Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
કુબેરદત્તા ઢાલ-૨૦ કબીરદર્તિ રે ભગનિ વરી, કીધો માય સૂ ભોગો રે /
કર્મ વસિં વલી જો હવો, દશરથ રામ વીયોગો રે // ૧ // કર્મની ગતિ અગમ્ય છે! વિચિત્ર છે! કુબેરદત્ત અને કુબેરદત્તાના એક જ જન્મમાં અઢાર સગપણો થયા હતા જેનું વર્ણન વૈરાગ્ય શતક'માં આપેલ કુબેરદત્તા દષ્ટાંત કથાનકમાં જોવા મળે છે. ઉપરોક્ત કડીમાં કવિએ આ જ ભાવને દર્શાવ્યો છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
મથુરા નગરીમાં કુબેરસના કરીને એક સુંદર યુવાન ગણિકા રહેતી હતી. તેને એક સમયે બે બાળક/જોડલું અવતર્યું. એક પુત્ર અને એક પુત્રી. બન્ને બાળકોને એક કપડામાં વીંટી, તેમના નામની (કુબેરદત્તા, કુબેરદત્ત) વીંટી પહેરાવી પેટીમાં પૂરી, પેટી યમુના નદીમાં વહેતી મૂકી દીધી. પેટી તણાતી તણાતી શૌરપુરી નગરીના કાંઠે આવી. બે શેઠિયા નદી પર નહાતા હતા, તેમની નજરે પેટી પડવાથી તેને નદી બહાર કાઢી અને ઉઘાડીને જોયું તો અંદર જીવતાં બાળક દેખાયા, તેથી એકે પુત્ર લીધો અને બીજાએ પુત્રી લીધી.
બન્ને વયસ્ક થયાં પણ એક બીજાને ઓળખતાં નથી, માબાપે લગ્ન લીધાં અને કર્મ સંજોગે ભાઈબહેન પતિ-પત્ની બન્યાં.
એક વાર બન્ને સોગઠાબાજી રમતાં હતાં, ત્યાં કુબેરદત્તની વીંટી ઉછળીને કુબેરદત્તાના ખોળામાં પડી. કુબેરદત્તા વીંટી જોઈ વિચારમાં પડી. બન્નેની વીંટી એક જેવી જ છે. બરાબર ધારીને જોઈએ તો અમારાં બન્નેનાં રૂપ અને આકૃતિ બધું જ સરખું લાગે છે. શું અમે બન્ને ભાઈ-બહેન તો નહિ હોઈએ! બન્નેએ પોતાનાં માબાપને પૂછ્યું, ત્યારે ખુલાસો થયો. તેમણે કહ્યું, “તમે બન્ને એક પેટીમાંથી નીકળ્યાં હતાં.”
કુબેરદત્તા સમજી ગઈ કે આ મારો સગો ભાઈ છે. ભાઈ સાથે લગ્ન કર્યાં એ ઠીક ન કર્યું. ખૂબ પશ્ચાત્તાપ થયો અને વૈરાગ્યે થયો. પરિણામે પાપો ધોવા માટે કુબેરદત્તા દીક્ષા લઈ સાધ્વી બની.
કુબેરદત્ત પણ ઘર છોડી પરદેશ ગયો. ભાગ્યયોગે ફરતાં ફરતાં તે મથુરા નગરીમાં જ આવી ચઢ્યો અને કુબેરસેના વેશ્યાને ત્યાં રહ્યો. કુબેરસેના તેની સગી મા હતી, પરંતુ કુબેરદત્ત તે જાણતો ન હતો. અજાણતાં સગી મા સાથે પણ ભોગ ભોગવ્યા. સાચે જ કર્મની ગતિ ન્યારી છે. સગા માદીકરાએ ભોગવિલાસ કર્યો અને કુબેરસેનાએ એક બાળકને જન્મ આપ્યો. આ વાતની કુબેરદત્તા સાધ્વીને ખબર પડી ત્યારે તેમણે બન્નેને પ્રતિબોધ્યા. અંતમાં બન્નેએ દીક્ષા લીધી.
: સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરા – પ્રકાશક - હરજીવનદાસ વાડીલાલ શાહ........
...... પૃ. ૯૩ વૈરાગ્ય શતક-૧ - ૫. મુનિ શ્રી વિનયચંદ્રજી મહારાજ..........
....... પૃ. ૧૫૮