________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૮૫
લાટ, ભોટ, વાગડ, ભંભેર, કચ્છ, કર્ણાટક, મારૂ, મેવાડ, જાલંધર, સિંધ, મગધ, કાશી, કોશલ, નેપાલ – આ બધા દેશો ઉપર આધિપત્ય પ્રાપ્ત કર્યું. ચિત્તોડગઢ, પાવાગઢ, જૂનાગઢ, કુંભલમેર-ગઢ આ બધા પોતાના કર્યા. જલથી જવાય અને સ્થલથી જવાય એવાં ગામ, નગરોનો પાર ન હતો.
સોનું, રૂપું, ત્રાંબું, લોહ અને રતન વગેરે સાત ધાતુની ખાણો એની પાસે હોવાથી એની સમૃદ્ધિનો કોઈ પાર ન હતો. એની પાસે ૧૬ હજાર સુખાસન, ૧૫ હજાર પાલખીઓ, ૮ હજાર નગારાં, ૫ હજાર મદનભેરી, ૭ હજાર ધજાઓ, ૫૦૦ બિરદાવલિ બોલનારા, ૩૦૦ વૈદ્યો, ૩૦૦ ગંધર્વો, ૮૪00 કોટવાળો, ૧૬૦૦ સુતાર, ૮૨ મર્દન કરનારા, ૮૨ આભૂષણ પહેરાવનારા, ૩૦૦ શાસ્ત્ર વાંચનારા પંડિતો અને ૩00 વાજિંત્રો વગાડનારા હતા. મોટા ઉમરાનો અને હિંદુ રાજાઓ તેમની સેવા કરતા. ક્ષત્રિય, રજપૂત, મોગલ, હબસી, રોહેલો, ટોમી, ફિરંગી, અંગ્રેજ, હિંદુ, મુલ્લા, કાજી, પઠાણ વગેરે પણ તેની આજ્ઞા માનતા. મલ્લ અને દૂતો પણ એને ઘણા હતા. ૫ હજાર પાડા, ૨૦ હજાર મોટા કૂતરા, અને કૂકડા-પારેવાંનો તો પાર નહીં. પાપી વાધરીઓની સંખ્યા ૨૦ હજાર હતી.
માંસભક્ષી ધર્મ શું જાણે અને સાધુની પણ શરમ શું રાખે ?
એક એક કોશને આંતરે એક એક હજીરો એવા ૧૪૦૦ હજીરા કરાવ્યા હતા. તેના ઉપર હરણનાં શિંગડાં રાખ્યાં હતાં. ૫૦૫ સિંહ હતા. તેની દાઢ પણ રાખવામાં આવી હતી જે બળ ઋદ્ધિ બતાવતી હતી. દશ ગાઉ પર એક ધર્મશાળા બનાવી હતી. અને સાથે એક એક કૂવો પણ કરાવ્યો હતો. તેમાં સુંદર વૃક્ષો રોપ્યાં હતાં. એક વખત છત્રીસ હજાર શેખોનાં ઘરોમાં એક મૃગચર્મ, બે શિંગડાં અને એક સોનામહોર એવું લહાણું દરેક ઘરમાં કર્યું હતું.
અકબરનો પ્રતાપ એટલો બધો ફેલાયો કે એનાથી સૂર્ય ઢંકાઈ ગયો. એટલે ચકવી દુઃખ પામવા લાગી. અને ઘુવડ, અસતી સ્ત્રી અને ચોર આ બધા ખુશ થઈ ગયાં. એનો યશ ચોમેર ફેલાયો. સંગ્રામમાં એની સદા જીત થાય છે. પાપથી કદી એ બીતો નથી. ચિત્તોડ લેતાં એણે જે પાપ કર્યું તે એક જીભથી કહ્યું જાય એવું નથી. એ ગઢને ઘેરો ઘાલીને રહ્યા. તે વખતે યંત્ર દ્વારા માણસોને અંદર નાખે છે. જે મરે તેનાથી તથા હાથી, ઘોડા વગેરેથી ખાઈ ભરે છે. પછી તેના ઉપરથી આગળ જાય છે. અને દરવાજાને ઘણથી મારે છે. ઉપરથી પથ્થર નાખે છે. ઘણા પુરુષોના પ્રાણ જાય છે પણ અકબર પાછો ફરતો નથી. ભરત ચક્રવર્તીની જેમ લડાઈ અટકતી નથી.
ચિત્તોડના રાણાની પાસે દૂત મોકલી અકબરના ઉમરાવ સંદેશો કહેવડાવે છે કે શીદને તમે પૃથ્વીને ખુવાર કરો છો. એના બદલે બાદશાહને દીકરી, હાથી અને ઘોડા આપી દો અને સુલેહ-સંપ કરી લો. રાણાના બે પ્રધાન જયમલ અને પતા બન્નેએ દૂતના બે કાન કાપી નાખ્યા. તેને અપમાનિત કર્યો અને કહેવડાવ્યું કે “તારા બાદશાહની બુદ્ધિ નાસી ગઈ છે જેથી દીકરી અને હાથીઘોડા માગે છે. આમ તો હું મસ્તકનો એક વળ પણ આવું નહિ. દીકરી આપીને જીવવું એ ધિક્કારને પાત્ર છે. અને એનાથી તો હિન્દુનો અવતાર બોળ્યા જેવું થાય.”