Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
દુબઈ કે અમેરિકા કોઈ બાકાત નથી.
આજે વિશ્વમાં અનેક રીતે અસંતુલનતા આવી રહી છે. એનું એક કારણ પૃથ્વીનું વધારે પડતું દોહન છે, તો યુદ્ધ અને પર્યાવરણ પણ મુખ્ય છે. આજે ઉપભોગવાદના કારણે માનવી વધુને વધુ મેળવવા માટે પૃથ્વીનું દોહન કરી રહ્યો છે. પેટ્રોલ, કોલસો, ખનિજ પદાર્થ મેળવવા માટે વધુ દોહનથી પૃથ્વીના ભંડાર જ ખાલી નથી થઈ જતાં પરંતુ પ્રકૃતિમાં પણ અસંતુલનતા આવી રહી છે. તેવી જ રીતે પાણીનો વધુ વપરાશ જળભંડાર જ ખાલી નથી કરતાં પરંતુ પ્રકૃતિના સંતુલન પણ અવ્યવસ્થિત કરે છે. અણુ વપરાશથી આજે ઉર્જાશક્તિનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે પૃથ્વીનું તાપમાન અતિશય વધી ગયું છે. સતત ગરમ તાપમાનને કારણે ધ્રુવ ઉપર બરફ પણ ઓગળી રહ્યો છે. કે જેથી નીચાણવાળાં બંદરોને પાણીમાં ડૂબી જવાનો ભય ઊભો થયો છે.
નવી નવી ટેક્નૉલૉજીના વધુ ઉપયોગને પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ સહિતના ઝેરી ગૅસોનું પ્રમાણ વધી રહ્યું છે. સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરતા ઓઝોનના પડમાં પણ ગાબડું પડ્યું છે. આમ ગ્રીન હાઉસ વાયુઓ વાતાવરણને વધારે ગરમ બનાવશે.
ભારતની જ વાત કરીએ તો પુણેની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મિટિયરોલૉજીએ દેશના હવામાન વિશે હાથ ધરેલો અભ્યાસ સ્ફોટક પરિણામ દર્શાવે છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે આવતાં ૪૦ વર્ષમાં ભારતનું તાપમાન અત્યારના સ્તર કરતાં લગભગ ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલું વધવાની શક્યતા છે. એટલું જ નહિ, વરસાદ પણ અનિશ્ચિત બની જશે એ વધારેમાં. ચોમાસાનો સમયગાળો નાનો થતો જશે, પણ એની તીવ્રતા વધુ હશે, કોઈક વર્ષે ભારે વરસાદ પડશે, તો કોઈક વર્ષે ખૂબ ઓછો. જેની સીધી અસર ખેતીના ઉત્પાદન ઉપર પડશે.
આમ અનેક પ્રકારનાં પ્રદૂષણથી પર્યાવરણનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. ત્યારે જૈનદર્શનના સિદ્ધાંત અત્યંત પ્રાસંગિક લાગે છે.
જૈન ધર્મમાં સંપૂર્ણ સાધક જીવન માટે તો અહંસા અપરિગ્રહ અનિવાર્ય મનાયા છે પણ ગૃહસ્થ જીવનમાં કે જ્યાં આંશિક સાધના કરી શકાય છે ત્યાં પણ જીવન પધ્ધતિને તો અહિંસા અને અપરિગ્રહવાળી જ બતાવવામાં આવી છે.
જૈન ધર્મમાં સામાજિક ક્ષેત્રે પર્યાવરણની જાળવણી અને સંતુલન માટે ગૃહસ્થવર્ગને જે માર્ગદર્શન આપ્યું છે તે ખરેખર અદભુત છે. દરેક માનવને આજીવિકાની આવશ્યકતા રહે છે. જીવન યાપન માટે આર્થિક પાસું અતિ મહત્ત્વનું છે. માણસો એ માટે વાણિજ્ય-વ્યવસાયનો સહારો લેવાના જ. ગૃહસ્થ જીવનના શ્રાવક ધર્મના બાર વ્રતોમાં સાતમા ભોગાપભોગ વિરમણ વ્રતની વિશદ વિવેચના, પંદર પ્રકારની વ્યાવસાયિક હિંસા કે જે પર્યાવરણનું સંતુલન ખોરવી નાંખે છે, પર્યાવરણમાં પ્રદૂષણનો વધારો કરે છે જે પંદર કર્માદાનના નામે એ પંદર પ્રકારનાં ધંધાઓ છે. શ્રાવકો બાર વ્રત આદરી શકય એટલી હિંસા ઓછી કરી પર્યાવરણની જાળવણી કરી શકે છે તેમ જ મૂર્છાનું અલ્પીકરણ કરી ‘અપરિગ્રહ પરમો ધર્મ' માની પર્યાવરણની રક્ષા કરવાની જાગરુકતા કેળવી શકે છે.
£€ 3 =