________________
કુમારપાળની મારા પ્રત્યેની આ સ્નેહભાવનાનો મને બીજા પ્રસંગોએ પણ સુખદ અનુભવ થયો છે અને હજી થતો જ રહ્યો છે.
એક પ્રસંગે વ્યાખ્યાન નિમિત્તે મારે મુંબઈ જવાનું હતું. મારી સાથે જ ટ્રેનમાં કુમારપાળ હતા. કદાચ બીજા મિત્ર રમેશ ભટ્ટ પણ હતા. હું અને કુમારપાળ ઉપરની બર્થમાં હતા. જરાક ઠંડી હતી. મારી પાસે ઓઢવાનું પૂરતું નહોતું. કુમારપાળે તરત પોતાનો ચોરસો મને આપવા માંડ્યો. મેં ના પાડી દીધી એટલે એણે જીદપૂર્વક કહ્યું કે તમે જો આ ચોરસો નહિ ઓઢો તો મને ઊંઘ નહિ આવે. આવા પ્રેમાળ મિત્ર-વિદ્યાર્થી ક્યાં મળે ? કેટલા મળે ?
આવો જ એક બીજો પ્રસંગ મારા પ્રત્યે પ્રેમાદરનો સ્મરણમાં આવે છે. ગુજરાત સાહિત્ય સભાની કારોબારીની બેઠકમાં રણજિતરામ સુવર્ણચંદ્રક માટે પસંદગી કરનારા નિર્ણાયકોએ મારું નામ એ ચંદ્રક માટે જાહેર કર્યું. ભોળાભાઈ પટેલે ખુશાલી વ્યક્ત કરતાં કહ્યું : ‘મધુભાઈ, હવે બધાને ચા પિવડાવો.' એકદમ કુમારપાળ અને વિનોદ ભટ્ટ ઊભા થઈ ગયા. બંને સન્મિત્રો કહે : ચા નહિ, અમે સાહેબ વતી બધાને આઇસક્રીમ ખવડાવીશું.’ કુમારપાળ અને વિનોદ ભટ્ટ વચ્ચે મીઠી સ્પર્ધા થઈ. એ પ્રસંગ પણ મને મિત્રોની બાબતમાં – યુવામિત્રોની બાબતમાં મારું કેવું સદ્ભાગ્ય છે તેની સુખદ પ્રતીતિ કરાવે છે.
કુમારપાળની સજ્જનતાનો, પરોપકારવૃત્તિનો કેટકેટલા માણસોને અનુભવ થયો હશે ! મને તો એમનો કદી ન ભૂલી શકાય એવો સ્નેહ સાંપડ્યો છે.
રણજિતરામ સુવર્ણચંદ્રક મને એનાયત થયો તે પ્રસંગે કુમારપાળે મારી અને મારા પિતાની સાહિત્યપ્રવૃત્તિઓની તો અત્યંત પ્રશંસા કરી જ, પણ એટલાથીય સંતોષ નહિ માનીને જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ તરફથી કુમારપાળે શાલ ઓઢાડીને મારું સન્માન કરી એમનો વર્ષો જૂનો સ્નેહાદર હજી કેવો તાજો જ છે તેનો સુખદ અનુભવ કરાવ્યો. હું કૉલેજમાંથી નિવૃત્ત થયો ત્યારે કુમારપાળ, ચંદ્રકાન્ત મહેતા આદિ મારા નિષ્ઠાવાન મિત્રોએ મારું બહુમાન કરવાનુંય આયોજન વિચાર્યું હતું, પણ મારી એ બાબત લાપરવાઈ અને કંઈક અણગમો હોવાને કા૨ણે એ વાત પડતી મુકાઈ હતી. કુમારપાળની બહુવિધ સાંસ્કૃતિક, સાહિત્યિક, સામાજિક પ્રવૃત્તિમાં એમનો હવે વિશેષ રસ ધર્મચિંતન અંગે વરતાય છે. એમના પિતાની ધર્મભાવના એમનામાં એવી આત્મસાત્ થઈ છે કે એમાંથી એ હવે છૂટી શકે તેમ નથી. એ નિમિત્તે વિવિધ ધર્મોનું – સવિશેષ તો જૈન ધર્મનાં તત્ત્વોનું, તેના ઇતિહાસનું વધુ ને વધુ પરિશીલન ક૨વામાં તે વ્યસ્ત રહેતા લાગે છે અને એ નિમિત્તે તે પ્રવાસી પંખી બની રહ્યા છે. એમને માટે યોગ્ય શબ્દ શ્લેષ યોજીને કહું તો એ ‘સદાબહાર’ છે.
વિવિધ પ્રવૃત્તિઓમાં એમનો ઘણો સમય વ્યતીત થતો હોવાથી સાહિત્યપ્રવૃત્તિમાં તે આરંભે થોડા ઉદાસીન રહ્યા હોય તેવું લાગે. પણ એમનો સાહિત્યકારનો આત્મા મૌન કેટલો
18
ગુજરાતની અસ્મિતા