________________
૨૦૦
- શ્રાવક કવિ ઋષભદાસકૃત
અને ભૈરવ રાગ જો ન જાણ્યો તો સમજવું કે તું આવર્તમાં ભૂલો પડ્યો છે.
ગોડી, માલવ, કૌશકી, કાલહર, પૂર્વી, કેદાર, મધુમાધવી, શ્રી, હુસેની, કામરુ, ઋષભ, મારુ, ધનાશ્રી, ધોરણી, ટોડી, સિંધુ, તુંબિકા, ગંધારી, મલ્હાર, નર્ત, મેઘ, આશાવરી સામેરી, કલ્યાણ, દીપક, ખંભાયતી વયરાડી, ગુડગિરી, પટમંજરી, રામગિરિ, હિંડોલ, દેશાખી, સારંગ, વસંત, કલોલ, પરભાતી, વેલાઉલી, કર્ણાટીય, જયસિરી, ગૂર્જરી ભેરવ વગેરે રાગોનાં નામો કવિ આપે છે.
જેણે ગોડી રાગ આલાપ્યો નહિ, કોઈ પાત્રને દાન આપ્યું નહીં, અને સૂરજકુંડમાં સ્નાન કર્યું નહીં તેનો જન્મ એળે ગયો. ધારનગરનો કેવડો, જૂનાગઢની જાઈ અને ત્રીજો સારંગરાગ આ ત્રણ પુણ્યપ્રસાદે જ મળે. જેમ સીતાના મુખમાં ફરીફરીને રામનું નામ જ હોય એમ જેના હૃદયમાં વસંત રાગ વસી જાય તેને કોઈ કામ ગમે નહીં. શ્રી રાગથી જે રીઝયો નહિ, ખીર-ખાંડથી જે તૃપ્ત થયો નહીં અને જિનવચનથી જે બોધ ન પામ્યો તે દૈવથી દંડાયેલો જ છે. પ્રભાતી રાગ, ગાયનું દૂધ અને અન્ન જે પામ્યો નહીં તેણે ધન મેળવીને શું કર્યું?
સરોવરે પાણી ગઈ હતી, સાથે પુત્ર પણ હતો, પણ ભૂપાલ રાગ સાંભળ્યો (ને એવી તલ્લીન થઈ) કે ભળતો જ પુત્ર પામી. દેશાખ રાગ સાંભળ્યો નહિ, પાન ખાઈ ન જાણ્યાં અને કોઈને જીવતદાન દીધું નહીં એનો જન્મ એળે ગયો. દેશાખ રાગ, ઘરનું ઘી અને કવિમુખે વાણી એ ત્રણે પુણ્યથી જ મળે એમ ઋષભ કહે છે. ભૈરવ રાગ સાંભળે નહીં, ગાંઠે દામ હોય નહીં ને વિદ્યા ભણે નહીં એવા નરે જીવ્યાનું શું કામ ? રળિયામણી રામગિરી રાગિણી સાંભળતાં બાળક, સરોવરમાં હંસ ને વનમાં ચરતાં હરણ રીઝે. કૃપણને દીધેલું ધન, મૂરખને દીધેલી ગોરીનાર, હરણને દીધેલાં લોચન ને વિયોગીને આપેલો વિરાડી રાગ સરખાં જ છે – નિરર્થક છે. જેના મુખમાં વિરાડી રાગ વસે છે તેને અન્ન કેમ ભાવે ? માનસરોવરનો હંસલો તો ફરીફરીને રતનનો જ ચારો ચરે. રાગમાં આશાવરી મીઠી છે, ખેતીમાં (ઉગાડેલાં અનાજમાં) જવાર મીઠી છે, ભોજનમાં સાલિ – ચોખાના ભાત અને દાળ મીઠાં છે જો આ પીરસનારી ઘરની નાર હોય તો. આષાઢી મેઘની જેમ સામેરી રાગ સુકાયેલાંને-કરમાયેલાંને પલ્લવિત કરે છે, ગયેલા સ્નેહને પાછો વાળે છે અને નિષ્ફરનાં મનને ઠારે છે – કૂણાં કરે છે. મેઘમલ્હાર રાગ મનમાં વસ્યો હોય પછી તેને બીજો રાગ ગમે નહીં. જેમ શંકર ફરીફરીને ગળામાં નાગને જ ધારણ કરે છે.
આમ આવા અનેક રાગો વડે (ગાંધ) હીરના ગુણ ગાય છે જે સાંભળીને બ્રહ્મા પણ ડોલી જાય. ઋષભ કહે છે જે ગાથાથી, રાગથી રીઝે નહીં, રંભાના રૂપથી ભેદાય નહીં તે કાં તો યોગી હોય કાં દરિદ્ર. ગરીબને ઘેર લક્ષ્મી, અભિમાનીને ઘેર વિદ્યા, ને યોગીને ઘેર પદ્મિની સ્ત્રી તે કષ્ટ પડ્યાં ઝૂરે છે. કૃપણ દરિદ્રી ખર્ચે પણ નહીં ને ખાય પણ નહીં જેમ જંગલમાં ચરતી ગાયે દૂધ ન પીધું, ન પિવડાવ્યું. કાયરનું શસ્ત્ર, કૃપણનું ધન, કડવા લીમડાનાં ફળ, વાંઝણી સ્ત્રી અને વનનો કૂવો – આ પાંચે ઝૂરી કરે છે. હીરના ગુણ ગાતાં કોઈ કૃપણ બને નહીં. આ સાંભળી ભદુઓ શાહ ઊભો થઈ ગયો. દાતા ઝાલ્યો ન રહે. તેણે કેડેથી કંદોરો જે ચાલીસસો રૂપિયાનો હતો તે કાઢીને હીરગુરુના નામ પર યાચકને આપી દીધો.