________________
મહત્ત્વ વર્ણિત છે. સંસ્તાક ઉપર બેસીને પંડિત મરણ પ્રાપ્ત કરવાવાળા મુનિ મુક્તિ પ્રાપ્ત કરે છે. આ પ્રકારના અનેક મુનિઓનાં દૃષ્ટાંત પ્રસ્તુત પ્રકીર્ણકમાં આપેલાં છે. (૭) ગચ્છાચાર૯ :
ગચ્છાચાર પ્રકીર્ણકમાં ૧૩૭ ગાથાઓ છે. તેમાં ગચ્છ અર્થાત્ સમૂહમાં રહેવાવાળા સાધુ-સાધ્વીઓના આચારનું વર્ણન છે. આ પ્રકીર્ણક મહાનિશીથ, કલ્પ અને વ્યવહાર સૂત્રોના આધારે બનાવેલ છે.
જે ગચ્છમાં દાન, શીલ, તપ અને ભાવના જેવા આ ચાર પ્રકારના ધર્મનું આચરણ કરવાવાળા મુનિ અધિક હોય તે સુગચ્છ છે તેવું બતાવ્યું છે.
(૮) ગણિવિદ્યા :
ગણિવિદ્યામાં ૮૨ ગાથાઓ છે. આ જ્યોતિર્વિદ્યાનો ગ્રંથ છે. તેમાં નવ વિષયોનું વિવેચન છે. (૧) દિવસ, (૨) તિથિ, (૩) નક્ષત્ર, (૪) કરણ, (૫) ગ્રહદિવસ, (૬) મુહૂર્ત, (૭) કુન, (૮) લગ્ન, (૯) નિમિત્ત. અંતમાં ગ્રંથકારે બતાવ્યું છે કે દિવસથી તિથિ બલવાન હોય છે. તિથિથી નક્ષત્ર, નક્ષત્રથી કરણ, કરણથી ગ્રહ દિવસ, ગ્રહ દિવસથી મુહૂર્ત, મુહૂર્તથી શુકન, શુકનથી લગ્ન અને લગ્નથી નિમિત્ત બળવાન હોય છે.
(૯) દેવેન્દ્રસ્તવ
દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકમાં ૩૦૭ ગાથાઓ છે. તેમાં ૩૨ દેવેન્દ્રોનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે.
(૧૦) મરણ સમાધિ :
મરણ સમાધિમાં ૬૬૩ ગાથાઓ છે. આ પ્રકીર્ણક આઠ પ્રાચીન શ્રુતસ્કંધોના આધાર પર નિર્મિત થયેલું છે. તેમાં સમાધિ મરણનું વિવેચન કર્યું છે. સંલેખના બે પ્રકારની હોય છે. બાહ્ય અને આત્યંતર. કાયાને કૃશ કરવી તે બાહ્ય સંલેખના છે. અને કષાયોને કૃશ કરવા તે આત્યંતર સંલેખના છે. અનિત્યાદિ બાર ભાવનાઓનું પણ વિવેચન કરવામાં આવેલ છે.
૨૧