Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
જૈન ધર્મ સ્પષ્ટપણે માને છે કે અને આ સર્વ સ્વીકૃત વાસ્તવિકતા છે કે પર્યાવરણની સુરક્ષા, પર્યાવરણની કાળજી, પર્યાવરણની વૃદ્ધિ આ બધાનો આધાર માણસના વલણ ઉપર રહે છે. માણસનું વલણ જો અહિંસક અને સહકારભર્યું બને અને પોતાના સિવાય અન્યનો વિચાર કરે તો જ પર્યાવરણ સમૃદ્ધ બનશે. પ્રદૂષણ નિયંત્રિત બનશે. આમ સમભાવ, દયાભાવ પર્યાવરણ શુદ્ધિ માટે મહત્ત્વનો છે. મૈત્રીથી મૈત્રી, અભયથી અભય અને અહિંસાથી અહિંસાની ઉત્પત્તિ થાય છે. અને એના વિકાસથી શસ્ત્ર અનાવશ્યક બની જાય છે. અણુશક્તિના આ યુગમાં અહિંસાનો અભિગમ અપનાવવો એ જ સુખી થવાનનો રાજમાર્ગ છે કે જે અહિંસા અણુવ્રત તેમ જ સામાયિક વ્રતથી સાધી શકાય.
ભગવાન મહાવીર એક મહાવ્રતી, પૂર્ણ અહિંસક મહાપુરુષ હતા, પણ એમણે આમ માનવી માટે અણુવ્રતોના રૂપમાં આમ અલ્પારંભનો સચોટ ઉપાય દર્શાવ્યો છે. અલ્પ આરંભનું બીજું નામ અલ્પ પરિગ્રહ વ્રત. તેવી જ રીતે ઉપભોગ-પરિભોગ વ્રતની સીમાથી ઉપભોક્તાવાદને અંકુશમાં લાવી શકાય છે. વળી અનર્થદંડ વિરમણ વ્રતથી અનર્થ હિંસાથી બચી શકાય છે. કે જેનાથી પર્યાવરણની રક્ષા થાય આમ જોવા જઈએ તો ‘બાર વત’ પર્યાવરણના રક્ષક જ છે. મહાન વિભૂતિઓની વ્રત વિષયક વિચારણા
અર્વાચીન સમયના યુગપુરુષ મહાત્મા ગાંધીજી, સર્વધર્મ સમભાવના પ્રણેતા મુનિશ્રી સંતબાલજી અને આચાર્ય શ્રી તુલસીએ વિશ્વમાં શાંતિ, પ્રેમ, મૈત્રી વગેરે સદ્ભાવનાના વિકાસ માટે અણુવ્રતોનું સૂચન ક્યું છે, જે નીચે પ્રમાણે છે.
યુગપુરુષ મહાત્મા ગાંધીજીએ પણ માનવીના ઉત્કર્ષ માટે અગિયાર મહાવ્રત બતાવ્યાં છે. ૧) સત્ય, ૨) અહિંસા, ૩) ચોરી ન કરવી, ૪) વણજોતું નવ સંઘરવું, ૫) બ્રહ્મચર્ય, ૬) જાત મહેનત, ૭) કોઈ અડે ન અભડાવું, ૮) અભય, ૯) સ્વદેશી, ૧૦) સ્વાદ ન કરવો અને, ૧૧) સર્વધર્મી સરખા ગણવા. આ અગિયાર વ્રત સમજી નમ્રપણે આચરવા.
સર્વધર્મ સમભાવના પ્રણેતા મુનિશ્રી સંતબાલજીએ પણ ઉત્તમ નીતિ નિયમો વિશ્વના કલ્યાણ માટે દર્શાવ્યા છે. જેમ કે ૧) બ્રહ્મચર્ય, ૨) સત્ય શ્રદ્ધા, ૩) સર્વધર્મ ઉપાસના, ૪) માલિકી હક્ક મર્યાદા, ૫) વ્યવસાય મર્યાદા, ૬) ન નિંદાશ્લાઘના, ૭) વિભૂષા જય, ૮) વ્યસન જય, ૯) ખાન-પાન-શયન વિવેક, ૧૦) ક્ષમાપના, ૧૧) વ્યાજ ત્યાગ, ૧૨) રાત્રિભોજન ત્યાગ. વિશ્વવાત્સલ્ય માટે આ બાર વ્રત છે.
આ વ્રત અનુસાર આપણે સૌ જીવન જીવીએ અને અન્યને પણ સન્માર્ગે લાવવાની પ્રેરણા આપીએ, એમનો પ્રધાન ઉદેશ હતો.
આજના યુગના સંદર્ભમાં આચાર્ય તુલસીએ ભગવાન મહાવીરે સૂચવેલાં બાર વ્રતનું સામાજિક સ્વરૂપ આપી અણુવ્રતો રજૂ કર્યા. આ અણુવ્રતોમાં સામ્પ્રદાયિકતાને બદલે નૈતિકતાને પ્રમુખ સ્થાન આપ્યું છે. “અણુવ્રત’ (નૈતિક વિકાસની આચારસંહિતા) નામના પુસ્તકમાં ‘વ્રત'નું સ્વરૂપ સમજાવતાં કહે છે કે “અણુરપિ વ્રતસ્વૈષ ત્રાયતેમeતો ભયા” અર્થાત્ સંયમનું અણુમાત્ર પાલન મહાન ભયથી સંરક્ષણ.