________________
પૂર્વે જણાવ્યું તેમ આ બન્ને વિચારધારા મુખ્યત્વે મોક્ષને જ પ્રધાનતત્ત્વરૂપે સ્વીકારે છે. મોક્ષ એ અંતિમ પરંતુ પ્રધાન પુરુષાર્થ છે. મોક્ષ એટલે એવું સ્થાન જે સ્થાનમાં શાશ્વત સુખ અને પરમ આનંદ છે. અન્ય બધાં જ સ્થાનો અશાશ્વત અને નશ્વર છે. ક્ષણિક છે. ભ્રામક છે. જ્યારે મોક્ષમાં મળતું સુખ વાસ્તવિક છે. માટે પ્રત્યેક મનુષ્ય મોક્ષ મેળવવા માટે પ્રયાસ કરવો જોઈએ. મોક્ષ મેળવવા માટે પ્રત્યેક ધર્મે જુદા જુદા માર્ગો દર્શાવ્યા છે. કોઈકે ભક્તિ, કોઈકે કર્મ તો કોઈકે જ્ઞાનને પ્રાધાન્ય આપ્યું છે. ગીતના અઢાર અધ્યાયમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેયનો સમન્વય કરવામાં આવ્યો છે. જૈન ધર્મે રત્નત્રયનો ઉપદેશ આપ્યો છે. રત્નત્રયી દ્વારા મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણ રત્નત્રયી છે. આ ત્રણેયના સમન્વયથી જ મોક્ષ મળે છે. આ ત્રણેયને રુચિ, સમજ અને આચરણ સાથે સંરખાવી શકાય પણ આ ત્રણેય સમ્યક્ હોવાં જોઈએ. કેમકે શ્રદ્ધા, જ્ઞાન કે આચરણ મિથ્યા પણ સંભવી શકે અને એવાં મિથ્યાને રત્નત્રયીની કોટિમાં મૂકી શકાય નહીં. મિથ્યાજ્ઞાન મોહાત્મક હોય છે અને તે સંસારમાં ભટકાવનારું હોય છે. તેનો અહીં સમાવેશ કરવામાં આવ્યો નથી. અહીં તો જે સમ્યક્-સત્ય-સારાસારના વિવેકયુક્ત હોય તેને જ મુખ્ય માનવામાં આવેલ છે. આમ જે જે દર્શનો ને જેટલાં જેટલાં તંત્ત્વો મોક્ષ પ્રાપ્તિ માટે આવશ્યક જણાયા તેટલાં તત્ત્વોની વિવક્ષા કરી છે. બાકીના તમામ પદાર્થોને માન્ય એવા તત્ત્વોમાં સમાવિષ્ટ કરી દેવામાં આવ્યાં છે. આમ આ તત્ત્વોનું મુખ્ય લક્ષ્ય તો મોક્ષપ્રાપ્તિ જ હતું.
જૈનદર્શનમાં સાત (અથવા નવ) તત્ત્વોને સ્વીકારવામાં આવ્યા છે. સાંખ્યદર્શનમાં ૨૫ તત્ત્વોને માન્ય કરવામાં આવ્યા છે. ન્યાયદર્શનમાં ૧૬ તત્ત્વોનું દાન આવશ્યક માન્યું છે. વૈશેષિક દર્શનમાં સાત તત્ત્વોની વિવક્ષા કરી છે. આમ વિભિન્ન દર્શનોમાં તત્ત્વોની સંખ્યા ભિન્ન ભિન્ન હોવા છતાં તેનો ઉદ્દેશ તો મોક્ષ પ્રાપ્તિ જ જણાવી છે. આમ ભારતીય પરંપરામાં મોક્ષ પુરુષાર્થ અંતિમ અને પ્રધાન પુરુષાર્થ તરીકે માન્ય કરવામાં આવ્યો છે.
મોક્ષપ્રાપ્તિ માટે પદાર્થોનું સમ્યજ્ઞાન જરૂરી છે. આવું જ્ઞાન જૈનધર્મમાં વીતરાગ
૫૦૮