________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૧૨
નિધિ– જે પ્રમાણે નિધિ (=નિધાન) વિના મહાકિંમતી મણિ-મોતીસુવર્ણ વગેરે દ્રવ્યો પ્રાપ્ત થતાં નથી, તે પ્રમાણે સમ્યક્ત્વ રૂપ નિધિ વિના વિરતિધર્મ પ્રાપ્ત ન થાય.
સમ્યક્ત્વ ગ્રંથિનો ભેદ થયે છતે થાય છે, અન્યથા નહિ. કર્મગ્રંથિનું (=કર્મની ગાંઠનું) વર્ણન હવે પછી (૩૧-૩૨ ગાથાઓમાં) ક૨વામાં આવશે. સમ્યક્ત્વના ત્રણ પ્રકાર- સમ્યક્ત્વના ક્ષાયોપશમિક, ઔપશમિક અને ક્ષાયિક એમ ત્રણ પ્રકાર છે.
ક્ષાયોપશમિક– કર્મના ક્ષયથી અને ઉપશમથી પ્રગટતું સમ્યક્ત્વ ક્ષાયોપશમિક કહેવાય. પ્રસ્તુતમાં ક્ષાયોપશમિક સમ્યક્ત્વ હોય ત્યારે અનંતાનુબંધી કષાયના ૨સોદયનો સર્વથા અભાવ હોય છે, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયના ઉદયનો સર્વથા અભાવ હોય છે. સમ્યક્ત્વ મોહનીય કર્મનો ઉદય હોય છે. અહીં અનંતાનુબંધી કષાય આદિના રસના ઉદયનો અભાવરૂપ ઉપશમ છે, અને સમ્યક્ત્વ મોહનીયનો ભોગવીને ક્ષય થાય છે.
આમ આ સમ્યક્ત્વ ઉપશમ અને ક્ષય એ બંનેથી યુક્ત હોવાથી ક્ષાયોપશમિક છે.
ક્ષાયિક— અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય એ સાતે ય કર્મોનો સત્તામાંથી પણ ક્ષય થતાં ક્ષાયિક સમકિત પ્રગટે છે.
ઔપમિક– અનંતાનુબંધી ચાર કષાય અને ત્રણ દર્શનમોહનીય એ દર્શન સપ્તકનો ઉપશમ (=ઉદયનો સર્વથા અભાવ) થતાં ઉપશમ સમ્યક્ત્વ ગુણ પ્રગટે છે. આ સમ્યક્ત્વ વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. અથવા સમ્યક્ત્વના કારક, રોચક અને દીપક એમ ત્રણ પ્રકાર છે. કારક– સમ્યક્ત્વ પ્રગટ થયા પછી જે જીવ જિનાજ્ઞા મુજબ ક્રિયાઅનુષ્ઠાન કરનારો બને તે જીવનું કારક સમ્યક્ત્વ છે.
(અથવા જિનાજ્ઞા પ્રમાણે કરાતી શુદ્ધ ક્રિયા કારક સમ્યક્ત્વ છે. આ ક્રિયા જોવાથી અન્ય જીવોમાં સમ્યક્ત્વ પ્રગટવાનો સંભવ હોવાથી બીજાના સમ્યક્ત્વમાં કારણ બનતી ધર્મક્રિયા પણ ઉપચારથી સમ્યક્ત્વ કહેવાય.)