________________
૨૧૨
શ્રાવક કવિ ઋષભદાસકૃત
જનાનંદ, સુલોચન વગેરે.
સોને મઢેલો એક બાજોઠ ભાનુચંદ્રને બેસવા આપ્યો. સામે અકબરશાહ રવિવારને દિવસે હાથ જોડીને સૂર્યનાં સહસ્ત્ર નામ સાંભળે છે.
પાદશાહ કાશ્મીર આવીને રહ્યા. ત્યાં પાણીથી ભરેલું ચાલીસ કોશનું તળાવ હતું. ત્યાં બાદશાહે તંબુ તણાવને પડાવ નાખ્યો. ત્યાં રવિવારનો દિવસ આવતાં ભાનુચંદ્ર તેમને સૂર્યનાં સહસ્ત્ર નામ સંભળાવ્યાં. ત્યાં ઠંડી તો એટલી લાગે કે ગાત્રો થીજી જાય. ભાનુચંદ્ર ત્યાં બીમાર પડ્યા. અનેક ઔષધ-ઉપચારથી સ્વસ્થ થયા. ત્યારે એમણે બાદશાહને કહ્યું, ‘તમારી સાથે જે કોઈ માણસો આવ્યા તે તો હાથી, ઘોડા, મુનસબ, ગામ, મિલકત પામ્યા પણ અમે તો તમારી સાથે આવી ગાત્રો થિજાવી દેનારી ટાઢ જ પામ્યા.” ત્યારે બાદશાહ આનંદસહ બોલ્યા કે, “ભાનુચંદ્રજી, તમે માગો તે તમને આપું.” ત્યારે એમણે શત્રુંજયગિરિ માગી લીધો. તરત જ બાદશાહે એનું ફરમાન કર્યું. [શત્રુંજયનો લેવાતો યાત્રાવેરો માફ કરતું ફરમાન પછી ભાનુચંદ્રજીએ પોતાના ગુરુ શ્રી હીરસૂરિને મોકલી આપેલું.]
પછી તે પ્રદેશમાં ઘણું ધન વહેંચી પાછા વળતાં બાદશાહને રસ્તે પીર પંજાબની ઘાંટી આવી. હિમાલયનો એ વિષમ માર્ગ હતો. એનાથી ભાનુચંદ્ર આદિ સાધુઓના પગ ફાટી ગયા. ત્યારે પાદશાહે હાથી, ઘોડા ને પાલખીએ બેસવા કહ્યું. ત્યારે મુનિએ કહ્યું કે એ અમારો આચાર નથી. એટલે પાદશાહે ત્યાં ત્રણ દિવસનો મુકામ કર્યો. પછી જ ત્યાંથી પ્રયાણ કરી લાહોર આવ્યા. ત્યાં ઘણો મહોત્સવ થયો. ભાનુચંદ્ર ઉપાશ્રયે આવ્યા. સ્ત્રીઓ મંગળ-ધવલ ગાવા લાગી. ત્યાં પ્રેરણા કરીને ઉપાશ્રય કરાવ્યો. તેમાં વીસ હજાર રૂપિયા ખર્ચાયા. ભાનુચંદ્ર ત્યારે ત્યાં રહ્યા.
એક વખત શેખ અબુલફઝલને ત્યાં મૂલ નક્ષત્રમાં પુત્રીનો જન્મ થયો. પંડિતોએ કહ્યું કે એને પાણીમાં વહેતી મૂકી દો. ઘરમાં રાખશો તો ઉત્પાત થશે. પછી ભાનુચંદ્રને બોલાવીને પૂછ્યું. તેમણે કહ્યું “હત્યા કરવી નહીં, (આના નિવારણ અર્થે) અષ્ટોત્તરી સ્નાત્રપૂજા ભણાવો.” પાદશાહ ખુશ થયો. તે કહે કે બ્રાહ્મણો ઘણા ગમાર છે. સ્ત્રીહત્યા અને બાળહત્યા તો બ્રહ્મહત્યા અને ગૌહત્યાથી યે મોટું પાપ છે. શાસ્ત્ર આવી બાળહત્યા કરવાનું કદી કહે જ નહીં. બ્રાહ્મણો જૂઠા છે અને આ સાધુ સાચા છે. અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવાનો કરમચંદને હુકમ કર્યો. તે પછી માનસિંગ – શ્રી જિનસિંહસૂરિએ અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવ્યું. પાદશાહ અને શેખજી આવ્યા ને લાખ રૂપિયા ખર્મા. સુપાર્શ્વનાથના આ સ્નાત્ર વેળાએ શ્રાવક-શ્રાવિકાઓએ આયંબિલ કર્યા. જિનશાસનની ઉન્નતિ થઈ. પાદશાહનું (શેખનું) વિઘ્ન દૂર થયું.
તે પુત્રી મોટી થઈ. તે ભાનુચંદ્રને કહેવા લાગી, ‘મને તો મારી નાખવાની હતી, પણ તમે મને જીવતી ઉગારી.” ભાનુચંદ્રની આમ ઉન્નતિ થઈ. ઉમરાવો આદિ તેમનું માનવા લાગ્યા. પાદશાહે શ્રાવકોને તેડીને પૂછ્યું, “ભાનુચંદ્રની હાલ કઈ પદવી છે ?” શ્રાવકોએ કહ્યું “પંન્યાસપદવી.” પછી બાદશાહે હીરસૂરિની પાટે એમને સ્થાપવાનું સૂચન કર્યું. ભાનુચંદ્ર એ માટે ના પાડી કે “હું મુખ્ય નથી.” પાદશાહે સ્નેહપૂર્વક ઉપાધ્યાયપદ માટે કહ્યું.