________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૯૧
વેળાએ ધનગિરિને સિંહગિરિ કહે છે, “આજે તમને અચિત-સચિત જે મળે તે વહોરજો.” ધનગિરિ પોતાના (સંસારી) ઘેર વહોરવા જાય છે. ખૂબ જ કંટાળેલી માતા ખિજાઈને બોલી, “આ તમારો દીકરો જ તમને વહોરાવું છું. એને દીક્ષા આપી દેજો.” એને ઝોળીમાં લઈને ધનગિરિ ગુરુ આગળ લાવ્યા. (ઝોળીમાં આ બાળકનું ઘણું વજન લાગતાં ગુરુએ એનું વજ' એવું નામ રાખ્યું.) ગુરુએ આ બાળકને શ્રાવિકાને ઘેર ભળાવ્યો. તે મોટો થતાં એણે દીક્ષા લીધી. મોટા થયેલા પુત્રને જોઈને વજસ્વામીની માતા તેને વળગી પડે છે અને કહે છે “આ પુત્ર તમારાથી કેમ લેવાય ? એને તો હું મારે ઘેર લઈ જઈશ. મારે ત્યાં તે અનેક પ્રકારે સંસારસુખ ભોગવશે.”
ગુરુ કહે, “આમ, પુત્ર કાંઈ અપાય નહીં.” પણ મા એનો છેડો મૂકતી નથી. તકરાર કરતાં બન્ને રાજભવન પહોંચ્યાં જ્યાં રાજા બેઠો છે.
ગુરુ કહે છે, “હે રાજા, તમે વિચાર કરો, છોકરો જ્યારે રોગવાળો હતો ત્યારે માતાએ વહોરાવી દીધો. ને પછી રોગમુક્ત થયો ત્યારે એને એ વળગી પડી.” ત્યારે વજસ્વામીની માતા કહે, “બળજબરીથી દીક્ષા કેમ અપાય ?”
રાજાએ કહ્યું. “તમે બન્ને લડો નહીં. વજસ્વામીને અહીં બોલાવો. ખુશ થઈને એ જેની પાસે જાય તે કુમારને લઈ જાય.”
માતા ત્યારે તૈયાર થઈ. તે રમવા માટે રમકડાં, સુખડી, વસ્ત્ર વગેરે લઈને આવી. પણ વજસ્વામી તે લેતા નથી. જ્યારે સિંહગિરિએ ઓઘો બતાવ્યો કે તેમણે તે સત્વરે જઈને લઈ લીધો. એમને જાતિસ્મરણ જ્ઞાન થયું હોવાથી પારણામાં જ અગિયાર અંગ ભણી લીધાં હતાં. આવા આત્માને સંસારમાં રતિ કેમ થાય ? તેઓ સિંહગિરિની પાસે સંયમી થયા. એકવાર ગુરુ મહારાજ અન્ય શિષ્યો સાથે સ્પંડિલભૂમિએ ગયા હતા, ને ઉપાશ્રયમાં એકલા વયરકુમાર જ હતા. સાધુઓની ઉપધિને બરાબર ગોઠવીને (પોતે વચ્ચે બેસી) વાચના આપવા માંડી. ગુરુ આ જોઈને હરખ પામ્યા. એમને થયું કે આ તો સરસ્વતીનો ભંડાર જણાય છે. અનુક્રમે તે ગચ્છનાયક થયા, દશપૂર્વધરના જ્ઞાતા કહેવાયા. એક વાર કાન ઉપર સુંઠનો ગાંગડો વાપરવા રાખેલો પણ તે પ્રમાદથી ભૂલી ગયા (મૃત્યુ નજીક જાણ્ય).
એક વાર દુર્ભિક્ષ કાળ પડ્યો. સહુને આહાર મળવો મુશ્કેલ થઈ પડ્યો. વજસ્વામી શિષ્યોને કહે છે, “મારી પાસે આકર્ષિણી વિદ્યા છે. એનાથી કહો તો આહાર લાવી દઉં. પણ તમારો સંયમ દૂષિત થશે.” તે સાંભળી પાપભીરુ મુનિઓ બોલ્યા કે અમારે એવા આહારનો ખપ નથી. પછી વજસ્વામીએ અને એમની પાછળ બીજા પાંચસોએ અનશન આદર્યું.
તે પછી વજસેન (૧૪) ચૌદમી પાટે થયા. ક્રમશઃ ચંદ્રસૂરિ (૧૫), સામંતભદ્ર (૧૬), વૃદ્ધદેવ (૧૭), પ્રદ્યોતનસૂરિ (૧૮), માનદેવ (૧૯), માનતુંગસૂરિ (૨૦), વીરાચાર્ય (૨૧), જયદેવસૂરિ (૨૨), દેવાનંદ (૨૩), વિક્રમસૂરિ (૨૪), નરસિંહસૂરિ (૨૫), સમુદ્રસૂરિ (૨૬), માનદેવસૂરિ (૨૭), વિબુધસૂરિ (૨૮), જયાનંદસૂરિ (૨૯), રવિપ્રભસૂરિ (૩૦), યશોદેવસૂરિ (૩૧), પ્રદ્યુમ્નસૂરીશ્વર (૩૨), માનદેવસરિ (૩૩), વિમલચંદ્ર (૩૪), ઉદ્યોતનસૂરિ (૩૫), સર્વદેવસૂરિ (૩૬), દેવસૂરિ (૩૭),