________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
જેમ સર્પ દૂર ભાગે છે તેમ તમારાથી દુર્જનો દૂર ભાગશે.” કુંકુમ-પુષ્પયુક્ત ગાય મળે છે. જાણે તે કહી રહી છે, “મારી જેમ આ મુનિવરની પૂજા થશે.” નીરભર્યો ઘડો જોયો. જાણે તે કહી રહ્યો છે, તમારી નિર્મળ કીર્તિ થશે અથવા હું જેમ પૂર્ણ છું તેમ તમે પણ સંપૂર્ણ ઋદ્ધિ પામશો.'
આ રીતે સુંદર મજાનાં ચાર શુકન લઈને હીરગુરુ પરિવાર સહિત સંચર્યા. પહેલો મુકામ ચાંચોલ ગામમાં કર્યો. પછી ત્યાંથી જંબૂસર, ધુઆરણ થઈ નદી ઊતર્યા. નદીનાં વહેતાં નીર જાણે બોલે છે, “આજે હીરગુરુએ અમને પવિત્ર કર્યા.” પછી આગળ ત્યાંથી મહી નહી ઊતરીને વટાદરા ગામે આવ્યા.
ત્યાં ખંભાતથી સંઘ વાંદવા આવ્યો. ત્યાં રાત્રે અધિષ્ઠાયિકા શાસનદેવી આવી. વંદન કરી તેણે હાથમાં કંકુ-મોતી લઈ હરગુરુને વધાવ્યા. પછી તેના મુખમાંથી નીકળતી , આવી વાણી સાંભળી :
| ‘પૂર્વ દિશામાં ગંભીર અકબર, જેમ સતી સ્ત્રી પોતાના પતિને ઈચ્છે તેમ, તમને ખૂબ ઈચ્છે છે. માટે તમે જલદી જાવ જેથી બીજના ચન્દ્રની જેમ તમારી લાજ-શોભા વધે.” આવી વાણી સાંભળીને હરિગુરુ સોજિત્રા, ત્યાંથી માતર, પછી બારેજા અને ત્યાંથી અમદાવાદ આવ્યા. શ્રાવકો બધા સામે આવ્યા. સાહિબખાન પણ આડંબરપૂર્વક હાથી, ઘોડા, રથ, પાલખી વગેરે લઈને સામે આવ્યો. તે હીરગુરને પગે લાગીને કહેવા લાગ્યો કે “અકબર બાદશાહ તમને બોલાવે છે. આર્ય સુહસ્તિસૂરિને જેમ સંપ્રતિ રાજા લઈ ગયા તેમ ખાન હીરગુરુને લઈ જાય છે. સોનું, મોતી અને મણિમાણેક ચરણે ધરે છે. પણ હીરગર તેના ઉપર રાગ કરતા નથી. ખાન કહે છે, હાથી, રથ ને પાલખી લ્યો ! વળી રસ્તામાં ખર્ચા માટે રોકડા હજાર રૂપિયા આપે છે. અને સાથે માણસ મોકલવા તૈયાર થાય છે, ને કહે છે, “આ બધું લઈને દિલ્હીપતિને ભેટો – મળો. અને પહેલાં મેં તમારી બુરાઈ કરી છે તેની સામે જોતા નહીં. અને ભલાઈ કરજો. વારંવાર અમે શું કહીએ ? | મેઘની જેમ ઉપકાર કરજો, ચંદન જેવા થજો. જે કુહાડો તેને કાપીને ઢગલો કરે તેના મુખને પણ તે સુગંધીદાર કરે છે.'
હીરગુરુ કહે છે, “અમે તો ફકીર છીએ. ફકીરને તો ચંદન અને બાણ બન્ને સરખાં. કોઈ ગાળ દે તો તેની સામે ગાળ દે નહીં. કોઈ મારે તો પણ સાધુ તેને ખમે.
ખંધ સૂરિના પાંચસો શિષ્યો ઉલ્લાસથી ઘાણીમાં પિલાયા. ખંધકમુનિની ખાલ ઉતારવામાં આવી. સુકોશલ મુનિને વાઘણે ફાડી ખાધા. મેતારજ મુનિના માથે વાધર વીંટવામાં આવી. દઢપ્રહારીને ગામના બધા માણસો માર મારે છે. ચિલાતી પુત્રના શરીરને ચાલણી જેવું બનાવી દીધું. અર્જુન માલીએ પણ સમતા રાખી. સનતકુમારના શરીરમાં રોગો ઉત્પન્ન થયા છતાં સમતાભાવે સહન કર્યું. ઢઢણમુનિએ છ મહિના ઉપવાસ સમતાપૂર્વક કર્યા. ગજસુકુમાલના માથે અંગારા ભર્યા તોય તેણે ક્રોધ ન કર્યો.
જેવી રીતે આંબાનું વૃક્ષ છાયા અને ફળ આપીને લોકોને સુખી કરે છે એમ સાધુ પણ જગત ઉપર ઉપકાર કરે છે. અમારો પણ એ જ માર્ગ છે.”