Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
संकलपात् कृत कारित मननाद्योगत्रयस्य चरसत्त्वान् ।
न हिनस्ति यत्तदाहुः स्थूलवधाद्विरमणं निपुणाः ।। ५३ ।। અર્થાત્ : મનવચન કાયના કૃત કારિત અનુમોદના રૂપ સંકલ્પ વડે દ્વિન્દ્રિયાદિક ત્રસ પ્રાણીઓનો જે ગૃહસ્થ ઘાત-વધ ન કરે તેને નિપુણ ગણધરદેવ સ્થૂલ હિંસાથી વિરક્ત કહે છે.
હિંસાના બે પ્રકાર છે : સંકલ્પી અને આરંભી હિંસા. તેમાંથી શ્રાવક સંકલ્પી હિંસાના પચ્ચકખાણ બે કરણ અને ત્રણ યોગથી કરે છે. શ્રાવક સ્થાવર જીવોની હિંસા, આરંભી હિંસા અને અપરાધી જીવોની હિંસાનો ત્યાગ કરતાં નથી. શ્રાવકને ત્રસ જીવોની હિંસાના ત્યાગમાં સંકલ્પી હિંસા, નિરપરાધી અને નિરપેક્ષ જીવોની હિંસાનો જ ત્યાગ હોય છે. તેમ જ પૃથ્વી આદિ સ્થાવર જીવોની જતના કરવી.
શ્રાવકોના શૂલપ્રાણાતિપાત વિરમણ વ્રતમાં શ્રાવકોનો ત્યાગ સાધુની અપેક્ષાએ અત્યંત અલ્પ હોય છે. પરંપરાનુસાર સાધુની દયા વીસ વસાની હોય છે, જ્યારે શ્રાવકોની દયા ફક્ત સવા વસાની જ હોય છે. શ્રાવકો પોતાની ઈચ્છા, અનુકૂળતા અને ક્ષમતાનો વિચાર કરી વ્રતનો સ્વીકાર કરે છે. “શ્રી ભગવતી સૂત્ર' ૮/પમાં તેમ જ “શ્રી આવશ્યક સૂત્ર'ના વ્યાખ્યા ગ્રંથોમાં શ્રાવક વ્રત ગ્રહણ કરવાના ૪૯ ભંગ કહ્યા છે.
પાપકારી પ્રવૃત્તિ ત્રણ કરણ અને ત્રણ યોગથી થાય છે. કરણ ત્રણ છે-કરવું, કરાવવું અને અનુમોદના આપવી. યોગ ત્રણ છે. મન, વચન અને કાયા. તેનો પરસ્પર સંયોગ થતાં શ્રાવક વ્રતના ભાંગા વ્રત ગ્રહણની અપેક્ષાએ અલગ અલગ થાય છે. જેનો વિસ્તાર “ધર્મ સંગ્રહમાં દર્શાવ્યો છે. સૌથી મોટો આંકડો સત્તાવીસ અંકોનો છે.
| ‘નિગ્રંથ પ્રવચનમાં શ્રી જૈન દિવાકર પંડિતમુનિ શ્રી ચૌથમલજી મહારાજે નિરર્થક હિંસાથી બચવા શ્રાવકનું કર્તવ્ય કેવું હોય તે સમજાવતાં કહે છે કે,
શ્રાવક નિરર્થક હિંસાથી બચવા માટે સંપૂર્ણ સાવધાન રહે છે. તે સંસારનું દરેક કાર્ય એ રીતે કરે છે કે, જેનાથી વધારેમાં વધારે હિંસાથી બચી શકે, દા.ત. સાચો શ્રાવક રાત્રે ભોજન બનાવતો નથી, રાત્રિભોજન કરતો નથી, ધારવાળા સાવરણાથી જમીન સાફ કરતો નથી, કારણ કે એ પ્રમાણે કરવાથી ત્રસ જીવોની હિંસા થવાની શક્યતા રહે છે.
એ જ રીતે મળ-મૂત્ર વગેરે અશુચિ પદાર્થો દ્વારા સંડાસમાં શૌચક્રિયા કરવી પણ યોગ્ય નથી. કારણ કે એનાથી અસંખ્ય સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિ થાય છે.
માંકડ વગેરે જીવોને મારવા માટે કપડાં, પાટ, પાટલા, પલંગ વગેરેને ગરમ પાણીમાં નાખવા કે બીજી રીતે એમની નિર્દયતાથી હિંસા કરવી એ પણ શ્રાવકનું યોગ્ય કર્તવ્ય નથી.
ચૂલા, ઘંટી, વસ્ત્ર, વાસણ વગેરે ઘરવખરી જોયા વિના ઉપયોગમાં લેવાથી ત્રસ જીવોની હિંસા થાય છે. માટે સારી રીતે જોઈને દરેક વસ્તુ ઉપયોગમાં લેવી.
રસોડામાં, પાણિયારા, ભોજનગૃહ, કોઠાર વગેરે જગ્યા પર ચંદરવા બાંધવાથી જીવહિંસાથી બચી શકાય. દૂધ, દહીં, ઘી, તેલ, છાશ વગેરેનાં વાસણો ખુલ્લા રાખવા નહિ.