાત જાણી. હેમવિમલસૂરિને મસ્તકે ટીલું કરીને કહ્યું કે “તમે બધામાં મોટા છો. તમે ગચ્છની સારસંભાળ કરજો.” આ આચાર્ય પહેલા થયા જેમણે અન્ય સ્થાનમાં જઈ સૂરિમંત્ર લીધો હોય. ઈડરમાં બધા ભેગા થયા. ખેતરોની ફાળવણી કરી. ત્રણસો ત્રણસો ખેતર એક એકના ભાગમાં આવ્યાં. પછી તેમણે વિહાર કર્યો.
પોરવાડ હેમવિમલસૂરિએ પાપીઓને પણ ચરણે નમાવ્યા. તેઓ હાલણપુરા