________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૩૦૭
એમનું ‘વિજયદાન' એવું નામ પાડવામાં આવ્યું. તેથી દાનહર્ષગણિ ઘણા ખુશ થયા. મારો શિષ્ય ગચ્છપતિ થાય એમાં મારી ઘણી શોભા છે.
દિવસેદિવસે દાનહર્ષ દીપવા લાગ્યા. એમણે કાજીના દાંત પાડ્યા. વાત એમ બની કે દાનહર્ષગણિના દાંતમાં સોનાની રેખ હતી. તે જોઈ દુર્મતિ કાજી ખિજાયો. કહે કે “તમે તો સેવડા - સાધુ છો તો તમારે વળી આવી રેખ શી ? આવો આડંબર શો ?' એમ કહી લોઢી માગી દાંત પાડી નાખ્યા. તે વખતે દાનહર્ષગણિએ થપ્પડ મારીને કાજીના બધા દાંત પાડી નાખ્યા. કાજી ઘણું ફજેત થયો. દાનહર્ષગણિ ત્યાંથી જતા રહ્યા.
દાનહર્ષના શિષ્ય વિજયદાનસૂરિ પછીથી ગચ્છપતિ થયા જેઓ વાદીઓના મુખનું ભંજન કરે છે, તથા ગુરુના બોલને મસ્તક ઉપર ધારણ કરે છે.
એક વાર ગુર આણંદવિમલસૂરિ માંડલીમાં બેઠા હતા. ગોચરીમાં અન્ન, પાણી, ઘી વગેરે ઘણું લાવ્યા. બધા સાધુઓને આપી ગચ્છપતિ આહાર કરે છે. બધા સાધુ આહાર કરી ઊભા થયા. પછી એક બાજોઠ ઊંચો કર્યો તો તેની નીચે પાંચ શેરનો એક મોટો લાડવો નીકળ્યો. ત્યારે આણંદવિમલસૂરિએ કહ્યું કે “જે કોઈ આ લાડુ વાપરી જાય તેને હું કાંબળી, કપડા અને ચોળપટ્ટો આપું.” કોઈ આ માટે તૈયાર થતું નથી ત્યારે દાનહર્ષગણિ આગળ આવ્યા. કહે, “ગુરુનું વચન હેઠું કેમ પડે ? – ફોગટ કેમ જાય ? હું એ લાડુ વાપરી જઈશ.” એમ કહી લાડુ ભાંગી એનો ચૂરો કર્યો ને જેમ પૂરમાં વસ્તુ તણાતી જાય તેમ લાડુ મોઢામાં ઊતરવા લાગ્યો. જ્યારે પાંચ શેરના લાડુમાંથી એક રતિભાર પણ ન રહ્યો ત્યારે આણંદવિમલસૂરિ ઘણા ખુશ થયા. પછી એમને કપડો, કાંબલી, ચોલપટ્ટો આપે છે અને કહે છે કે તને આ શોભતાં નથી, પણ વચન ખાતર આપ્યાં છે. પછી દાનહર્ષગણિ ચોત્રીસભર – ૧૬ ઉપવાસનાં પચ્ચન્માણ કરે છે. દાનહર્ષગણિ આવા બળવાન હતા. વિજયદાનસૂરિ ઉપર આણંદવિમલસૂરિ ભાર મૂકે છે અને તપાગચ્છમાં જયજયકાર થાય છે. સં. ૧૫૮૭માં તેમની પદવી થઈ. શ્રાવક ગલ્લાએ છ મહિના શત્રુંજયને મુક્ત કરાવ્યો ને મહમ્મદ પાસે તેનાં ફરમાન કરાવ્યાં. રામજી ગંધારીએ શત્રુંજય ઉપર ચોમુખજી પધરાવ્યા. સંઘવી કુંવરજીએ પણ શત્રુંજય ઉપર પ્રાસાદ કરાવ્યો. અને તેનો જસવાદ થયો. ડાબી બાજુથી પેસતાં જે પહેલું દહેરું આવે છે તે વિજયદાનસૂરિના શ્રાવક એવા આ કુંવરજીએ કરાવ્યું છે. વિજયદાનસૂરિએ માળવા અને કોંકણમાં વિહાર કર્યો. અને દમણ, ગુર્જર અને સોરઠ દેશમાં પણ ઉપદેશ આપ્યો. નવાનગરના પાસેના ગામમાં લોંકામતના ઘણા રહેતા હતા.
જ્યારે વિજયદાનસૂરિ ત્યાં આવ્યા ત્યારે તેમને તે લોકોએ વ્યંતરના વાસવાળા મકાનમાં ઉતારો આપ્યો. રાત પડી એટલે દેવ પ્રગટ થયો અને અટ્ટહાસ્ય કરવા લાગ્યો. તે કાળું-કાબરચીતરું રૂપ કરે ને ઘડીમાં અદશ્ય થઈ જાય. ત્યારે ધૈર્યવંત વિજયદાન લગીરે ડર્યા વિના નવકારમંત્ર ગણવા લાગ્યા. પછી મધુર વચને તેને બોલાવીને બેસવા કહ્યું. સત્ય-શીલ આદિ ગુણ દેખી તે દેવ તેમને પગે પડ્યો ને કહેવા લાગ્યો કે તમારો ગચ્છ ઋષભદેવના વંશની જેમ વૃદ્ધિ પામશે. આમ કહી દેવ પાછો ફરી ગયો. વિજયદાનસૂરિનો મહિમા ગવાયો. પાંચ વિષયનો ત્યાગ, છઠ-અઠ્ઠમના તપ તેઓ કરે છે. દેવકાપાટણની અમથી નામે શ્રાવિકા ત્યાં આવી હશે તેને મુહપત્તિી આપીને દરિયામાં ડૂબતી બચાવી. પાટણમાં ગુરુ હતા ત્યારે રસ્તા ઉપર માનું પરઠવવાની ના કહી હતી.