Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
આમ કવિ ઉપર્યુક્ત સંસ્કૃત મહાકવિઓનું તેમ જ પોતાની પૂર્વેના જૈન ગુજરાતી કવિઓનું નામસ્મરણ કરી તેમની સમક્ષ નમ્રપણે પોતાની લઘુતા દર્શાવી પોતાનો ભક્તિભાવ પ્રદર્શિત કર્યો છે. તેમ જ “ભરતબાહુબલી રાસ'માં કવિએ “વિબુધ કવિના નામથી, હુઓ મુજ અતિ આનંદ.” એ પંક્તિ દ્વારા કવિ થવામાં પોતે આનંદ પણ અનુભવે છે, તેવો ભાવ પણ વ્યક્ત કર્યો છે.
કવિ ઋષભદાસના સમગ્ર જીવનનો પરિચય જોતાં લાગે છે કે તેઓ સોળમી/સત્તરમી સદીના એક સમર્થ જૈન શ્રાવક કવિ હતા. કવિના પૂર્વજે મૂળ વીસનગરના વતની હતા. તેમના પિતા વ્યાપાર અર્થે ખંભાતમાં આવ્યા અને સ્થિર થયા. તેઓ વીસા પોરવાડ જૈન વણિક હતા. તેમના દાદા મહીરાજ જૈનધર્મ પ્રત્યે ઘણી રુચિ ધરાવનાર સમકિત બાર વ્રતધારી શ્રાવક હતા. કવિના પિતા સાંગણ પણ એમના પિતા મહારાજ જેવા ગુણવાન અને ધાર્મિક હતા. તેઓ પણ પિતાની જેમ સંઘવી તરીકે ઓળખાતા હતા. તેમણે સંઘ કાઢી સંઘપતિ બની અનેક તીર્થસ્થાનોની યાત્રા કરી અને કરાવી હતી.
આમ કવિ ઋષભદાસને ધર્મના સંસ્કારો ગળથુથીમાં જ પ્રાપ્ત થયા હોવાથી તેમનામાં ધાર્મિકવૃત્તિ તો હતી, એમાં બાલ્યાવસ્થાથી જ કવિને ઉત્તમોત્તમ જગદ્ગુરુનું સાંનિધ્ય પ્રાપ્ત થયું હતું, કે જે તેમના ધાર્મિક સંસ્કારોના સીંચનમાં વિશેષ મહત્ત્વનું રહ્યું હતું. રોજિંદા જીવનમાં પણ તેમણે ધાર્મિક ક્રિયાઓને વિશેષ પ્રાધાન્ય આપ્યું હતું. ‘હીરવિજયસૂરિ રાસ'માં તેમણે પોતાની રોજનીશીનું વર્ણન કર્યું છે. સાધુ-સંતોના સમાગમથી શાસ્ત્રના જાણકાર થયા હતા અને સરસ્વતીદેવીની કૃપા મેળવી કવિ બન્યા હતા. કવિએ હીરવિજયસૂરિના પટ્ટધર વિજયસેનસૂરિ, વિજયતિલકસૂરિ તેમ જ વિજયાનંદસૂરિશ્વરને પોતાના ધર્મગુરુ તરીકે સ્વીકારી તેમની નિશ્રામાં સાહિત્યનું સર્જન કર્યું હતું.
કવિએ લગભગ દરેક કૃતિમાં સિદ્ધસેન દિવાકર, હેમચંદ્રાચાર્ય, હર્ષ, માઘ, કાલિદાસ જેવા જૈન અને જૈનેતર કવિઓનો ઉલ્લેખ કરી, તેઓની પાસે પોતે વામણાં છે તેવો ભાવ પ્રદર્શિત કર્યો છે, કે જે તેમની નમ્રતા, વિનય, વિવેક સૂચવે છે.
વિવિધ પ્રકારનું જૈનસાહિત્યનું સર્જન કરી વિશિષ્ટ સાહિત્યની સમાજને ભેટ આપનાર કવિ શ્રી ઋષભદાસ એક ઉત્તમ કવિ રત્ન સમાન છે. જેમણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અજરામર થઈ ગૌરવનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેના વડે મધ્યકાલીન જૈનસાહિત્ય ગૌરવાન્વિત થયેલ છે. તેવા ગૃહસ્થ કવિ શ્રી ઋષભદાસને સાદર વંદન....